નવી દિલ્હી, તા. 1 : દેશની સર્વોચ્ચ અદાલતે છૂટાછેડાના એક મામલાને લઈને નારાજી વ્યક્ત કરી છે. અદાલતે હિન્દુ લગ્નની પ્રક્રિયા અંગે કહ્યું છે કે, આ પ્રસંગને ગીત-સંગીત અને નાચવા તેમજ ખાણીપીણી જેવાં આયોજનો સુધી સીમિત રાખવો જોઈએ નહીં. ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર સંબંધ છે અને તેને જાળવી રાખવો જોઈએ અને હિન્દુ લગ્ન કાયદા અંતર્ગત સાત ફેરા જેવી જરૂરી વિધિ વિના હિન્દુ વિવાહ માન્ય ગણાય નહીં.
અદાલતની ન્યાયાધીશ બી.વી. નાગરત્ન અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે, લગ્ન માત્ર નાચવા-ગાવા, ખાણીપીણી, શરાબ અને દહેજના પ્રસંગો નથી. લોકો વિવાહને વ્યાવસાયિક લેવડદેવડ માનીને મંડી પડયા છે. હકીકતમાં વિવાહ મહિલા અને પુરુષ વચ્ચે સંબંધો જોડવાનો પ્રસંગ છે. કાયદેસરરૂપ આપવા માટે લગ્ન સપ્તપદીને ફરતે સાત ફેરાના સંસ્કાર અને વિધિ સાથે કરવા જોઈએ. ખંડપીઠે કહ્યું હતું કે, ભારતમાં લગ્નને બહુ પવિત્ર મનાય છે. હિન્દુ વિવાહ એવા સંસ્કાર છે, જેનાથી ભારતીય સમાજનાં મૂલ્યો અંગે ખબર પડે છે.
અમે યુવા પુરુષો અને મહિલાઓને અપીલ કરીએ છીએ કે, આ સંબંધની ગાંઠે બંધાવા પૂર્વે ગહનપણે ભારતીય સમાજની આ સંસ્થાની પવિત્રતા અંગે વિચારણા કરે. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે, માત્ર રજિસ્ટ્રેશન કરાવી લેવાની પ્રક્રિયા જ વિવાહને કાયદેસર બનાવી દેતી નથી. હાલનાં વર્ષોમાં એવાં કેટલાય ઉદાહરણ જોવાં મળ્યાં છે જેમાં મહિલા અને પુરુષ દસ્તાવેજોના આધારે નોંધણી તો કરાવી લે છે, જ્યારે રજિસ્ટ્રાર દ્વારા એ લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ થયા હોવાનું કોઈ સર્ટિફિકેટ જારી કરવામાં આવતું નથી.