સુરતઃ ગોડાદરામાં ગેસ લાઇન લીકેજ થતાં મોટો અકસ્માત, 4 બળીને ખાખ, લાખોનું નુકસાન

Reena Brahmbhatt
2 Min Read

આગમાં 5 દુકાનો અને લાખોનો માલ બળીને ખાખ, વળતરની માંગ સાથે વેપારીઓ રસ્તા પર ઉતર્યા.

સુરતઃ ગોડાદરામાં ગેસ લાઈનમાં લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં ચાર લોકો આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઉપરાંત 5 જેટલી દુકાનો અને લાખોની કિંમતનો સામાન બળીને રાખ થઈ ગયો છે. અચાનક આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

- Advertisement -

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતાં સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગમાં 5 દુકાનો અને લાખોની કિંમતનો સામાન બળીને ખાખ થયા બાદ વેપારીઓ વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ગોડાદરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં 4 લોકો આગના કારણે દાઝી ગયા હતા. અચાનક આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. થોડી જ વારમાં આગ ધીમે ધીમે પાંચ દુકાનોને લપેટમાં લીધી હતી અને બે મોબાઈલ ફોન સહિત પાંચ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે અમને આગની ઘટનાનો ફોન આવતા જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. ઉપરના માળે રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા, જે દરમિયાન એક જ પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા. આગમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

આગની ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો એકઠા થયા હતા અને સમગ્ર ઘટના માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત આગના કારણે દુકાનદારોને થયેલા નુકસાન માટે વળતરની પણ માંગણી કરી હતી.

- Advertisement -
Share This Article