Violent Clashes in Odisha: વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ભુવનેશ્વર રામ મંદિર ચોકથી કોંગ્રેસની પદયાત્રા શરૂ થઈ ગઈ છે. આ પદયાત્રા દરમિયાન હવે હોબાળો થઈ ગયો છે. પોલીસે કોંગ્રેસ નેતાઓને દોડાવી-દોડાવીને મારવાનું શરૂ કરી દીધું છે. વળી, ટોળા તરફથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસે પાણીના મારા સાથે ટીયર ગેસ પણ છોડ્યો હતો.
કોંગ્રેસ કાર્યકર્તાઓનું માથું ફૂટ્યું
હાલ, મહાત્મા ગાંધી માર્ગ જાણે કૂરૂક્ષેત્રનું મેદાન બની ગયું છે. લોકો એકબીજા પર ખુરશી-દંડા ફેંકી રહ્યા છે. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. પાણી સ્પ્રે અને ટીયર ગેસ છતાં કોંગ્રેસ કાર્યકર્તા પીછેહઠ કરવા તૈયાર નથી. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, તંત્ર ગોળી મારશે તો પણ અમે પીછેહઠ નહીં કરીએ. આ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભક્ત ચરણદાસ, કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસના તમામ ધારાસભ્ય તેમજ પ્રદેશમાંથી આવેલા તમામ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા સામેલ થયા હતાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓ સામે ગુનાની તપાસ માટે સંસદ સમિતિ બનાવવાની માંગને લઈને વિધાનસભા પાસે પ્રદર્શન કરશે.
તંત્રને અપાવ્યો વિશ્વાસ
ભક્ત ચરણ દાસે તંત્રને વિશ્વાસ અપાવ્યો છે કે, પાર્ટી કાર્યકર્તા પરિસરમાં પ્રવેશ નહીં કરે. જોકે, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને કથિત રૂપે પાર્ટીના અમુક નેતાઓની નિવારક અટકાયત કરવામાં આવી છે. દાસે એક વીડિયો મેસેજમાં કહ્યું કે, વિભિન્ન જિલ્લામાંથી સૂચના મળી રહી છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભુવનેશ્વર પહોંચવાથી રોકવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. તંત્ર પાર્ટી કાર્યકર્તાઓની ગેરકાયદે અટકાયત ન કરે, આવું કરવાથી તણાવ પેદા થઈ શકે છે અને કોંગ્રેસ કોઈપણ પ્રકારે આવી સ્થિતિ માટે જવાબદાર નહીં રહે.
કોંગ્રેસ ધારાસભ્યો વિના ઓડિશા વિધાનસભામાં શરૂ થઈ કાર્યવાહી
ઓડિશા વિધાનસભાની ગુરૂવારની કાર્યવાહી કોંગ્રેસના ધારાસભ્યો વિના જ શરૂ થઈ ગઈ હતી. જોકે, ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બીજુ જનતા દળના ધારાસભ્યોએ ગૃહની અંદર ગંગાજળનો છંટકાવ કર્યો હતો. બીજેડીના ધારાસભ્યોએ કહ્યું કે, પહેલીવાર ગૃહની અંદર પોલીસના આવવાથી ગૃહ અપવિત્ર થઈ ગયું છે. ગૃહની ગરિમા નષ્ટ થઈ છે. એવામાં આજે અમે ગૃહની અંદર ગંગાજળનો છંટકાવ કર્યો છે. વળી, બીજી બાજુ કોંગ્રેસના વિધાનસભા ઘેરાવને લઈને રાજધાનીને પોલીસ છાવણીમાં બદલી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, વિધાનસભામાં સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે જોરદાર દલીલ થઈ હતી, ત્યારબાદ કોંગ્રેસ ધારાસભ્ય તારા પ્રસાદ બહિનીપતિ પર ‘દુર્વ્યવહાર અને અનિયંત્રિત વ્યવહાર’નો આરોપ લગાવ્યો અને સાત દિવસ માટે નિષ્કાષિત કરી દેવામાં આવ્યાં. મંગળવારે ગૃહની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાના આરોપમાં 12 કોંગ્રેસ ધારાસભ્યોને નિષ્કાષિત કરી દેવામાં આવ્યા હતાં. તેમ છતાં કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભાની અંદર જ ધરણા કર્યા અને આખી રાત મહાત્મા ગાંધી માર્ગ પર રસ્તા પર જ બેસી રહ્યાં. બુધવારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ જોરદાર માર્ચ કાઢી અને વિધાનસભા તરફ કૂચ કરી. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જેનાથી બંને પક્ષો વચ્ચે જોરદાર ધક્કા-મુક્કી થઈ ગઈ. સ્થિત બગડતા જોઈ વિધાનસભા અધ્યક્ષ સુરમા પાધીએ કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો તારા પ્રસાદ બાહિનીપતિ અને રમેશ ઝેનાને પણ નિષ્કાષિત કરી દીધાં.

