નવી દિલ્હી, તા. 2 : ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને શનિવારે આઇસીસી મેન્સ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. કોહલીને શુભમન ગિલ, મોહમ્મદ શમી અને ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ સાથે પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યો હતો. શનિવારે બાંગલાદેશ સામે વોર્મઅપ મેચ પહેલાં કોહલીને આ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત કોહલીને આઇસીસી પુરુષ વન-ડે ટીમ ઓફ ધ યર 2023માં પણ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલી ટી-20 વિશ્વકપ માટે ટીમના અન્ય સભ્યોના પહોંચવાના પાંચ દિવસ બાદ શુક્રવારે પહોંચ્યો હતો. ભારત ટી-20 વિશ્વકપની પોતાની પહેલી મેચ પાંચમી જૂને આયર્લેન્ડ સામે રમશે. આ એવોર્ડ મળવાની સાથે જ કોહલી ખેલના ઈતિહાસમાં ત્રણ વખત પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારો પહેલો ખેલાડી બની ગયો છે.

કોહલીએ એમએસ ધોની અને એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધા છે. જેમણે બે વખત આ ખિતાબ જીત્યો છે. આઈસીસીએ પૂર્વ ભારતીય કેપ્ટનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટ્રોફી અને વન-ડે ટીમ ઓફ ધ યરની કેપ સાથે પ્રિ ટૂર્નામેન્ટ ફોટોશૂટમાં ભાગ લઈ રહ્યો છે. 35 વર્ષીય કોહલીએ 2023માં પોતાની કારકિર્દીને શાનદાર ઊંચાઈ સુધી પહોંચાડી હતી, તેણે 27 વન-ડેની 24 ઇનિંગ્સમાં 72.47ની સરેરાશ અને 99.13ની સ્ટ્રાઇક રેટથી 1377 રન કર્યા હતા, જેમાં છ સદી અને આઠ અર્ધસદી સામેલ છે. આ દરમિયાન કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 166 રન રહ્યો હતો. બાદમાં ઘરેલુ મેદાનમાં આયોજિત વન-ડે વિશ્વકપમાં વિરાટ કોહલીએ 11 મેચમાં 95.62ની સરેરાશથી 765 રન કર્યા હતા. જેમાં ત્રણ સદી, છ અર્ધસદી અને 117નો સર્વશ્રેષ્ઠ સ્કોર સામેલ છે.

