Women Reservation Bill Failure: 30 વર્ષમાં 7મી વાર લોકસભામાં મહિલા અનામત બિલ ફગાવી દેવાયું, જાણો કઈ સરકારોએ કર્યા પ્રયાસ અને શા માટે હંમેશા અધૂરું રહે છે આ મિશન

Arati Parmar
5 Min Read

Women Reservation Bill Failure: મહિલાઓને અનામતના મુદ્દે દેશમાં રાજકીય આગ લાગેલી છે. દેશની લોકસભાની સાથે જ વિધાનસભાઓમાં એક તૃતીયાંશ અનામત લાગુ કરવા સાથે જોડાયેલા બંધારણીય સુધારા વિધેયકને લોકસભામાં જરૂરી બહુમતી મળી શકી નથી. મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈની સાથે જ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની બેઠકોમાં પણ વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ગૃહમાં બહુમતી ન મળ્યા બાદ ભાજપે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. ભારતના લોકશાહી ઇતિહાસમાં ‘મહિલા અનામત વિધેયક’ એક એવું પ્રકરણ બની ગયું છે, જે વારંવાર સંસદના ઉંબરે તો પહોંચે છે, પરંતુ તેના અંતિમ અંજામ સુધી પહોંચતા પહેલા જ રાજકારણની ભેટ ચડી જાય છે. છેલ્લા 30 વર્ષમાં 7મી વખત આવું થયું છે.

17 એપ્રિલ 2026ના રોજ સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામતના મુદ્દે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. લોકસભામાં બંધારણીય સુધારા બિલ (131મો સુધારો) પર વોટિંગ દરમિયાન કેન્દ્ર સરકાર બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી, જેનાથી 30 વર્ષમાં આ બિલ 7મી વખત ફગાવી દેવામાં આવ્યું. રાજકીય ગૃહમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાનો વિચાર પહેલીવાર 1990ના દાયકામાં પાંગર્યો હતો. 1996થી લઈને 2026 સુધીની સફર ઉતાર-ચઢાવ ભરેલી રહી છે.

- Advertisement -

વિધેયક પર ક્યારે-ક્યારે મળી નિષ્ફળતા?

મહિલા અનામતનો વિચાર પહેલીવાર 1990ના દાયકામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી સાત મુખ્ય પ્રસંગોએ તેને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો અથવા તેના પર ચર્ચા થઈ, પરંતુ દર વખતે તે કોઈને કોઈ કારણસર પડી ગયું.

  • 1996: એચડી દેવગૌડાના નેતૃત્વ હેઠળની જનતા દળ સરકાર દરમિયાન પહેલી કોશિશ થઈ. 81મા બંધારણીય સુધારા વિધેયક તરીકે તેને રજૂ કરાયું. ભારે હંગામા વચ્ચે તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલાયું, પરંતુ લોકસભા ભંગ થવાને કારણે વિધેયક લેપ્સ થઈ ગયું.

  • 1998: અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારમાં બીજી કોશિશ થઈ. વિપક્ષી દળો, ખાસ કરીને આરજેડી અને સપાએ ‘કોટામાં કોટા’ એટલે કે ઓબીસી અનામતની માંગ સાથે જોરદાર વિરોધ કર્યો. 12મી લોકસભા ભંગ થવાની સાથે જ આ બીજી વાર પડી ગયું.

  • 1999: વાજપેયી સરકારે ફરી પ્રયાસ કર્યો. આ વખતે સંસદમાં ધક્કા-મુક્કી અને બિલની નકલો ફાડવા જેવી અપ્રિય ઘટનાઓ બની. સર્વસંમતિ ન બનવાના કારણે તે ત્રીજી વખત નિષ્ફળ રહ્યું.

  • 2002 થી 2003: વાજપેયી સરકાર અને બાદમાં યુપીએ-1 ના શરૂઆતના ગાળામાં તેને પુનર્જીવિત કરવાની કોશિશો થઈ, પરંતુ રાજકીય મડાગાંઠ યથાવત રહી અને ચોથી વખત વિફળતા મળી.

  • 2010: મનમોહન સિંહની યુપીએ સરકાર દરમિયાન 9 માર્ચ 2010ના રોજ આ બિલ રાજ્યસભામાં પસાર થયું. જોકે, લોકસભામાં તેને રજૂ કરવાની હિંમત સરકાર ન કરી શકી કારણ કે સહયોગી દળોએ ટેકો પાછો ખેંચવાની ધમકી આપી હતી. 2014માં લોકસભા ભંગ થતા આ પાંચમી વાર લેપ્સ થયું.

  • 2023: નરેન્દ્ર મોદી સરકારે 20 સપ્ટેમ્બર 2023ના રોજ તેને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ના નામે રજૂ કર્યું. તે બંને ગૃહોમાંથી પસાર થયું અને કાયદો બન્યો. પરંતુ તેમાં શરત હતી કે તે વસ્તીગણતરી અને સીમાંકન બાદ જ લાગુ થશે.

  • 17 એપ્રિલ 2026: હવે સાતમી વાર નાકામી હાથ લાગી. ગઈકાલે લોકસભામાં આ કાયદાને તત્કાળ પ્રભાવી બનાવવા અને સીમાંકન સાથે જોડાયેલા સુધારા પર વોટિંગ થયું. બે-તૃતીયાંશ બહુમતી માટે 352 વોટની જરૂર હતી, પરંતુ માત્ર 298 વોટ જ મળી શક્યા. પરિણામે સરકાર 54 વોટથી પાછળ રહી ગઈ.

અત્યારે મહિલાઓની ભાગીદારી કેટલી છે?

ભારતની સંસદમાં વર્તમાનમાં મહિલાઓ માટે કોઈ અનામત બેઠક નથી. લોકસભામાં લગભગ 14 ટકા અને રાજ્યસભામાં આશરે 17 ટકા સભ્યો મહિલાઓ છે, જ્યારે રાજ્ય વિધાનસભાઓમાં આ આંકડો લગભગ 10 ટકાની આસપાસ છે.

- Advertisement -

શા માટે અટકી રહ્યું છે આ બિલ?

1996થી 2026 સુધીની સફર બતાવે છે કે મહિલા અનામત ભારતનું સૌથી મોટું ‘રાજકીય ફૂટબોલ’ બની ગયું છે. આના રસ્તામાં મુખ્ય ત્રણ દીવાલો છે:

  1. કોટામાં કોટા: આરજેડી, સપા અને હવે કોંગ્રેસ જેવા પક્ષો માંગ કરી રહ્યા છે કે 33 ટકા અનામતમાં ઓબીસી અને લઘુમતી મહિલાઓ માટે અલગ પેટા-કોટા હોય.

  2. સીમાંકનની ગૂંચ: 2023ના કાયદા મુજબ અનામત ત્યારે જ લાગુ થશે જ્યારે નવી વસ્તીગણતરી અને સીમાંકન થશે. વિપક્ષ તેને ‘ચૂંટણીલક્ષી જુમલો’ ગણાવે છે.

  3. પુરુષ પ્રધાન રાજકારણ: નિષ્ણાતો માને છે કે ઘણા પુરુષ સાંસદો પોતાની બેઠક ગુમાવવાના ડરથી અંદરખાને આનો વિરોધ કરે છે.

સરકાર અને વિપક્ષનો તર્ક

બંધારણીય સુધારા માટે 352 વોટ જરૂરી હતા. વિધેયક હેઠળ લોકસભાની બેઠકો 543 થી વધારીને મહત્તમ 850 કરવાનો પ્રસ્તાવ હતો. સરકારનો તર્ક છે કે વસ્તીમાં આવેલા ફેરફારોને સીમાંકન દ્વારા દર્શાવવા જરૂરી છે. બીજી તરફ, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકારે મહિલાઓના નામે અસંવિધાનિક ચાલ ચાલી છે અને સીમાંકનને અનામત સાથે જોડીને રાજકીય લાભ લેવાની કોશિશ કરી છે.

- Advertisement -
Share This Article