નવી દિલ્હી, તા. 13 : નવી રચાયેલી સરકારે પોતાનું કામ શરૂ કરી દીધું છે. હવે બધાની નજર લોકસભા સ્પીકરની ચૂંટણી પર છે, જે 26 જૂનના યોજાશે. સંસદના બંન્ને ગૃહને રાષ્ટ્રપતિ 27 જૂનના સંબોધિત કરશે. સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિના અભિભાષણ પહેલાં નવા ચૂંટાયેલા સંસદસભ્યો શપથગ્રહણ કરશે અને નવા સ્પીકર ચૂંટશે. 24 અને 25 જૂનના પ્રોટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવશે. લોકસભા અધ્યક્ષનું પદ ભાજપ પોતાની પાસે જ રાખશે આમ 18મી લોકસભામાં પણ ભાજપના કોઈ સાંસદ લોકસભાના અધ્યક્ષ પસંદ કરશે.

એક વરિષ્ઠ નેતાએ મીડિયામાં આવતી માહિતીને રદ કરતા કહ્યું હતું કે કોઈ પણ સહયોગી પક્ષ તરફથી લોકસભા અધ્યક્ષના પદને લઈને કોઈ માંગ નથી આવી. ભાજપ ટૂંક સમયમાં પહેલા પક્ષ સ્તરે વિચાર કરશે અને પક્ષ દ્વારા તે નિર્ણય લેવાયા બાદ એનડીએના સહયોગી પક્ષો સાથે વિચાર-વિમર્શ કરી નામ પર સર્વસંમતી સધાશે. સૂત્રોના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદીના વિદેશથી પરત આવ્યા બાદ લોકસભાના નવા અધ્યક્ષનાં નામ પર વિચાર -વિમર્શ કરાશે. ભાજપ પહેલા પક્ષે નિર્ણય લઈ સહયોગી દળ સાથે વિચાર-વિમર્શ કરશે પણ જો કોઈ સહયોગી પક્ષ તરફથી અધ્યક્ષના પદ માટે કોઈ સૂચન કે માંગ આવશે તો ભાજપ નવા ફોર્મ્યુલા પર વિચાર કરશે.

