પાકિસ્તાનમાં ઈમરાન ખાન સમર્થક કાર્યકરોનાં વિરોધ પ્રદર્શનમાં હિંસા ફાટી નીકળી : છ જવાનના મૃત્યુ

Reena Brahmbhatt
2 Min Read

ઈસ્લામાબાદ, તા.26 : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં તહેરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ)નાં હજારો ઈમરાન ખાન સમર્થક કાર્યકરોનાં વિરોધ પ્રદર્શનમાં હિંસા ફાટી નીકળતા અરાજકતા ફાટી નીકળી હતી. જેમાં 6 સુરક્ષાકર્મીનાં મોત નીપજ્યા હતાં. હિંસક પ્રદર્શનો વચ્ચે વનડે શ્રેણી રમવા ગયેલી શ્રીલંકા-એ ટીમ શ્રેણી અધવચ્ચે છોડી સ્વદેશ પરત ફરી હતી. પક્ષનાં સંસ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમુક્તિ માટે રાજધાનીનાં રસ્તાઓ ઉપર ઉતરી આવેલા સમર્થકો અને સુરક્ષાદળો વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી. જેમાં છ સુરક્ષાકર્મી અને બે પક્ષનાં કાર્યકરોનાં મૃત્યુ પણ થઈ ગયા હતાં.

આ હિંસા વચ્ચે ઈમરાનનાં પત્ની બુશરાએ પોતાનું પ્રણ પૂરું કરતાં ઈસ્લામાબાદનાં ડી-ચોક પહોંચી ગયા હતાં અને ત્યાં ઈમરાનનાં સમર્થકોએ કબ્જો જમાવી લીધો હતો. આ પ્રદર્શનકારીઓને ભગાડવા માટે સુરક્ષાદળોને બળપ્રયોગ કરવો પડયો હતો. જેમાં લાઠીચાર્જ અને અશ્રુવાયુ છોડવામાં આવ્યો હતો. જો કે આ કાર્યવાહીમાં સ્થિતિ વણસતા હિંસા શરૂ થઈ ગઈ હતી અને પછી બિચકેલી સ્થિતિ સંભાળવા માટે ત્યાં સેના ઉતારી દેવામાં આવી હતી.પાકિસ્તાની રેન્જર્સ દ્વારા દેખાવકારો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેમાં બેનાં મોત થયા હતાં અને 4 ઘવાયા હતાં. પક્ષનાં નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, શાંતિથી આગળ વધી રહેલા દેખાવકારોનાં કાફલા ઉપર અશ્રુવાયુનાં ગોળા દાગવામાં આવ્યા હતાં અને પછી ગોળીબાર શરૂ કરી દીધો હતો.

- Advertisement -

પીટીઆઈનાં પ્રદર્શનકારોનો કાફલો ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા બાદ થયેલી હિંસક ઘટનાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આકરી નિંદા કરી છે અને કહ્યું હતું કે, દેખાવકારો તરફથી સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતાં. મોહસીન નક્વી અને બિલાવલ ભુટ્ટોએ આ હિંસાને આતંકવાદ ગણાવીને તેની જવાબદારી નક્કી કરવામાં આવશે તેવો હુંકાર પણ કર્યો હતો.

- Advertisement -
Share This Article