સુરક્ષાના કારણોસર નીચેનું બજાર બંધ કરવામાં આવ્યું હતું.
સુરતના ઘોડદૌર રોડ પર આવેલા અભિનંદન એસી માર્કેટ-કમ-એપાર્ટમેન્ટમાં આજે રિનોવેશન દરમિયાન છઠ્ઠા માળનો વિશાળ સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્લેબને હટાવવા માટે ક્રેનની મદદ લીધી હતી. તેમજ સુરક્ષાના દૃષ્ટિકોણથી નીચેનું બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું અને બાજુની બિલ્ડીંગને પણ ખાલી કરાવવામાં આવી હતી.
ફાયર ઓફિસરે જણાવ્યું કે સ્લેબ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જર્જરિત ઈમારતો પર પ્રશ્ન ચિહ્ન:
આ ઘટનાથી શહેરમાં જર્જરિત ઈમારતોની સુરક્ષા સામે સવાલો ઉભા થાય છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઈમારતોને અવારનવાર નોટીસ ફટકારવામાં આવે છે, પરંતુ આ ઈમારતોમાં ગેરકાયદે રીનોવેશન અને રીપેરીંગની કામગીરી ચાલુ રહે છે.
આ ઘટનાને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા આવા રિનોવેશનના કામો પર કડક નજર રાખવામાં આવે અને જર્જરિત ઈમારતોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

