નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણીઓ વખતે રાજકીય પક્ષો દ્વારા મફતના વચનો આપવાના ચલણ વિરોધી અરજી પર કેન્દ્ર સરકાર તેમજ દેશનાં ચૂંટણીપંચ પાસે જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે. પી. અને મનોજ મિશ્રાની ખંડપીઠે બેંગલોરના શશાંક જે. શ્રીધારાની અરજી પર કેન્દ્ર સરકાર, પંચને નોટિસ આપી હતી.
અરજીમાં ચૂંટણીપંચ ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો દ્વારા `મફતની રેવડી’ના વચનો આપવા પર રોક મૂકવાના અસરકારક પગલાં લે, તેવો નિર્દેશ આપવાની માંગ કરાઈ છે. મફત રેવડીઓનાં બેલગામ વચનો કઈ રીતે સરકારી તિજોરી પર મોટું, બેહિસાબ ભારણ વધારે છે, તે અરજીમાં જણાવાયું હતું. એ સિવાય ચૂંટણી પહેલાં જે-તે પક્ષોએ આપેલાં વચનો પળાય છે, તેવું સુનિશ્ચિત કરવા માટે પણ કોઈ તંત્ર નથી. જનહિત કાર્યકર અશ્વિની ઉપાધ્યાય તરફથી વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ મતદારો પાસેથી અનુસૂચિત રાજકીય લાભ મેળવવા અપાતાં વચનો પર તરત જ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

