પંજાબના શાસકપક્ષ `આમ આદમી પક્ષ’ની આશા પર ઝાડુ ફર્યું..

Reena Brahmbhatt
2 Min Read

હરિયાણાની ચૂંટણીનાં પરિણામે દિલ્હી અને પંજાબના શાસકપક્ષ `આમ આદમી પક્ષ’ અને તેના કાર્યકર્તાઓને ભારે નિરાશ કર્યા છે. ટોચનાં નેતૃત્વનાં હાઈપ્રોફાઈલ ચૂંટણી અભિયાન, છતાં હરિયાણામાં ખાતું ખુલ્યું નથી. રાજ્યની 90 બેઠક પર ઉમેદવારો ઊભા કરનારા પક્ષને બે ટકા વોટ પણ નથી મળ્યા. થોડી રાહત છે કે, કોંગ્રેસને પણ રાજ્યમાં સત્તા મળી નથી.

kejriwal

- Advertisement -

દિલ્હી પછી પંજાબમાં સત્તા મેળવવામાં સફળ થયેલી આમ આદમી પાર્ટીએ હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતચીત સફળ નહીં થયા પછી એકલા હાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું. અરવિંદ કેજરીવાલ, તેમનાં પત્ની સુનીતા અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિત પક્ષના અનેક નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.

આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો તેમનો ત્રણ-ચાર મહિના પહેલાં જેલમાંથી છૂટકારો થયો હોત, તો તેઓએ હરિયાણામાં સત્તા મેળવી લીધી હોત. તેમણે દાવો કર્યો હતો કે, હરિયાણામાં જે પણ સરકાર બનશે તે આપનાં સમર્થનથી જ બનશે. વાસ્તવમાં ચૂંટણી પરિણામ આવ્યા પછી કેજરીવાલની સ્થિતિ કફોડી થઈ છે. હરિયાણામાં જો કોંગ્રેસની સરકાર આવી હોત તો દિલ્હીમાં કોંગ્રેસને લાભ મળ્યો હોત અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપ માટે મોટી રાજકીય મૂંઝવણ ઊભી થઈ શકી હોત.

- Advertisement -

બન્ને પક્ષે જો સમજૂતી થાય તો કોંગ્રેસ વધુ બેઠકો પર દાવો કરી શકે. એકલા લડવાની હાલતમાં પણ ભાજપ વિરોધી વોટો વહેંચાઈ ગયા હોત. આમ છતાં દિલ્હીમાં ભાજપ હવે આપ પર આક્રમક બનશે. 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આપ 46 બેઠક પર ચૂંટણી લડયો હતો, પણ એકમાં પણ જીત મેળવવામાં નિષ્ફળ ગયો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં આપએ જનનાયક જનતા પક્ષથી હાથ મિલાવ્યો હતો અને ત્રણ બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ તેઓ બધા હારી ગયા હતા.

આ વર્ષની શરૂઆતમાં લોકસભાની ચૂંટણીમાં પણ આપને કોઈ સફળતા નહોતી મળી. હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં તેના મોટા ભાગના ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે. આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યા પછી આપ માટે હરિયાણામાં શક્તિશાળી ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું. હરિયાણાની શિકસ્ત બેશક આપ માટે ભયસૂચક ઘંટડી છે, પરંતુ જમ્મુ-કાશ્મીરની ડોડા વિધાનસભાની જીત પક્ષ માટે આશાની સુખદ લહેર છે.

- Advertisement -
Share This Article