શ્રીનગર, તા. 10 : જમ્મુ -કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ જવાનને ઈજા પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલ સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને આતંકવાદીઓના નાસી જવાના માર્ગને ઘેરી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હજી ગોળીબાર ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકને સમાપ્ત કરવા માટે સુરક્ષા દળો આતંકવાદીઓ, તેમના સમર્થકો અને તેમને આશ્રય આપનારાઓને નિશાન બનાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, અનંતનાગ જિલ્લાના કોકરનાગના આહલાન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સામસામો ગોળીબાર શરૂ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળોની ટીમે ખાસ બાતમીના આધારે આહલાનમાં ઘેરાબંધી અને શોધ અભિયાન આરંભ્યું હતું ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો.

