નવી દિલ્હી, તા. 25 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં ઘરે મંગળવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષી નેતા બનાવવાનો નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષી નેતા બનાવવા અંગે ચર્ચા કરાઈ હતી અને તેમને વિપક્ષ નેતા બનાવવા માટે સોનિયા ગાંધી દ્વારા પ્રોટેમ સ્પીકરને પત્ર પણ પ્રોટેમ સ્પીકરને પત્ર પણ લખવામાં આવ્યો હતે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે અન્ય પદાધિકારીઓ અંગે હવે નિર્ણય લેવામાં આવશે. તાજેતરમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન રાહુલને લોકસભામાં વિપક્ષી નેતા બનાવવાની સર્વાનુમતે માંગ કરવામાં આવી હતી. બેઠકમાં સભ્યોએ પ્રસ્તાવ મુક્યો કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષી નેતા તરીકે નિયુક્ત કરવા જોઈએ. આ અંગે રાહુલ ગાંધીએ વિચારવા થોડો સમય માગ્યો હતો. ખડગેએ તેમની પ્રારંભિક ટિપ્પણીમાં કહ્યું કે, હું તમારું ધ્યાન એ તથ્ય તરફ કેન્દ્રિત કરવા માગુ છું કે ભારત જોડો યાત્રા જે પણ વિસ્તારમાં ગઈ ત્યાં કોંગ્રેસના મતની ટકાવારી અને બેઠકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. લોકસભાના વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી કેન્દ્રીય માહિતી આયોગ, કેન્દ્રીય તકેદારી આયોગ અને એનએચઆરસી વડાની પસંદગી ઉપરાંત લોકપાલ, સીબીઆઇ વડા, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની મહત્વની નિમણૂંકો પરની મહત્ત્વપૂર્ણ સમિતિના સભ્ય રહેશે.
આ તમામ પેનલના વડા વડાપ્રધાન હોય છે. ખડગેએ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, 18મી લોકસભામાં લોકોનું ગૃહ ખરા અર્થમાં અંતિમ હરોળમાં વ્યક્તિની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે, જેમાં રાહુલ ગાંધી તેમનો અવાજ બનશે. સોશ્યલ મીડિયા એકસ પર પોસ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમને વિશ્વાસ છે કે એક નેતા જેમણે કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધી દેશની લંબાઇ અને પહોળાઇ પાર કરી છે તેઓ લોકોનો અવાજ ઊઠાવશે. ખાસ કરીને ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા વ્યક્તિઓનો.

