નવી દિલ્હી, તા.23: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં એક ગોળમેજી બેઠકમાં એડોબ, એકસેન્ચર, ગૂગલ અને આઇબીએમ સહિત 15 ટેકનોલોજી દિગ્ગજ કંપનીઓનાં સીઇઓ સાથે મુલાકાત કરી હતી અને ટેકનોલોજી અને નવાચાર સંબંધિત પાસાઓ પર ચર્ચા કરી હતી. એક્સ પર એક ટ્વિટમાં મોદીએ આ બેઠક વિશે લખ્યું હતું કે, ભારત પ્રત્યે આ કંપનીઓનો અપાર આશાવાદ જોઈને ખુશ છે. બેઠકમાં મોદીએ ભારતની વિકાસની સંભાવનાઓ ઉપર જોર મૂક્યું હતું અને વિભિન્ન ક્ષેત્રમાં સહયોગ વધારવાની વાત કરી હતી.

વડાપ્રધાને ટેક દિગ્ગજો સમક્ષ ટેકનોલોજીને વિકસિત ભારતનો સ્તંભ ગણાવી હતી. ન્યૂયોર્કમાં ટેકનોલોજી સીઇઓ સાથે ફળદાયી ગોળમેજી બેઠક યોજાઈ હતી જેમાં ટેકનોલોજી, નવીનતા અને વધુ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. હું ભારત પ્રત્યે અપાર આશાવાદ જોઈને ખુશ છું. પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) સ્કૂલ ઓફ એન્જિનિયારિંગ દ્વારા આયોજિત ગોળમેજી બેઠકમાં ટેકનોલોજી ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાતચીત પછી ટ્વિટમાં આ વિશે જાણકારી આપી હતી.
ટેકનોલોજી રાઉન્ડટેબલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ; બાયોટેકનોલોજી અને જીવન વિજ્ઞાન; કમ્પ્યાટિંગ, આઇટી અને કોમ્યુનિકેશન્સ; અને સેમિકન્ડક્ટર ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આઈટી દિગ્ગજ કંપનીઓનાં સીઇઓએ મોદી સાથે વૈશ્વિક સ્તરે વિકસતા ટેકનોલોજી લેન્ડસ્કેપ અને ભારત સહિત વિશ્વભરના લોકોની સુખાકારીમાં આ અદ્યતન ટેકનોલોજી કેવી રીતે યોગદાન આપી રહી છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. વૈશ્વિક અર્થતંત્ર અને માનવ વિકાસમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવતી નવીનતાઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.

