Supreme Court Stray Dog Hearing 2026: સુપ્રીમ કોર્ટમાં હાલ રખડતા કૂતરાઓના ત્રાસને લગતા એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી ચાલી રહી છે, જેના પર દેશભરની નજર છે. બુધવારે થયેલી અઢી કલાકની મેરેથોન સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવતા તંત્રને વેધક સવાલો પૂછ્યા હતા. જોકે, આ આદેશોની સાથે જ સોશિયલ મીડિયા અને જનતામાં એક નવી ચર્ચા છેડાઈ છે કે, શું કોર્ટ કૂતરાઓ જેટલી જ ગંભીરતા દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને જનતાના પૈસાના વેડફાટ સામે બતાવશે?
કોર્ટની ટિપ્પણી: સંસ્થાકીય વિસ્તારોમાં કૂતરાઓનો શું કામ?
જસ્ટિસની બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો કે શાળાઓ, હોસ્પિટલો અને કોર્ટ પરિસરો જેવા સંવેદનશીલ સ્થળોએ રખડતા કૂતરાઓની હાજરી શા માટે હોવી જોઈએ? કોર્ટે સ્પષ્ટ કર્યું કે સામાન્ય જનતાએ કૂતરાઓના ડર હેઠળ જીવવું ન જોઈએ. આ કેસની આગામી સુનાવણી 8 જાન્યુઆરીએ મુકરર કરવામાં આવી છે. તંત્રને આવા વિસ્તારોમાંથી કૂતરાઓને તાત્કાલિક હટાવવા માટેની રૂપરેખા તૈયાર કરવા નિર્દેશ અપાયા છે.
લોકમાનસમાં રોષ: કૂતરા કરતા ‘ભ્રષ્ટાચાર’ વધુ ખતરનાક
કોર્ટના આ કડક વલણ વચ્ચે સામાન્ય નાગરિકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે રખડતા કૂતરા તો માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકોને કરડે છે, જેની સારવાર શક્ય છે. પરંતુ દેશના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ તો આખાય દેશની તિજોરીને ‘કરડી’ રહ્યા છે. પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના કરોડો રૂપિયા રાજકીય પક્ષો પોતાની વાહવાહી, ભવ્ય સભાઓ અને સરકારી જાહેરાતો પાછળ વેડફી રહ્યા છે.
સુઓમોટો રીટની માંગ: રાજકીય જાહેરાતો પર રોક ક્યારે?
જાગૃત નાગરિકોનું માનવું છે કે કોઈ પણ રાજકીય પક્ષ સત્તા પર આવ્યા બાદ સરકારી તિજોરીને પોતાની જાગીર માની બેફામ ખર્ચ કરે છે. પક્ષના પ્રચાર માટે સરકારી પૈસાનો ઉપયોગ અટકાવવા કોઈ મજબૂત કાયદો નથી. જનતા ઈચ્છી રહી છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતે ‘સુઓમોટો’ (પોતાની મેળે) સંજ્ઞાન લઈને એવી માર્ગદર્શિકા જાહેર કરે કે:
રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર અને સભાઓનો ખર્ચ પક્ષના ભંડોળમાંથી જ કરવો જોઈએ.
સરકારી જાહેરાતોના નામે થતા કરોડોના ધુમાડા પર કાયદાકીય પ્રતિબંધ હોવો જોઈએ.
ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કૂતરાઓ જેવું જ કડક અને તાકીદનું વલણ અપનાવવું જોઈએ.
હવે જોવાનું એ રહે છે કે 8 જાન્યુઆરીની સુનાવણીમાં કોર્ટ માત્ર પ્રાણીઓના ત્રાસ પૂરતી મર્યાદિત રહે છે કે પછી દેશહિતના આ મોટા મુદ્દાઓ પર પણ કોઈ ટિપ્પણી કરે છે.

