વિશ્વકપ 2023માં ઓસ્ટ્રેલિયાની ટીમને આખરે પહેલી જીત નસીબ થઇ છે.

newzcafe
3 Min Read

ઓસ્ટ્રેલિયાને આખરે શ્રીલંકા સામે પહેલી જીત મળી


ઓસ્ટ્રેલિયાને આખરે શ્રીલંકા સામે પહેલી જીત મળી 


લખનઉ તા.16: વિશ્વકપ 2023માં ઓસ્ટ્રેલિયાની ટીમને આખરે પહેલી જીત નસીબ થઇ છે. આજની મેચમાં શ્રીલંકા વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાનો પ વિકેટે વિજય થયો હતો અને પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવ્યું છે. શ્રીલંકાના 209 રનના સામાન્ય સ્કોર સામે ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શ અને જોશ ઇંગ્લીશની અર્ધસદીથી 88 દડા બાકી રાખીને 3પ.2 ઓવરમાં પ વિકેટ ગુમાવીને 21પ રન કરીને જીત મેળવી હતી. 47 રનમાં 4 વિકેટ ઝડપનાર કાંગારૂ સ્પિનર એડમ ઝમ્પા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. શ્રીલંકાએ તેની 10 વિકેટ 84 રનમાં ગુમાવી હતી. આથી તેનો 209 રને નાટકીય ધબડકો થયો હતો. 210 રનના સામાન્ય વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ફરી એકવાર શરૂઆત નબળી રહી હતી અને ટીમના બન્ને મુખ્ય બેટધર ડેવિડ વોર્નર (11)  અને સ્ટીવન સ્મિથ(0) સસ્તામાં આઉટ થયા હતા. આ બન્નેની વિકેટ મદુશંકાએ લીધી હતી. 24 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર મિચેલ માર્શે આક્રમક બેટિંગ કરી હતી અને લાબુશેનના સાથમાં ત્રીજી વિકેટમાં 60 દડામાં પ0 રનની ઉપયોગી ભાગીદારી કરી હતી. જો કે માર્શ અર્ધસદી બાદ રન આઉટ થયો હતો. તેણે પ1 દડામાં 9 ચોગ્ગાથી પ2 રન બનાવ્યા હતા. આ પછી લાબુશેન અને ઇંગ્લીશ વચ્ચે ચોથી વિકેટમાં 86 દડામાં 77 રનની ભાગીદારીથી ઓસિ.ની જીત સરળ બની હતી. લાબુશેને 60 દડામાં 2 ચોગ્ગાથી 40 અને ઇંગ્લીશે પ9 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી પ6 રન કર્યાં હતા. અંતમાં મેકસવેલ 21 દડામાં 31 રને અને સ્ટોઇનિસ 10 દડામાં 20 રને અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી મદુશંકાને 3 વિકેટ મળી હતી. ટોસ જીતીને દાવ લેનાર શ્રીલંકાની શરૂઆત શાનદાર રહી હતી બન્ને ઓપનર પથુમ નિસંકા (61) અને કુસલ પરેરા (78)ની અર્ધસદીથી વિના વિકેટે 12પ રન કરી લીધા હતા. આ પછી શ્રીલંકાની ટીમનો નાટકીય ધબડકો થયો હતો અને આખી ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ 10 વિકેટ 84 રનના અંતરમાં અને 9 વિકેટ માત્ર બાવન રનમાં ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના પેસ એન્ડ સ્પિન આક્રમણ સામે લંકાના મીડલઓર્ડર અને લોઅર મીડલ ઓર્ડરના તમામ બેટર્સ ઘૂંટણિયે પડી ગયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 વિકેટ 47માં લીધી હતી જ્યારે મિચેલ સ્ટાર્ક અને કપ્તાન પેટ કમિન્સને 2-2 વિકેટ મળી હતી.  શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિસંકાએ 67 દડામાં 8 ચોગ્ગાથી 61 અને કુસલ પરેરાએ 82 દડામાં 12 ચોગ્ગાથી 78 રનની ઇનિંગ રમી હતી. આ ભાગીદારી તૂટયા બાદ શ્રીલંકાની છૂકછૂક ગાડી શરૂ થઇ હતી. ઇન્ચાર્જ કેપ્ટન કુસલ મેન્ડિસ 9, સદીરા સમરવિક્રમા 8, ધનંજય ડિસિલ્વા 7, દુનિથ વલ્લાલગે 2, ચમિકા કરુણારત્ને 2, મહીશ તિક્ષ્ણા 0, લાહિરૂ કુમારા 4 અને દિલશાન મદુશંકા 0 રન સાથે આઉટ થયા હતા. પાંચમા ક્રમનો બેટધર ચરિથ અસાલંકા અંતિમ વિકેટનાં રૂપમાં મેકસવેલનો શિકાર બન્યો હતો. તેણે 39 દડામાં 1 છગ્ગાથી 2પ રનની ઇનિંગ રમી હતી. આથી શ્રીલંકાની ટીમના 43.3 ઓવરમાં 209 રન થયા હતા. આ વખતે પણ ટીમ શ્રેષ્ઠ દેખાવ કરા સક્ષમ છે.

Share This Article