West Bengal Elections 2026 Analysis: પશ્ચિમ બંગાળમાં આ મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી કોઈના માટે સત્તામાં ટકી રહેવાની લડાઈ છે તો કોઈના માટે ખુરશી આંચકી લેવાની અને કોઈના માટે પોતાના અસ્તિત્વની રક્ષાની. આ વાત પર અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આમાં કોણ જીતશે અને કોણ વિપક્ષની ભૂમિકામાં રહેશે. રાજનીતિ પર ચર્ચા કરનારા અવારનવાર કહે છે કે ચૂંટણી ગણિત હંમેશા સીધું હોતું નથી. તેનું કારણ એ છે કે ચૂંટણી ક્યારેક મુદ્દાઓ પર હોય છે અને ક્યારેક પરિણામ ઉમેદવારો પર નિર્ભર હોય છે. આમાં ઘણી વખત સાવ અલગ સમીકરણો કામ કરે છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીના આ સમીકરણમાં અનેક રાજનેતાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આમાંથી કોઈ ચૂંટણી લડી રહ્યું છે તો કોઈ બીજાના સમર્થનમાં પ્રચાર કરી રહ્યું છે. ઘણા લોકો બંગાળના રહેવાસી નથી- પરંતુ આ લોકો કોઈને કોઈ રીતે આ ચૂંટણીના મહત્વના પાત્રો તરીકે ઉભરી આવ્યા છે. આ લોકો કોણ છે અને કઈ વાત તેમના પક્ષમાં કે વિરોધમાં જઈ શકે છે, આ રિપોર્ટમાં તેનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મમતા બેનર્જી
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન અવારનવાર કહે છે કે રાજ્યની તમામ ૨૯૪ બેઠકો પર તેઓ જ ઉમેદવાર છે. તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ તેમને એકમાત્ર અને અજોડ નેતા ગણાવે છે. સંસદીય લોકશાહીમાં મમતા બેનર્જી ચાર દાયકાથી પણ વધુ સમયથી સક્રિય છે. તેમણે વર્ષ ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને વામ મોરચાના ૩૪ વર્ષ લાંબા શાસનનો અંત આણ્યો હતો. રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ છેલ્લા ૧૫ વર્ષથી તેઓ સતત સત્તામાં છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તેમની પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગતા રહ્યા છે. રાજ્યમાં વિવિધ મુદ્દાઓ પર સામાન્ય લોકોની નારાજગી પણ સામે આવતી રહી છે. રાજકીય વિશ્લેષકોનું એક જૂથ માને છે કે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા આ ચૂંટણી લડાઈ તેમની પાર્ટી માટે સરળ નહીં હોય.
કેમ સરસાઈ પ્રાપ્ત છે: મમતા બેનર્જી લાંબા સમયથી સામાન્ય લોકો વચ્ચે મુખ્યમંત્રીને બદલે ‘દીદી’ તરીકે પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. મહિલા મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ, જનસંપર્ક અને લડાયક નેતાની છબીએ સામાન્ય લોકોમાં તેમની અલગ ઓળખ બનાવી છે. તેઓ વારંવાર કહેતા રહ્યા છે કે તૃણમૂલ કોંગ્રેસ સંગઠનનો પાયો મજબૂત કરવા માટે તેઓ કડક નિર્ણયો લેતા પણ અચકાશે નહીં. તેમની પાર્ટી ભાજપ વિરુદ્ધ સતત મુખર રહી છે. મમતા બંગાળ પ્રત્યે કેન્દ્રની ઉપેક્ષાના મુદ્દે સક્રિય રહ્યા છે. તેની સાથે જ તેઓ સતત આરોપ લગાવતા રહ્યા છે કે દેશના વિવિધ રાજ્યોમાં બાંગ્લા બોલનારાઓને બાંગ્લાદેશી જાહેર કરવામાં આવી રહ્યા છે. મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) ના સવાલ પર ભાજપ પર આરોપ લગાવવાની સાથે જ આ મુદ્દે રાજ્યના લોકોના હિતમાં દલીલ આપવા માટે તેઓ વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી ચૂક્યા છે. તૃણમૂલ કોંગ્રેસ મમતાની આ ‘તારણહાર’ વાળી ભૂમિકાનો પણ મોટા પાયે પ્રચાર કરી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લક્ષ્મી ભંડાર, કન્યાશ્રી, સ્વાસ્થ્ય સાથી અને હાલમાં શરૂ કરાયેલી યુવા સાથી જેવી યોજનાઓ આ મહિને યોજાનારી ચૂંટણી પર અસર કરી શકે છે. ઘણા લોકો માને છે કે છેલ્લા અનેક ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસની જીતમાં મહિલા અને મુસ્લિમ મતદારોની નોંધપાત્ર ભૂમિકા રહી છે. આ બંને વર્ગો આ ચૂંટણીમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
આ કારણોથી મુશ્કેલી થઈ શકે છે: તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને મંત્રીઓ પર ભ્રષ્ટાચાર અને જબરન ફાળો ઉઘરાવવા જેવા અનેક આરોપો લાગ્યા છે. શિક્ષણ અને નગર નિગમમાં થતી બહાલીઓમાં (ભરતીમાં) ભ્રષ્ટાચાર ઉપરાંત રેશન કૌભાંડ જેવા મામલા સામે આવ્યા છે. આ કેસોમાં પાર્ટીના અનેક મોટા નેતાઓ અને મંત્રીઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. બીજી તરફ, કોલકાતા, દુર્ગાપુર અને સિલીગુડી સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહિલાઓના ઉત્પીડનની ઘટનાઓ પર રાજ્યમાં મોટા પાયે આક્રોશનો માહોલ રહ્યો છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેપ પછી તેની હત્યાની ઘટનાની તપાસમાં પોતાની ભૂમિકા અને રાજ્યમાં મહિલા સુરક્ષાના સવાલ પર રાજ્ય સરકાર કઠેડામાં ઉભી રહી છે. ઘણા લોકો માને છે કે આ મુદ્દાઓ સત્તારૂઢ પાર્ટીની વિરુદ્ધ જઈ શકે છે. ભ્રષ્ટાચારના આરોપી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા અને તેમને ટિકિટ આપવાના મુદ્દે વિપક્ષ તૃણમૂલ વિરુદ્ધ આક્રમક રહ્યો છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી
પશ્ચિમ બંગાળ પર લાંબા સમયથી ભાજપની નજર ટકેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી પહેલાથી જ બંગાળનો પ્રવાસ કરતા રહ્યા છે. આ મહિનાની વિધાનસભા ચૂંટણી પહેલા પણ તસવીર એવી જ દેખાઈ રહી છે. બૂથ સ્તર પર કાર્યકર્તાઓ વચ્ચે તાલમેલનો સવાલ હોય કે પછી મતદારોનું દિલ જીતવા માટે બંગાળી અસ્મિતાના સમર્થનનો, પાર્ટી વારંવાર સામાન્ય લોકોને એ સમજાવવાનો પ્રયાસ કરતી રહી છે કે બંગાળ તેના માટે ખૂબ જ મહત્વનું છે.
સરસાઈ ક્યાં છે: ભાજપ વડાપ્રધાન તરીકે મોદીની છબીને સામે રાખીને ચૂંટણી લડવા માંગે છે. આ એક મોટું ફેક્ટર હોઈ શકે છે. બીજી તરફ, અમિત શાહને ભાજપના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર માનવામાં આવે છે. આ બંને નેતાઓ પોતાની જનસભા અને ચૂંટણી રેલીઓમાં કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓની વિગતો આપવાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ પર કેન્દ્રીય યોજનાઓનો લાભ રાજ્યના સામાન્ય લોકો સુધી ન પહોંચવા દેવાના પણ આરોપો લગાવી રહ્યા છે. ભાજપ આની સાથે જ સીમા પારથી ઘૂસણખોરી, ભ્રષ્ટાચાર અને ફાળો ઉઘરાવવાના આરોપો પર તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધતી રહી છે. આ ચૂંટણીમાં પણ પાર્ટીએ આને જ પોતાનું હથિયાર બનાવ્યું છે.
આરોપ અને આલોચના: છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળમાં ભાજપનો પાયો મજબૂત થયો છે. પરંતુ આ હોવા છતાં એ જોવું જરૂરી છે કે નરેન્દ્ર મોદીને સામે રાખીને બંગાળમાં ચૂંટણી જીતવી પાર્ટી માટે કેટલી સરળ હશે. બીજી તરફ, SIR અને મતદાર યાદીમાંથી મોટા પાયે લોકોના નામ કપાવાના મુદ્દે તેની ટીકા થઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો બંગાળીઓની સાંસ્કૃતિક વિરાસત અને માનસિકતા સાથે ભાજપના મતભેદો માટે તેની ટીકા કરતા રહ્યા છે. તેઓ ભાજપ વિરુદ્ધ ધાર્મિક આધારે ધ્રુવીકરણના પણ આરોપો લગાવતા રહ્યા છે.
અભિષેક બેનર્જી
તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી દક્ષિણ ૨૪-પરગણા જિલ્લાની ડાયમંડ હાર્બર લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા નથી. પરંતુ તેનાથી તેમનું મહત્વ જરાય ઓછું થતું નથી. તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીની રણનીતિ, પૈસા અને ચૂંટણી પ્રચારની રીતોથી લઈને પાર્ટી સંગઠન મજબૂત કરવા સુધીના દરેક કામમાં તેમની મહત્વની ભૂમિકા છે.
ફાયદો: પાર્ટીના જૂના નેતાઓની ભીડમાં અભિષેક બેનર્જી એક એવો યુવા ચહેરો છે જે પહેલા જ સંસદીય રાજનીતિમાં સફળતા મેળવી ચૂક્યા છે. તેમણે પાર્ટીનો પાયો મજબૂત કરવા પર ખાસ ધ્યાન આપ્યું છે. તેમની ‘બોય નેક્સ્ટ ડોર’ વાળી છબીએ જનસંપર્કમાં મદદ કરી છે. તેઓ સામાન્ય લોકો વચ્ચે પાર્ટીની એક સ્માર્ટ અને સાફ-સુથરી ચમકતી છબી રજૂ કરવામાં પણ સફળ રહ્યા છે. ઘણા લોકો તેમને ભવિષ્યના નેતા માને છે.
નુકસાન: વિપક્ષે અભિષેક વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને આર્થિક ગેરરીતિઓના આરોપ લગાવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસની જેમ જ તૃણમૂલ કોંગ્રેસ પર પણ ‘પરિવારવાદ’ ના આરોપો લાગી રહ્યા છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ લાગેલા આરોપોથી પાર્ટીની છબી પર અસર પડી શકે છે.
શુભેન્દુ અધિકારી
ક્યારેક મમતા બેનર્જીના નજીકના રહેલા અને હવે ભાજપના મહત્વના નેતા શુભેન્દુ અધિકારી વિરોધ પક્ષના નેતા તરીકે સક્રિય ભૂમિકામાં રહ્યા છે. ભાજપ તેમના સહારે નંદીગ્રામ જીતવા માંગે છે. તે તેમનો જ વિસ્તાર છે. આની સાથે જ મમતા બેનર્જીને સીધો પડકાર આપતા આ વખતે કોલકાતાની ભવાનીપુર બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
સરસાઈ હોવાનું કારણ: શુભેન્દુએ વર્ષ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હરાવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વિપક્ષના શક્તિશાળી નેતા તરીકે ભાજપ તરફથી તેઓ સરકાર વિરુદ્ધ કાફી મુખર રહ્યા છે. પૂર્વ મેદિનીપુર અને આસપાસના વિસ્તારોમાં તેમનો સારો એવો પ્રભાવ છે.
આરોપ: વિપક્ષી નેતાઓ તેમની વિરુદ્ધ ધાર્મિક આધારે ધ્રુવીકરણના આરોપ લગાવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ આ મુદ્દાનો જોરશોરથી પ્રચાર કરી રહી છે. SIR ની પૂરક યાદીમાં નંદીગ્રામમાંથી જે મતદારોના નામ કપાયા છે તેમાંના મોટાભાગના મુસ્લિમ છે. આ મુદ્દો રાજ્યમાં ભાજપ માટે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે.
હુમાયૂં કબીર
ચૂંટણી સમીકરણોની દ્રષ્ટિએ તેઓ ભલે કેન્દ્રીય પાત્ર ન હોય, પણ સૌની નજર હુમાયૂં કબીર પર ટકેલી છે. કબીરને કોઈ સમયે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નજીકના માનવામાં આવતા હતા. પરંતુ કોંગ્રેસ પછી તેઓ પહેલા ભાજપ અને પછી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. એટલે કે તેઓ ક્યારેક ને ક્યારેક ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોમાં રહી ચૂક્યા છે. ચૂંટણી પહેલા તેમણે ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ નામના નવા રાજકીય પક્ષની રચના કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા બાબરી મસ્જિદની નકલ પર મુર્શિદાબાદમાં મસ્જિદ બનાવવાના નિર્ણય અને તેના શિલાન્યાસ દ્વારા તેમણે રાજકીય જગતમાં હલચલ મચાવી દીધી હતી. આ ચૂંટણીમાં તેમણે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સાથે બેઠકો પર સમજૂતી કરી હતી. જોકે શુક્રવાર, ૧૦ એપ્રિલે ઓવૈસીની પાર્ટીએ આ ગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો.
પ્રભાવ: કબીર હાલમાં મુર્શિદાબાદ જિલ્લાની નૌદા અને રેજીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે વિસ્તારમાં તેમનો સારો એવો પ્રભાવ છે. માનવામાં આવે છે કે ચૂંટણીમાં આ વિસ્તારના મુસ્લિમો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમની પાર્ટી કુલ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે. આમાં નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકો પણ સામેલ છે.
આલોચના: ઘણી વખત પક્ષ બદલવા અને વિવાદાસ્પદ નિવેદનોના કારણે તેમની ટીકા થતી રહી છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે મુસ્લિમ મતોમાં ગાબડું પાડીને તેઓ બીજા પક્ષોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરશે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
આ રાજનેતાઓ અને વિધાનસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા વિશેના સવાલ પર વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કહે છે, “મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક તરીકે મમતા બેનર્જીની ઘણી જ અગત્યતા છે. બીજી તરફ, મોદી અને શાહ ભાજપના કર્તા-ધર્તા છે. આ રાજ્યમાં મોદી અને શાહ સિવાય ભાજપ પાસે કોઈ અલગ ચહેરો નથી. નરેન્દ્ર મોદીના નામે પ્રચાર થાય છે અને અમિત શાહ પ્રચાર કરાવે છે. ભાજપ પશ્ચિમ બંગાળ પર કબજો કરવા માટે બેતાબ છે.” શુભેન્દુ અધિકારી વિશે તેમનું કહેવું હતું, “તેઓ પોતે ભાજપની પેદાશ નથી. ઉલટું ભાજપે તેમનું સંપાદન કર્યું છે. તેમની એકમાત્ર લાયકાત એ છે કે તેમણે ગત વખતે નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા.” શિખા મુખર્જીના મતે, અભિષેક બેનર્જી મમતા પછી પાર્ટીમાં નંબર બે છે. તેમણે જમીન પર ઘણું કામ કર્યું છે. તેની સાથે જ સંગઠનને મજબૂત કરવાની સાથે રેલીઓ પણ આયોજિત કરી છે. પરંતુ તેઓ હુમાયૂં કબીરને વધારે મહત્વ આપવા માટે તૈયાર નથી. શિખા કહે છે, “મને નથી લાગતું કે હુમાયૂં કબીરને આટલું મહત્વ આપવું જોઈએ. તેઓ થોડા દિવસ પહેલા ભાજપમાં હતા ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા અને હવે પોતાની અલગ પાર્ટી બનાવી લીધી છે. કાલે તેઓ ક્યાં હશે, તે કહેવું મુશ્કેલ છે.”
રાજકીય વિશ્લેષક ઉજ્જવલ રાય
નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી પર કહે છે, “આ બંને જ્યારે પણ કોઈ ચૂંટણીમાં જાય છે ત્યારે તેનું મહત્વ વધી જાય છે. આ બંને પહેલા પણ બંગાળના પ્રવાસે આવ્યા હતા. પરંતુ ચૂંટણી પર કોઈ અસર પાડી શક્યા નહોતા. આ વખતે ભાજપ SIR ના મુદ્દે ઘણો ઉત્સાહિત છે અને તે આ વખતે ચૂંટણીમાં સફળતા મેળવવા માંગે છે.” તેમનું કહેવું હતું, “મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસની સૌથી મોટી તાકાત છે અને તેમની છબી લડાયક નેતાની છે. તેમની સાથે અભિષેક બેનર્જી પણ છે. વિરોધ પક્ષો સામાન્ય રીતે સત્તારૂઢ પાર્ટીની નિષ્ફળતાઓને જ પોતાનો ચૂંટણી મુદ્દો બનાવે છે.” રાય કહે છે, “એ યાદ રાખવું પડશે કે મમતાનો સૌથી મોટો કરિશ્મા રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પક્ષના નેતા તરીકે છે. તેઓ SIR ને રાજકીય રીતે એટલો મોટો મુદ્દો બનાવી રહ્યા છે કે ભાજપે આના પર જવાબ આપવો પડી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે એક સત્તારૂઢ પાર્ટી બીજી સત્તારૂઢ પાર્ટીને સવાલ કરી રહી છે.” તેમનું કહેવું હતું કે SIR નો મુદ્દો હાલમાં બાકી તમામ મુદ્દાઓ પર ભારે પડી રહ્યો છે. તેઓ કહે છે, “રોટલી, કપડાં અને મકાન જેવી લોકોની મૌલિક જરૂરિયાતો હવે પૃષ્ઠભૂમિમાં જતી રહી છે. હવે SIR પર જ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.”
રાયનું કહેવું હતું, “તૃણમૂલ કોંગ્રેસ લોકોને એ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે SIR ના ઓઠા હેઠળ લઘુમતીઓના નામ યાદીમાંથી કાપવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ભાજપ સમજાવવા માંગે છે કે ગેરકાયદે મતદારોના નામ જ યાદીમાંથી કપાયા છે અને આમાંથી મોટાભાગના તૃણમૂલ કોંગ્રેસની વોટ બેંક હતા. બંને પાર્ટીઓ આક્રમક રણનીતિના સહારે આગળ વધી રહી છે.” તેઓ શુભેન્દુ અધિકારીની પણ અગત્યતા બતાવે છે, “શુભેન્દુ અધિકારીની ખાસિયત એ છે કે તેમનો ચૂંટણી વિસ્તાર નંદીગ્રામ છે અને તેઓ એક એવા નેતા છે જેમણે મુખ્યમંત્રીને હરાવ્યા છે. આ વખતે તેઓ નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.” રાયના મતે, શુભેન્દુના આવું કરવાના બે કારણો છે. પહેલું એ કે તેઓ એ સંદેશ આપવા માંગે છે કે નંદીગ્રામમાં મમતાને હરાવ્યા પછી હવે તેઓ તેમને તેમના ઘર ભવાનીપુરમાં પડકાર આપી રહ્યા છે. બીજું એ કે તેઓ મુખ્યમંત્રીની ચૂંટણી વ્યૂહરચનામાં ગાબડું પાડીને તેમના વોટ તંત્રને તોડવાની કોશિશ કરી રહ્યા છે. તેમનો વિચાર એ છે કે આનાથી મમતાએ ભવાનીપુરમાં વધુ સમય આપવો પડશે અને તેઓ રાજ્યના બીજા ભાગોમાં વધુ પ્રચાર કરવાનો સમય કાઢી શકશે નહીં. આનાથી ભાજપને અનુકૂળતા રહેશે.
રાયની નજરમાં હુમાયૂં કબીર ખૂબ જ રસપ્રદ ભૂમિકામાં છે. તેઓ કહે છે, “તૃણમૂલ કોંગ્રેસને મુસ્લિમોના વધુ વોટ મળે છે. તેથી હુમાયૂં કબીર મહત્વના બની ગયા છે. તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી છે. તેઓ એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમની પાર્ટી જ મુસ્લિમોની એકમાત્ર હિતેચ્છુ છે અને તૃણમૂલ કોંગ્રેસ અત્યાર સુધી માત્ર વોટ બેંક તરીકે તેમનો ઉપયોગ કરતી રહી છે. તેઓ બાબરી મસ્જિદની તર્જ પર મસ્જિદ પણ બનાવી રહ્યા છે.” રાયનું કહેવું હતું, “રસપ્રદ વાત એ છે કે તૃણમૂલ કોંગ્રેસ તેમના પર મુસ્લિમ મતોમાં ગાબડું પાડીને ભાજપને ફાયદો પહોંચાડવાના આરોપ લગાવી રહી છે. પરંતુ બીજી તરફ, ભાજપનું કહેવું છે કે તેઓ ખરેખર બીજી રીતે મમતા બેનર્જીની જ મદદ કરી રહ્યા છે. આનાથી ખેલ રસપ્રદ બની ગયો છે.”

