Rajya Sabha Election Results 2026: રાજ્યસભા ચૂંટણી: બિહારમાં તમામ બેઠકો NDA એ જીતી, ઓડિશામાં બે ભાજપ અને એક ભાજપ સમર્થિત અપક્ષની જીત

Arati Parmar
4 Min Read

Rajya Sabha Election Results 2026: રાજ્યસભાની ચૂંટણી માટે સોમવારે ત્રણ રાજ્યો ઓડિશા, હરિયાણા અને બિહારની 11 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ઓડિશામાં બે ભાજપ અને એક ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર તથા એક BJD ઉમેદવારે જીત મેળવી છે. બિહારની તમામ પાંચેય બેઠકો પર NDA ઉમેદવારોનો વિજય થયો છે. આ દરમિયાન બિહારમાં મહાગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાનથી ગેરહાજર રહ્યા હતા.

હરિયાણાની બે બેઠકો પર મતગણતરી અંગેના વાંધા બાદ મોડી રાત સુધી પરિણામની રાહ જોવી પડી હતી. આ ચૂંટણીમાં હરિયાણા અને બિહારની એક-એક બેઠક પરનો મુકાબલો ઘણો રસપ્રદ રહ્યો હતો. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ આ વખતે દેશભરમાં રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 26 બેઠકો પર ઉમેદવારો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

- Advertisement -

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોમાં ભાજપના સાત, કોંગ્રેસના પાંચ, તૃણમૂલ કોંગ્રેસના ચાર અને ડીએમકેના ત્રણ ઉમેદવારોનો સમાવેશ થાય છે. બાકીની 11 બેઠકો માટે સોમવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

બિહાર: NDA એ પાંચેય બેઠકો કબજે કરી

બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે સોમવારે થયેલી ચૂંટણીમાં સત્તારૂઢ NDA ના તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે. NDA એ દાવો કર્યો હતો કે મતદાનમાં ગઠબંધનના તમામ 202 ધારાસભ્યોએ ભાગ લીધો હતો, જેનાથી તેમની સ્થિતિ વધુ મજબૂત થઈ છે. વિજેતા ઉમેદવારોમાં જેડીયુ તરફથી મુખ્યમંત્રી નીતીશ કુમાર, રામનાથ ઠાકુર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન, શિવેશ કુમાર તથા રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે.

- Advertisement -

બીજી તરફ વિપક્ષી મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે કોંગ્રેસના ત્રણ અને આરજેડીના એક ધારાસભ્ય મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જોકે, એઆઈએમઆઈએમના પાંચ ધારાસભ્યો અને બસપાના એક ધારાસભ્યએ આરજેડી ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહના સમર્થનમાં મતદાન કર્યું હોવાનો દાવો કર્યો છે. તેજસ્વી યાદવે સંકેત આપ્યો છે કે ગેરહાજર રહેલા ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઓડિશા: 2 ભાજપ, 1 અપક્ષ અને 1 BJD ની જીત

ઓડિશાની ચાર બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો દબદબો રહ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલ અને વર્તમાન સાંસદ સુજીત કુમારે પોતાની બેઠકો જાળવી રાખી છે. તે જ સમયે, ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રાય પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.

- Advertisement -

BJD ના ડેપ્યુટી ચીફ વ્હીપ પ્રતાપ કેશરી દેવે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના આઠ ધારાસભ્યોએ દિલીપ રાયની તરફેણમાં ક્રોસ-વોટિંગ કર્યું છે. બીજી બાજુ, બીજુ જનતા દળના સંતૃપ્ત મિશ્રાએ પણ જીત મેળવી પાર્ટીની હાજરી જાળવી રાખી છે.

હરિયાણામાં મતગણતરી અટકી

હરિયાણાની બે બેઠકો માટે સોમવારે સાંજે 4 વાગ્યા સુધી મતદાન થયું હતું. ભાજપે કોંગ્રેસના બે ધારાસભ્યો – ભરત સિંહ બેનીવાલ અને પરમવીર સિંહના વોટમાં ‘સીક્રેસી લીક’ (ગુપ્તતા ભંગ) થઈ હોવાની ફરિયાદ કરી હતી. સામા પક્ષે કોંગ્રેસે પણ કેબિનેટ મંત્રી અનિલ વિજ સામે આવી જ ફરિયાદ કરી હતી. આ ફરિયાદોને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો.

90 બેઠકોવાળી વિધાનસભામાં 88 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. આંકડાકીય રીતે ભાજપના ઉમેદવાર સંજય ભાટિયા અને કોંગ્રેસના ઉમેદવાર કર્મવીર બૌદ્ધ પાસે જીતવા માટે જરૂરી આંકડો છે. જો ક્રોસ-વોટિંગ કે વોટ રદ થવાની સ્થિતિ સર્જાય તો જ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીશ નાંદલ બીજી બેઠક પર બાજી મારી શકે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમના કાયદેસરના મતોને અમાન્ય જાહેર ન કરવા જોઈએ.

Share This Article