Trump Visa Holders Deportation: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ માટે, જેમની પાસે કાયદેસર યુએસ વિઝા છે તેવા 5.5 કરોડથી વધુ વિદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે, જેથી જો તેઓએ કોઈ નિયમનો ભંગ કર્યો હોય તો તેમને દેશનિકાલ કરી શકાય. આ કાર્યવાહી એવા વિદેશીઓ પર લક્ષિત છે જેમને પહેલેથી જ અમેરિકામાં રહેવાની પરવાનગી મળી ચૂકી છે.
અમેરિકાના વિઝા ધારકોની સખત તપાસ
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બધા અમેરિકન વિઝા ધારકોની સતત તપાસ કરવામાં આવે છે. જો કોઈ વિદેશી દસ્તાવેજ માટે અયોગ્ય જણાય, તો તેનો વિઝા રદ કરવામાં આવશે અને જો તે અમેરિકામાં રહેતો હશે, તો તેને તરત જ દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.
ગુનાહિત પ્રવૃત્તિ અને જાહેર સુરક્ષાનું જોખમ જણાય તો વિઝા થશે રદ
અમેરિકાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પણ વિઝાધારક નિર્ધારિત સમય કરતાં વધુ રોકાય, ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય, જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરે અથવા આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલો હોય તો તેના વિઝા ગમે ત્યારે રદ થઈ શકે છે. વિભાગે જણાવ્યું કે, આ તપાસ દરમિયાન કાયદાકીય અને ઇમિગ્રેશન રેકોર્ડ સહિતની તમામ ઉપલબ્ધ માહિતીની સમીક્ષા કરવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ: વિઝા રદ થવાનું જોખમ વધ્યું
ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળથી, તેમનું વહીવટીતંત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પણ સામેલ છે. અમેરિકી વિદેશ વિભાગની નવી નીતિ મુજબ, વિઝાની ચકાસણી પ્રક્રિયા વધુ ઝડપી અને વ્યાપક બની છે, જેના કારણે કાયદેસર રીતે રહેતા લોકોના વિઝા પણ કોઈપણ સમયે અચાનક રદ થઈ શકે છે.
અમેરિકા હવેથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરોને વર્ક વિઝા નહીં આપે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જાહેરાત કરી કે હવેથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરોને વર્ક વિઝા આપવામાં આવશે નહીં. આ નિર્ણયનો હેતુ અમેરિકન લોકોની સુરક્ષા વધારવાનો અને સ્થાનિક ટ્રક ડ્રાઇવરોની આજીવિકાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત, ટ્રમ્પ પ્રશાસને ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી બોલવા અને વાંચવાની ફરજિયાત જરૂરિયાત પણ લાગુ કરી છે, જેનો ઉદ્દેશ્ય માર્ગ સલામતી સુધારવાનો છે.