ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપથી કામ કરશું

Reena Brahmbhatt
5 Min Read

મુંબઈ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી): કોરોનાકાળ છતાં દેશમાં છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં આઠ કરોડ નવી નોકરીઓ આપવામાં આવી છે એમ રિઝર્વ બૅન્કના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. મુંબઈ અને આસપાસનાં નગરોમાં રૂા. 29,000 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં ભૂમિપૂજન અને લોકાર્પણ માટે ગોરેગામમાં `નેસ્કો’ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બૅન્કે નોકરીઓ અંગે બહાર પાડેલા આંકડાને કારણે ખોટી વાતો ફેલાવતા લોકો ચૂપ થઈ ગયા છે. માળખાકીય સુવિધાઓ અને વિકાસકામોનો વિરોધ કરે છે તેઓ યુવાનો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. રેલવે, પુલ, રસ્તા અને રેલવેના ડબાના પ્રકલ્પોથી રોજગારી વધે છે.

modi tribut to attal

- Advertisement -

માળખાકીય સગવડોના પ્રકલ્પોને કારણે મૂડીરોકાણ પણ વધી રહ્યું છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, મુંબઈ અને તેની આસપાસ છેલ્લાં થોડાં વર્ષોમાં અટલ સેતુ, કોસ્ટલ રોડ અને મેટ્રો નેટવર્ક જેવા પ્રકલ્પો શરૂ થયા છે. બે સપ્તાહ પહેલાં મહારાષ્ટ્રમાં રૂા. 76,000 કરોડનો ખર્ચ ધરાવતા વાઢવણ બંદરને મંજૂરી આપવામાં આવી છે તેથી રોજગારીની દસ લાખ તકો ઊભી થશે. દસ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં આઠ કિમી મેટ્રો હતી. હાલ 80 કિમી મેટ્રો છે, જ્યારે 200 કિમી મેટ્રોનું કામ ચાલુ છે. ટ્વીન ટનલને લીધે થાણે-બોરીવલી વચ્ચેનું અંતર ઘટીને ફક્ત 15 મિનિટનું રહી જશે. અટલ સેતુનો ભારે વિરોધ થતો હતો. તેના ઉપરથી હવે દરરોજ 20,000 વાહનો પસાર થાય છે તેના કારણે રૂા. 20થી 25 લાખના ઇંધણની દૈનિક બચત થાય છે. અટલ સેતુથી પર્યાવરણ અને સમય બંનેની બચત થાય છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્ર પાસે ગૌરવશાળી ઇતિહાસ છે, સશક્ત વર્તમાન છે અને સમૃદ્ધ ભાવિનું સપનું છે. મહારાષ્ટ્ર ફાઇનાન્સિયલ હબ છે. આગામી સમયમાં મહારાષ્ટ્ર વિશ્વનું પાવર હાઉસ બની શકે છે. અમારી સરકાર વંચિતોને પ્રાથમિકતા આપે છે એમ જણાવીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે, ત્રીજા મુદતમાં અમારી સરકાર ત્રણ ગણી ઝડપથી કામ કરશે. અત્યાર સુધીમાં ચાર કરોડ ગરીબોને પાકા ઘર મળ્યાં છે. આગામી સમયમાં વધુ ત્રણ કરોડ લોકોને પાકા ઘર મળશે. સ્વનિધિ યોજના હેઠળ દેશમાં 90 લાખ લોન સ્વીકૃત થઈ છે.

તેમાં 13 લાખ લોન માત્ર મહારાષ્ટ્રમાં આપવામાં આવી છે. આ લોન લેનારાઓની માસિક આવક રૂા. બે હજાર જેટલી વધી છે. ફેરિયાઓ પ્રામાણિકતા લોનની પરત ચુકવણી કરી રહ્યા છે. સ્વનિધિના લાભાર્થીઓએ 3.25 લાખ કરોડ ડિજિટલ લેણદેણ કરી છે, એમ મોદીએ ઉમેર્યું હતું. વડા પ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં મરાઠીમાં `મહારાષ્ટ્ર લા માઝા નમસ્કાર’ કહીને વક્તવ્ય શરૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, સતત ત્રીજી વાર વડા પ્રધાનપદે ચૂંટાયા પછી પ્રથમવાર મહારાષ્ટ્રમાં આવ્યા છે. તેમણે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે, અમે મુંબઈને સુરક્ષિત અને સુશોભીત બનાવવા માગીએ છીએ. મહાલક્ષ્મી રેસકોર્સ ઉપર 300 એકર જમીન ઉપર બગીચો બાંધશું, એમ શિંદેએ ઉમેર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, વર્ષ 2018માં વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સંકલ્પ કર્યો હતો કે મુંબઈમાં એક સ્થળેથી બીજા સ્થળે માત્ર 59 મિનિટમાં પહોંચશું તે દિશામાં કામ કરતા અમે એક પછી એક માળખાકીય સુવિધાના પ્રકલ્પો ઊભા કરી રહ્યા છીએ, એમ ફડણવીસે ઉમેર્યું હતું.નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. –

- Advertisement -

ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનશે : મોદી : મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : ભારત ટૂંક સમયમાં જ વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું સૌથી મોટું અર્થતંત્ર બનશે, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના સેક્રેટરી એટ-આઈએનએસ ટાવરનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાને જણાવ્યું હતું કે, થોડાં વર્ષ પહેલાં કેટલાક રાજકારણીઓ કહેતા હતા કે, ડિજિટલ ટ્રાન્જેક્શન ભારતમાં નહીં ચાલી શકે. તેઓએ મનમાં ધારી લીધું હતું કે, ભારતમાં આધુનિક ટેક્નોલોજી ચાલી શકે નહીં. જો કે, હવે વિશ્વના લોકો ભારતની ક્ષમતાને નિહાળી રહ્યા છે. વર્તમાન સમયમાં ભારતવાસીઓ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં નવા વિક્રમો સ્થાપી રહ્યા છે. ભારતના યુપીઆઈ અને આધુનિક ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે લોકોનું જીવન વધુ સરળ બન્યું છે. તેઓ માટે વિશ્વના દેશોમાં નાણાં મોકલવાનું સરળ બન્યું છે. ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી દ્વારા કરવામાં આવેલા અસરકારક કામોને લીધે દેશને લાભ થશે. પ્રસાર માધ્યમો લોકોને પોતાની ક્ષમતાથી વાકેફ કરે છે. ભાષણો સર્જવાની પ્રસાર માધ્યમોની કુદરતી ભૂમિકા છે. વર્ષ 2014 પહેલાં મોટા ભાગના લોકો `સ્ટાર્ટઅપ’ના શબ્દથી અજાણ હતા, પરંતુ પ્રસાર માધ્યમોએ તેને ઘરોઘર પહોંચાડયો છે, એમ મોદીએ ઊમેર્યું હતું.

Share This Article