નવી દિલ્હી, તા. 1 : લોકસભા ચૂંટણીના છેલ્લા 7મા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે શનિવારે સાંજથી જાહેર થયેલા તમામ એકિઝટ પોલમાં કેન્દ્રમાં ભાજપની આગેવાનીમાં બહુમત સાથે ત્રીજીવાર એનડીએની સરકાર રચાતી હોવાનું તારણ નિકળ્યું છે. જો કે અબ કી બાર 400 પાર..ભાજપ માટે માત્ર નારો જ બની રહેશે કારણ કે એકિઝટ પોલમાં આંક 370 આસપાસ અટકી ગયો છે.

એક માત્ર ઈન્ડિયા ટીવી-સીએનએકસ પોલમાં એનડીએને 400નો આંક દર્શાવાયો છે. ભાજપની બેઠકો ર019ની તુલનાએ ઘટતી દેખાય છે અને કોંગ્રેસનો દેખાવ ઈન્ડિયા ગઠબંધનના ટેકે સુધરશે પરંતુ સરકાર રચવા `હાથ’ ટૂંકા પડશે તેવું ચિત્ર ઉપસ્યું છે. 3 એકિઝટ પોલમાં ગુજરાતમાં ભાજપ કલીનસ્વીપ કરશે તેમ જણાવાયુ છે તથા એક સર્વેમાં કોંગ્રેસ એક બેઠક જીતે તેવો અંદાજ છે. પોલ ઓફ એક્ઝિટ પોલ્સના સરેરાશ અનુમાન મુજબ એનડીએને 361, ઇન્ડિયાને 145, અન્યોને 37, તો એબીપી-સી વોટરના તારણ મુજબ એનડીએ 353થી 383, ઇન્ડિયાને 152થી 182, અન્યોને ચારથી 12 બેઠક મળી શકે છે. લોકસભા ચૂંટણી ર0ર4ના વિવિધ મીડિયાએ સર્વે એજન્સીઓ સાથે જાહેર કરેલા એકિઝટ પોલ અનુસાર, એનડીએ 400 પાર પહોંચી રહયુ નથી અને ઈન્ડિયા ગઠબંધન 1પ0-160 સુધી સીમિત રહે છે. તમિલનાડુ અને કેરળમાં ભાજપ એન્ટ્રી કરે તથા ગુજરાત, એમપી, આંધ્ર અને રાજસ્થાનમાં ભાજપ વધુ બેઠકો આંચકી જાય તેવી સ્થિતિ છે. બિહાર, ઝારખંડમાં એનડીએને નુકસાન અને છત્તીસગઢમાં બેઠકો વધી શકે છે. મોટાભાગના એકિઝટ પોલમાં ભાજપને વધુમાં વધુ 370 બેઠક મળે તથા વિપક્ષી દળોના ઈન્ડિયા ગઠબંધનને 1રપ થી 1પ0 બેઠકો જીતી શકે તેવું અનુમાન છે. બિહારમાં એનડીએનું ગણિત બગાડે તેવો ખેલા જોવા મળી શકે છે.
યુપીમાં તમામ 80 બેઠકોમાં મોદી-યોગીની જોડી નવો ઈતિહાસ રચી શકે છે. બંગાળમાં ભાજપા સત્તાધારી ટીએમસીને ટક્કર આપતાં પ્રદર્શન સુધારી શકે છે.ઉત્તર ભારતમાં એનડીએ તો દક્ષિણમાં ઈન્ડિયા ગઠબંધનનું જોર દેખાય છે. આજતકના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ 26થી 31 બેઠક સાથે મોખરે રહી શકે છે. ટીએમસીને 11થી 14, જ્યારે ઇન્ડિને એક કે બે બેઠકની સંભાવના છે. એનડીટીવીના પોલ ઓફ એઝિટ પોલ્સમાં એનડીએને કુલ 3પ8 બેઠક મળશે તેવો અંદાજ દર્શાવાયો છે. કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડિયા ગઠબંધનને 148 અને અન્યને 37 બેઠક મળતી દર્શાવાઈ છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં ભાજપને એકતરફી સીટ મળવાનું અનુમાન જાહેર થયું છે. રાજસ્થાનમાં ભાજપને નુકશાન અને કોંગ્રેસને ફાયદાનો અંદાજ છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા મુજબ રાજસ્થાનમાં ભાજપને 16થી 19 અને કોંગ્રેસને 5-7 બેઠક મળી શકે છે.
જ્યારે અન્ય એજન્સીઓના મતે પણ કોંગ્રેસને 2-4 બેઠક જ્યારે ભાજપને 18થી 23 બેઠકોનું અનુમાન છે. તેલંગણમાં એનડીએને 7-12 અને ઈન્ડિયાને 5-9 બેઠક, આંધ્રપ્રદેશમાં એનડીએને 10-25 બેઠક, કર્ણાટકમાં એનડીએને 20-26 બેઠક અને ઈન્ડિયા ગઠબંધનને 3-5 બેઠકનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. પંજાબમાં કોંગ્રેસને 7-9 2-6 બેઠક અને એનડીએને બે બેઠકનો અંદાજ છે. છત્તીસગઢમાં ભાજપ તમામ 11 બેઠક અને ગુજરાતમાં તમામ 26 જીતશે તેવો વરતારો છે.તો મધ્યપ્રદેશમાં ભાજપને 26-28 બેઠકની જંગી જીતની સંભાવના વ્યક્ત થઈ છે. કેરળમાં યુડીએફને સૌથી વધારે 16 બેઠક અને ભાજપને 2 બેઠકના આસાર છે. તમિલનાડુમાં આ વખતે ભાજપ દ્વારા પુરજોશ મહેનત કરવામાં આવી હતી. તેમ છતા 1-4 બેઠકનો જ અંદાજ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 33-39 બેઠકની શક્યતા વ્યક્ત થઈ છે. બિહારની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 7-11 બેઠક અને એનડીએને 29-33 બેઠકની સંભાવના વ્યક્ત થઈ છે. ઝારખંડમાં એનડીએને 8-10 અને ઈન્ડિયાને 4-6, ઉત્તર પ્રદેશમાં એનડીએને 66-70 બેઠક મળવાનો અંદાજ વ્યક્ત થયો છે. જ્યારે કોંગ્રેસ એક બેઠક ઉપર જીતે તેવું એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે.

