Vikas Garg Arrest: મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં ભાજપના પદાધિકારી સંડોવાયેલા હોવાનો ઘટસ્ફોટ, ઈડીની તપાસમાં ૯૪૦ કરોડથી વધુની સંપત્તિનો આંકડો સામે આવ્યો

Arati Parmar
8 Min Read

Vikas Garg Arrest: ભારતીય જનતા પાર્ટી (ભાજપ), દિલ્હીના ઈકોનોમિક સેલના સંયોજક વિકાસ ગર્ગ ‘મહાદેવ ઓનલાઈન બુક/સ્કાઈએક્સચેન્જ’ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં કથિત રીતે સામેલ હોવાને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસના દાયરામાં છે. વિકાસ ગર્ગને ૮ જુલાઈએ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઈડીએ ૧૦ જુલાઈએ જારી કરેલા એક નિવેદનમાં તેમના પર લાગેલા આરોપોની પુષ્ટિ કરી છે. આ પહેલા એપ્રિલ ૨૦૨૫માં તેમની કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નહોતું કે દરોડા શાના વિશે હતા.

આ સંબંધમાં પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડરમાં જણાવાયું છે કે ઈડીએ વિકાસ ગર્ગ, તેમના પરિવાર અને તેમની કંપનીઓની આશરે ૯૪૦.૭૭ કરોડ રૂપિયાની સંપત્તિ શોધી કાઢી છે. આ સંપત્તિઓને ગેરકાયદેસર સટ્ટાબાજીના વ્યવસાયમાંથી થયેલી કમાણી ગણાવવામાં આવી છે, જેને ‘વિકાસ ગર્ગની માલિકી અને નિયંત્રણ હેઠળની કંપનીઓમાં મોકલવામાં આવી હતી.’ અહેવાલો અનુસાર, આ સંપત્તિઓમાં રહેણાંક પ્રોપર્ટી, જમીનના ટુકડા, ઈક્વિટી શેર અને અન્ય સિક્યોરિટીઝ સામેલ છે. વિકાસ ગર્ગ પર મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), ૨૦૦૨ હેઠળ મુકદ્દમો ચલાવવામાં આવી રહ્યો છે. તેમને ઓગસ્ટ ૨૦૨૪માં ભાજપના દિલ્હી ઈકોનોમિક સેલના સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા; આ પદની પુષ્ટિ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ અને પાર્ટીના પદાધિકારીઓની યાદી પરથી થાય છે. આ ઉપરાંત તેઓ ઘણી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર છે: ‘વિકાસ લાઈફકેર લિમિટેડ’ અને ‘વિકાસ ઈકોટેક લિમિટેડ’ (આ બંને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કેમિકલ બનાવતી કંપનીઓ છે); ‘એબિક્સ લિમિટેડ’ (બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ એક ગ્લોબલ ડિજિટલ અને ફાઈનાન્શિયલ એક્સચેન્જ ફર્મ) અને ‘એબિક્સ ઈન્ક’ (જે અમેરિકામાં નેસ્ડેક (Nasdaq) માં લિસ્ટેડ છે).

- Advertisement -

મહાદેવ કેસની વિગતો

નોંધનીય છે કે ‘મહાદેવ બુક’ એક મોબાઈલ એપ છે જેના દસ લાખથી વધુ યુઝર્સ છે અને તે પોતાની જાતને ‘સ્પોર્ટ્સ ઈનસાઈટ્સ’ પ્લેટફોર્મ તરીકે ઓળખાવે છે. તે દુબઈમાં સ્થિત ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘સ્કાઈએક્સચેન્જ’ સાથે જોડાયેલું છે. ૨૦૨૨થી કેન્દ્રીય એજન્સીઓ આ એપના પ્રમોટર્સ – સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ – ની તપાસ કરી રહી છે. તેમના પર ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટ ચલાવવા અને બેનામી બેંક એકાઉન્ટ, હવાલા નેટવર્ક તથા ક્રિપ્ટોકરન્સી દ્વારા થયેલી કમાણીને મની લોન્ડરિંગ દ્વારા ઠેકાણે પાડવાના આરોપો છે. એવું કહેવાય છે કે આ કમાણીના અમુક હિસ્સાનો ઉપયોગ ભારતમાં સ્ટોકના ભાવમાં હેરાફેરી કરવા માટે પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જાણીતું છે કે આ મામલો ૨૦૨૩માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઈડીએ આરોપ લગાવ્યો કે પ્રમોટરોએ છત્તીસગઢના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે)ને આશરે ૫૦૮ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. ત્યારબાદ તપાસનો વ્યાપ વધ્યો અને તેમાં ભારતીય કંપનીઓ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને બોલીવુડ હસ્તીઓના નામ પણ સામે આવ્યા, જેમના તાર ૨૦૨૩માં ચંદ્રાકર સાથે જોડાયા હતા. ઈડીની માર્ચ ૨૦૨૬ની પ્રેસ રિલીઝ મુજબ, એજન્સીએ આ કેસના સંદર્ભમાં દેશમાં કુલ ૧૭૫ સ્થળોએ દરોડા પાડ્યા, ૧૩ લોકોની ધરપકડ કરી અને ૭૪ ચાર્જશીટ દાખલ કરીને ભારત અને વિદેશમાં કુલ ૪૩૩૬ કરોડની જંગમ-સ્થાવર સંપત્તિ જપ્ત કરી. આ મામલે ગર્ગના કથિત સંબંધો પર હાલ સુધી વ્યાપક તપાસ દરમિયાન ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું અને લોકોની નજરમાં પણ આ મામલો ઓછો આવ્યો હતો. જોકે, ‘સ્ક્રોલ’ના એક અહેવાલ મુજબ, ગર્ગની કંપનીઓએ ૨૦૨૪માં શેરબજારમાં અનિવાર્ય ખુલાસાઓ દરમિયાન ઈડીની તપાસની વાત સ્વીકારી હતી.

કોલકાતા-દુબઈ મની ટ્રેલ

- Advertisement -

‘સ્ક્રોલ’ના અહેવાલ મુજબ, નેશનલ સ્ટોક એક્સચેન્જની ફાઈલિંગ દર્શાવે છે કે ૨૦૨૨ના અંત સુધી દુબઈની કંપની ‘ઈકોટેક જનરલ ટ્રેડિંગ એલએલસી’ પાસે વિકાસ લાઈફકેરમાં ૧.૭૬% હિસ્સેદારી હતી, જેની કિંમત આશરે ૧૦ કરોડ રૂપિયા હતી. બીજી તરફ, મે ૨૦૨૩ સુધી કોલકાતાની પાંચ કંપનીઓ – બ્રિલિયન્ટ ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ્સ, ડિસ્કવરી બિલ્ડકોન, ડ્રીમ એચિવર્સ કન્સલ્ટન્સી સર્વિસીસ, ફોરેસ્ટ વિનકોમ અને સ્વર્ણભૂમિ વાણિજ્ય – એ આશરે ૩૮ કરોડ રૂપિયામાં વિકાસ લાઈફકેરની લગભગ ૮% હિસ્સેદારી ખરીદી લીધી હતી, જ્યારે સ્વર્ણભૂમિ પાસે એકલા વિકાસ ઈકોટેકમાં આશરે ૫ કરોડ રૂપિયાની હિસ્સેદારી હતી. કોલકાતાની પાંચ કંપનીઓના કોમન ડિરેક્ટર, સુરજ ચોખાનીનું નામ ઈડીએ માર્ચ ૨૦૨૪માં દુબઈના બિઝનેસમેન હરિ શંકર ટિબરેવાલાના સહયોગી તરીકે લીધું હતું. એજન્સીએ ટિબરેવાલાને ‘મોટા હવાલા ઓપરેટર’ ગણાવ્યા હતા, જે સ્કાઈએક્સચેન્જના માલિક અને ઓપરેટર છે. ત્યારથી આ તમામ છ કંપનીઓ ઈડીના દસ્તાવેજોમાં સામે આવી છે, જેમાં ફેબ્રુઆરી ૨૦૨૪નો ફ્રીઝિંગ ઓર્ડર અને મની લોન્ડરિંગ હેઠળ ચાર્જશીટ કરવામાં આવેલી ૧,૫૧૯ કંપનીઓની યાદી સામેલ છે, જેને નાણાં મંત્રાલયે ઓગસ્ટ ૨૦૨૪માં સંસદ સામે રજૂ કરી હતી.

આ ઉપરાંત ઈન્ડિયા ટુડેના જુલાઈ ૨૦૨૫ના એક અહેવાલમાં જણાવાયું છે કે ઈડીને શંકા છે કે ટિબરેવાલાની વિદેશી કંપનીઓએ રોકાણનો ઉપયોગ કરીને ગર્ગ સાથે જોડાયેલી કંપનીઓની વેલ્યુએશન વધારી હતી. એજન્સીએ અત્યાર સુધી જાહેરમાં આ દાવાની પુષ્ટિ કરી નથી અને ચોખાની તથા ટિબરેવાલા બંનેએ આ આરોપોનું ખંડન કર્યું છે.

ભાજપ કનેક્શન

નોંધનીય છે કે વિકાસ ગર્ગનું નામ સતત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે જોડવામાં આવતું રહ્યું છે અને તેમની સાથે તેમની તસવીરો પણ સામે આવી છે. આ નેતાઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને સાંસદ મનોજ તિવારી સામેલ છે. ‘સ્ક્રોલ’ના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૫માં તેમણે કોર્પોરેટ બાબતોના તત્કાલીન કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા સાથે પણ મુલાકાત કરી હતી; એવું કહેવાય છે કે આ મુલાકાત ભાજપના ઈકોનોમિક સેલના કામકાજ પર ચર્ચા કરવા માટે થઈ હતી. જાણીતું છે કે ગર્ગ એક એવા રાજકીય પરિવારમાંથી આવે છે જેનું ભાજપ સાથે જોડાણ રહ્યું છે. તેમના પિતા, નંદ કિશોર ગર્ગ, પહેલા દિલ્હીની ત્રિનગર વિધાનસભા સીટથી ભાજપની ટિકિટ પર ત્રણ વાર ચૂંટાઈ ચૂક્યા છે.

ગર્ગે આરોપોનું ખંડન કર્યું

ગર્ગની કંપનીઓએ તેમના વાર્ષિક અહેવાલમાં તમામ આરોપોનો ઈનકાર કર્યો છે. ‘સ્ક્રોલ’ અનુસાર, વિકાસ લાઈફકેરે તેમના ૨૦૨૪-૨૦૨૫ના વાર્ષિક અહેવાલમાં ઈડીની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે કેસને રદ કરાવવા માટે હાઈકોર્ટનો આદેશ લેવાની યોજના બનાવી રહી છે; જોકે, દિલ્હી હાઈકોર્ટના ઈ-કોર્ટ પોર્ટલ પર આવી કોઈ અરજી મળી નથી. તેના બદલે કોર્ટના રેકોર્ડ પરથી જાણવા મળ્યું કે ગર્ગે ઈડીની રાયપુર બ્રાન્ચ વિરુદ્ધ પીએમએલએના એપિલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે, જે મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસની તપાસ કરી રહી છે. આ સંબંધમાં જૂન ૨૦૨૬માં સામે આવેલી માહિતી પરથી જાણવા મળ્યું કે વિકાસ લાઈફકેરની ૧૩ કરોડ રૂપિયાની અચલ સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી. કંપનીનો દાવો હતો કે તેની મૂળ કંપની તપાસમાં જણાવવામાં આવેલી પ્રવૃત્તિઓમાં ‘ન તો સામેલ હતી અને ન તો તેનાથી તેને કોઈ ફાયદો થયો હતો.’ ‘સ્ક્રોલ’ના સવાલોના જવાબમાં ગર્ગના વકીલોએ કહ્યું કે મામલો હજુ કોર્ટમાં વિચારીન છે અને ગર્ગને ‘કોઈ ગુનાનો દોષી ઠેરવવામાં આવ્યો નથી.’ આ વચ્ચે તપાસના મુખ્ય આરોપીઓ હજુ પણ ભારતીય અદાલતોની પહોંચની બહાર છે. જોકે, ડિસેમ્બર ૨૦૨૩માં સંયુક્ત આરબ અમીરાતની પોલીસે ઉપ્પલની ધરપકડ કરી હતી, પરંતુ અહેવાલો મુજબ તેઓ નવેમ્બર ૨૦૨૫માં કસ્ટડીમાંથી ભાગી નીકળ્યા હતા. ગયા અઠવાડિયે ઓમાનમાં ચંદ્રાકરને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને ભારત સરકાર અત્યારે તેમને ભારત લાવવા (પ્રત્યાર્પણ કે ડિપોર્ટેશન દ્વારા)ની કોશિશ કરી રહી છે.

Share This Article