નવી દિલ્હી, તા.12: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશિ થરૂરે બાંગ્લાદેશનાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને શરણ આપવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. થરૂરે કહ્યું કે, જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોત તો હસીનાની મદદ ચોક્કસ કરવામાં આવી હોત. જો ભારતે આમાં મદદ ન કરી હોત તો મિત્ર દેશો વચ્ચે ખોટો સંદેશો ગયો હોત.

આ ઉપરાંત તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, બાંગ્લાદેશમાં થયેલા રાજકીય બદલાવથી ભારતને કોઈ જ ખતરો નથી. થરૂરે કહ્યું હતું કે, તેઓ બાંગ્લાદેશની વચગાળાની સરકારનાં પ્રમુખ મોહમ્મદ યુનુસને સારી રીતે પિછાણે છે. તેઓ જમાત-એ-ઈસ્લામી, પાકિસ્તાન કે આઈએસઆઈની એટલા નજીક નથી જેટલા નજીક અમેરિકાની છે. આપણો મુખ્ય ઉદ્દેશ તો બાંગ્લાદેશમાં લોકો સલામત રહે તેનો છે. તે દેશનાં કોઈપણ નેતા ત્યારબાદ આવે છે.

