West Bengal Politics 2026: બંગાળના રાજકારણમાં ગરમાવો, મિથુન ચક્રવર્તીએ મમતા દીદીને ફેંક્યો પડકાર, ગૃહમંત્રીને ધમકી આપવાનું ભૂલી જાઓ, આ વખતે ભાજપની સરકાર પાક્કી

Arati Parmar
2 Min Read

West Bengal Politics 2026: ભાજપના નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. મિથુન ચક્રવર્તીએ મમતા બેનર્જી દ્વારા કથિત રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવેલી ધમકી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે આ વખતે બંગાળમાં ભાજપ સરકાર બનાવશે.

મિથુન ચક્રવર્તીએ શું કહ્યું?

સિલીગુડીમાં મીડિયા સાથે વાત કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું, ‘તેમણે (મમતા બેનર્જી) ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી છે. તેમને કહો કે પૂરેપૂરી ધમકી આપે, પછી મજા જોજો. તે પૂરી રીતે બોલે કે અમિત શાહને પશ્ચિમ બંગાળમાં ઘૂસવા નહીં દઈએ, પછી જોજો શું થાય છે. આવી રીતે અધૂરી વાતો બોલવાથી શું થાય? અમે આ વખતે બંગાળમાં સરકાર બનાવીશું જ બનાવીશું.’

- Advertisement -

ભાજપે મમતા બેનર્જી પર લગાવ્યો ધમકીનો આરોપ

મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળની મુલાકાત લીધી હતી અને ત્યાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ પણ એક જનસભા દરમિયાન ભાજપને નિશાન બનાવ્યું હતું. જનસભા દરમિયાન મમતા બેનર્જીએ અમિત શાહ માટે કહ્યું, ‘અમે ઈચ્છતા હોત તો તમે હોટેલની બહાર એક ડગલું પણ ન મૂકી શક્યા હોત. તમે નસીબદાર છો કે અમે તમને હોટેલની બહાર નીકળવા દીધા.’ ભાજપે તેને ધમકી ગણાવી છે અને આ મુદ્દે જ હવે મિથુન ચક્રવર્તીએ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે.

મમતા બેનર્જીએ તાજેતરમાં SIR ના મુદ્દે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે તેઓ આગ સાથે ન રમે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે SIR દરમિયાન લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને SIR કરવામાં આવી રહ્યું છે અને તેને એક મોટું કૌભાંડ ગણાવ્યું હતું. બીજી તરફ, અમિત શાહે પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ડર અને ભ્રષ્ટાચાર TMC સરકારની ઓળખ બની ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે TMC સરકારે બંગાળમાં કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી નથી, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. અમિત શાહે જણાવ્યું કે બંગાળમાં ઘૂસણખોરી એ મોટો મુદ્દો છે.

- Advertisement -
Share This Article