નવી દિલ્હી, તા.5 : કેન્દ્ર સરકાર બંધારણની કલમ 39 (બી) હેઠળ ખાનગી સંપત્તિનું અધિગ્રહણ કરી શકે નહીં તેવો મહત્ત્વનો ચુકાદો આપતાં સુપ્રીમ કોટની નવ જજની બેન્ચે 45 વર્ષ પહેલાં 1978માં આપેલો પોતાનો જ આદેશ પલટી નાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં નવ જજની બેન્ચે સાત વિરુદ્ધ બેની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિ ગણી શકાય નહીં.
અમુક ખાસ સંસાધનોને જ સરકાર સામુદાયિક સંસાધન માનીને તેનો ઉપયોગ સામાન્ય લોકોના હિતમાં કરી શકે છે. બેન્ચે 1978માં જસ્ટિસ કૃષ્ણ અય્યરના એ ચુકાદાને રદ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમમ ખાનગી સંપત્તિઓ પર સરકાર કબજો કરી શકે છે. સીજેઆઈએ જણાવ્યું હતું કે જૂનો ચુકાદો ખાસ કરીને આર્થિક, સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો. જોકે રાજ્ય સરકારો એ સંપત્તિઓ પર દાવો કરી શકે છે જે ભૌતિક છે અને જાહેર હિત માટે સમુદાય દ્વારા રાખવામાં આવે છે. સીજેઆઈ ચંદ્રચુડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ જે.બી. પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ એસ.સી. શર્મા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહે બહુમતથી ચુકાદો આપ્યો હતો જ્યારે જસ્ટિસ બી.વી. નાગરત્નાએ આંશિક રીતે અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાએ સંપૂર્ણ રીતે અસહમતિ દર્શાવી હતી.

