Asian Games 2026: એશિયન ગેમ્સની શરૂઆત 1951માં ભારતની યજમાનીમાં થઈ હતી. ગેમ્સની 20મી આવૃત્તિ 2026માં જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 સુધી રમાવાની છે. ભારતીય ટીમ જાપાનમાં દમદાર પ્રદર્શન માટે તૈયાર છે. 1951માં યોજાયેલી એશિયન ગેમ્સમાં 11 દેશોએ ભાગ લીધો હતો. હવે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (OCA)ના તમામ 45 સભ્ય દેશો નિયમિત રીતે એશિયન ગેમ્સમાં ભાગ લે છે. કેટલીક વિશેષ આમંત્રિત ટીમો પણ હોય છે.
ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ છે જે એશિયન ગેમ્સની દરેક આવૃત્તિનો હિસ્સો રહ્યા છે. ભારતીય એથ્લેટ્સે એશિયન ગેમ્સમાં પોતાના દમદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે અને સમગ્ર દુનિયામાં પોતાની ક્ષમતાનો પરચો આપ્યો છે. ભારતે 1951માં યોજાયેલી પ્રથમ એશિયન ગેમ્સમાં 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત 51 મેડલ જીત્યા હતા. જ્યારે હાંગઝોઉમાં યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતીય દળે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 40 બ્રોન્ઝ સહિત કુલ 106 મેડલ જીત્યા હતા અને ચોથી સફળ ટીમ રહી હતી. હાંગઝોઉ એશિયન ગેમ્સ ભારત માટે અત્યાર સુધીની સૌથી સફળ આવૃત્તિ રહી છે.
એથ્લેટિક્સમાં ભારતને સૌથી વધુ મેડલ
એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારત સૌથી વધુ મેડલ જીતનારા દેશોની યાદીમાં પાંચમા સ્થાને છે. ભારતે છેલ્લી 19 આવૃત્તિઓમાં 183 ગોલ્ડ, 238 સિલ્વર અને 357 બ્રોન્ઝ સહિત કુલ 778 મેડલ જીત્યા છે. ભારતને એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ એથ્લેટિક્સમાં મળ્યા છે. એથ્લેટિક્સમાં 85 ગોલ્ડ, 102 સિલ્વર અને 96 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 283 મેડલ જીત્યા છે. આ ઉપરાંત, ભારતને શૂટિંગમાં 80, કુસ્તીમાં 65 અને બોક્સિંગમાં 61 મેડલ મળ્યા છે.
સૌથી વધુ મેડલ જીતનારા દેશોમાં પ્રથમ સ્થાને ચીન, બીજા સ્થાને જાપાન, ત્રીજા સ્થાને દક્ષિણ કોરિયા અને ચોથા સ્થાને ઈરાન છે. ચીને 1,674 ગોલ્ડ, 1,105 સિલ્વર અને 791 બ્રોન્ઝ સહિત 3,570 મેડલ જીત્યા છે. જાપાને 1,084 ગોલ્ડ, 1,104 સિલ્વર અને 1,054 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 3,242 મેડલ, દક્ષિણ કોરિયાએ 787 ગોલ્ડ, 722 સિલ્વર અને 916 બ્રોન્ઝ સહિત કુલ 2,425 મેડલ અને ઈરાને 192 ગોલ્ડ, 202 સિલ્વર અને 217 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 611 મેડલ જીત્યા છે. ઈરાનના ગોલ્ડ મેડલની સંખ્યા વધુ છે. આ જ કારણે કુલ મેડલ ઓછા હોવા છતાં તે મેડલ ટેબલમાં ભારતથી ઉપર છે.
એશિયન ગેમ્સના 5 સૌથી સફળ દેશ
| રેન્ક | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ મેડલ |
|---|---|---|---|---|---|
| 1 | ચીન | 1674 | 1105 | 791 | 3570 |
| 2 | જાપાન | 1084 | 1104 | 1054 | 3242 |
| 3 | દક્ષિણ કોરિયા | 787 | 722 | 916 | 2425 |
| 4 | ઈરાન | 192 | 202 | 217 | 611 |
| 5 | ભારત | 183 | 238 | 357 | 778 |
એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતની સૌથી સફળ એથ્લેટ પીટી ઉષા રહી છે. પીટી ઉષાએ 4 ગોલ્ડ અને 7 સિલ્વર સહિત કુલ 11 મેડલ જીત્યા છે. ભારત પાસે એશિયન ગેમ્સ 2026માં ઈરાનને ગોલ્ડ મેડલ જીતવાના મામલે પાછળ છોડીને મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવવાની તક છે. ભારતીય દળ હાંગઝોઉ એશિયન ગેમ્સના સૌથી વધુ 106 મેડલના રેકોર્ડને પણ સુધારવાનો પ્રયાસ કરશે.

