Unnao Case High Court Verdict: દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ રેપ પીડિતાના પિતાના કસ્ટડીમાં મોતના મામલામાં દોષિત જયદીપ સિંહ સેંગરને રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે જયદીપની મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન વધારવાની અરજીને ફગાવી દઈને તેને સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કડક નિર્દેશ આપતા જયદીપ સેંગરને આવતીકાલ સુધીમાં જેલમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. જયદીપ સિંહ સેંગર, પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરનો ભાઈ છે અને આ ચર્ચિત કેસમાં સજા કાપી રહ્યો છે.
શું છે જયદીપ સેંગરની દલીલ?
જયદીપ સેંગરે અદાલતમાં અરજી દાખલ કરીને વચગાળાના જામીન વધારવાની માંગ કરી હતી. અરજીમાં જયદીપે દાવો કર્યો છે કે તે મોઢાના ‘એડવાન્સ સ્ટેજ કેન્સર’ થી પીડિત છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્સર ફરીથી ઉભરવાના લક્ષણો દેખાઈ રહ્યા છે, જેના માટે તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે.
૨૪ ફેબ્રુઆરીએ થશે આગામી સુનાવણી
જોકે હાઈકોર્ટે અત્યારે તાત્કાલિક રાહત આપી નથી, પરંતુ મેડિકલ ગ્રાઉન્ડ પર આપવામાં આવેલી મુખ્ય વચગાળાના જામીન અરજી પર ૨૪ ફેબ્રુઆરીએ ફરીથી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં સુધી જયદીપે પાછા જેલમાં જવું પડશે.
આ મામલો ઉન્નાવની તે પીડિતાના પિતાના મોત સાથે જોડાયેલો છે, જેના પર કુલદીપ સિંહ સેંગરે બળાત્કાર કર્યો હતો. પીડિતાના પિતાને ગેરકાયદે હથિયારોના કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ કસ્ટડીમાં તેમની નિર્દયતાથી મારપીટ બાદ મોત નીપજ્યું હતું. આ કાવતરા અને હત્યાના કેસમાં જયદીપ સિંહ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

