Somnath Temple History: ગઝનીના આક્રમણથી સરદાર પટેલના સંકલ્પ સુધી, સોમનાથની અમર ચેતનાનો અદ્ભુત ઇતિહાસ

Arati Parmar
5 Min Read

Somnath Temple History: સોમનાથ… આ શબ્દ સાંભળતા જ આપણા મન અને હૃદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ભરાઈ જાય છે. ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં, પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ, ભારતની આત્માનું શાશ્વત પ્રસ્તુતીકરણ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં ભારતના ૧૨ જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. જ્યોતિર્લિંગોનું વર્ણન આ પંક્તિથી શરૂ થાય છે… “સૌરાષ્ટ્રે સોમનાથં ચ…” એટલે કે જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલા સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ પવિત્ર ધામની સભ્યતાગત અને આધ્યાત્મિક મહત્તાનું પ્રતીક છે.

શાસ્ત્રોમાં પણ કહેવાયું છે: “સોમલિંગં નરો દ્રષ્ટ્વા સર્વપાપૈઃ પ્રમુચ્યતે. લભતે ફલં મનોવાઞ્છિતં મૃતઃ સ્વર્ગં સમાશ્રયેત્॥”

- Advertisement -

અર્થાત્, સોમનાથ શિવલિંગના દર્શનથી વ્યક્તિ પોતાના તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. મનમાં જે કંઈ પણ પુણ્ય કામનાઓ હોય છે, તે પૂરી થાય છે અને મૃત્યુ પછી આત્મા સ્વર્ગ પ્રાપ્ત કરે છે. દુર્ભાગ્યવશ, આ જ સોમનાથ, જે કરોડો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાઓનું કેન્દ્ર હતું, તે વિદેશી આક્રમણકારોનું નિશાન બન્યું, જેમનો ઉદ્દેશ્ય વિધ્વંસ હતો.

વર્ષ ૨૦૨૬ સોમનાથ મંદિર માટે ઘણું મહત્વ ધરાવે છે કારણ કે આ મહાન તીર્થ પર થયેલા પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જાન્યુઆરી ૧૦૨૬માં ગઝનીના મહમૂદે આ મંદિર પર મોટું આક્રમણ કર્યું હતું અને મંદિરને ધ્વસ્ત કરી દીધું હતું. આ આક્રમણ આસ્થા અને સભ્યતાના એક મહાન પ્રતીકને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો.

- Advertisement -

સોમનાથ હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાં સામેલ

સોમનાથ હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાં સામેલ છે. છતાં પણ, એક હજાર વર્ષ પછી આજે પણ આ મંદિર પૂરા ગૌરવ સાથે ઊભું છે. વર્ષ ૧૦૨૬ પછી સમયાંતરે આ મંદિરને તેના પૂરા વૈભવ સાથે પુનઃનિર્મિત કરવાના પ્રયાસો ચાલુ રહ્યા. મંદિરનું વર્તમાન સ્વરૂપ ૧૯૫૧માં આકાર લઈ શક્યું. સંજોગવશાત્ ૨૦૨૬નું આ જ વર્ષ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાનું પણ વર્ષ છે. ૧૧ મે ૧૯૫૧ના રોજ આ મંદિરનું પુનઃનિર્માણ સંપન્ન થયું હતું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં થયેલો તે સમારોહ ઐતિહાસિક હતો, જ્યારે મંદિરના દ્વાર દર્શન માટે ખોલવામાં આવ્યા હતા.

૧૦૨૬માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણ અને ત્યાંના લોકો સાથે કરાયેલી ક્રૂરતાનું વર્ણન અનેક ઐતિહાસિક સ્ત્રોતોમાં મળે છે. સોમનાથ મંદિરનું આધ્યાત્મિક મહત્વ ખૂબ વધારે હતું. તે એક એવા સમાજની પ્રેરણા હતી જેની આર્થિક ક્ષમતા પણ ખૂબ સશક્ત હતી. આપણા દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેના વૈભવની કથાઓ દૂર-દૂર સુધી લઈ જતા હતા.

- Advertisement -

આ સ્વાભિમાનની ગાથા છે

સોમનાથ પર હુમલા અને પછી ગુલામીના લાંબા કાલખંડ હોવા છતાં આજે હું પૂરા વિશ્વાસ અને ગર્વ સાથે કહેવા માંગુ છું કે સોમનાથની ગાથા વિધ્વંસની વાર્તા નથી. આ છેલ્લા ૧૦૦૦ વર્ષથી ચાલી આવતી ભારત માતાના કરોડો સંતાનોના સ્વાભિમાનની ગાથા છે, આ આપણા ભારતભરના લોકોની અખૂટ આસ્થાની ગાથા છે. ૧૦૨૬માં શરૂ થયેલી બર્બરતા સામે જ્યારે પણ મંદિર પર આક્રમણ થયું, ત્યારે આપણી પાસે એવા મહાન પુરુષો અને મહિલાઓ પણ હતા જેમણે તેની રક્ષા માટે ઉભા રહીને સર્વોચ્ચ બલિદાન આપ્યું.

મહમૂદ ગઝનવી આપણી ભાવનાને છીનવી શક્યો નહીં

મહમૂદ ગઝનવી લૂંટીને ચાલ્યો ગયો, પરંતુ સોમનાથ પ્રત્યેની આપણી ભાવનાને છીનવી શક્યો નહીં. ૧૦૨૬ના હજાર વર્ષ પછી આજે ૨૦૨૬માં પણ સોમનાથ મંદિર દુનિયાને સંદેશ આપી રહ્યું છે કે મિટાવવાની માનસિકતા રાખનારા ખતમ થઈ જાય છે, જ્યારે સોમનાથ આજે પણ આપણા વિશ્વાસનો મજબૂત આધાર બનીને ઊભું છે.

સ્વામી વિવેકાનંદ પણ ૧૮૯૦ના દાયકામાં સોમનાથ આવ્યા હતા. ૧૮૯૭માં ચેન્નાઈમાં આપેલા વ્યાખ્યાન દરમિયાન તેમણે કહ્યું હતું કે, “આ મંદિરો પર સેંકડો આક્રમણોના નિશાન છે, અને સેંકડો વખત તેમનું પુનર્જાગરણ થયું છે. આ વારંવાર નષ્ટ કરવામાં આવ્યા, અને દરેક વખતે પોતાના જ ખંડેરોમાંથી ફરી ઊભા થયા.” આઝાદી પછી સોમનાથના પુનઃનિર્માણનું પવિત્ર કામ સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળ્યું. ૧૯૪૭માં દિવાળી સમયે તેમની સોમનાથ યાત્રા થઈ અને તેમણે જાહેરાત કરી કે અહીં જ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થશે.

નેહરુ આ ઘટનાથી વધુ ઉત્સાહિત નહોતા

તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ આ ઘટનાથી વધુ ઉત્સાહિત નહોતા. તેઓ નહોતા ઈચ્છતા કે રાષ્ટ્રપતિ અને મંત્રી આ સમારોહનો હિસ્સો બને. તેમણે કહ્યું કે આનાથી ભારતની છબી ખરાબ થશે. પરંતુ રાજેન્દ્ર બાબુ અડગ રહ્યા. સોમનાથ મંદિરનો કોઈ પણ ઉલ્લેખ કે.એમ. મુન્શીજીના યોગદાન વિના અધૂરો છે. તેમની પુસ્તક ‘સોમનાથ, ધ શ્રાઈન ઈટરનલ’ અવશ્ય વાંચવી જોઈએ.

સોમનાથનું ભૌતિક માળખું નષ્ટ થઈ ગયું, પરંતુ તેની ચેતના અમર રહી. ૧૦૨૬ના પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પછી ૨૦૨૬માં પણ સોમનાથનો સમુદ્ર તેટલી જ તીવ્રતાથી ગર્જના કરે છે. સોમનાથ આપણને જણાવે છે કે નફરત અને કટ્ટરતામાં વિનાશની શક્તિ હોઈ શકે છે, પરંતુ આસ્થામાં સર્જનની શક્તિ હોય છે. જો હજાર વર્ષ પહેલા ખંડિત થયેલું સોમનાથ મંદિર ફરી વૈભવ સાથે ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ.

Share This Article