Ben Stokes IPL Auction: નિયમો પ્રમાણે એન્ટ્રી મળવી મુશ્કેલ હતી, તો પછી IPL 2027ના ઓક્શનમાં કેવી રીતે આવ્યું બેન સ્ટોક્સનું નામ?

Arati Parmar
2 Min Read
Ben Stokes IPL Auction

Ben Stokes IPL Auction: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સે IPL 2027ના મિની ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું છે. તેમણે પોતાની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા રાખી છે. જોકે, તેમનું ઓક્શનમાં સામેલ થવું આશ્ચર્યજનક છે. BCCIના નિયમો અનુસાર સ્ટોક્સ IPL ઓક્શન માટે પોતાનું નામ નોંધાવી જ શકતા નહોતા. 35 વર્ષના બેન સ્ટોક્સે આ વર્ષે નિવૃત્તિની જાહેરાત કરી હતી. જૂનમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન તેમણે નિવૃત્તિનો નિર્ણય જાહેર કર્યો હતો. 16 ડિસેમ્બરે ગોવામાં IPLનું ઓક્શન યોજાવાનું છે.

BCCIના નિયમો શું કહે છે?

BCCIએ 2024માં IPL ઓક્શનના નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ નિયમ અનુસાર કોઈ વિદેશી ખેલાડીએ મેગા ઓક્શનમાં પોતાનું નામ નોંધાવવું જરૂરી છે. જો તે મેગા ઓક્શનમાં પોતાનું નામ આપતો નથી, તો તે જ ચક્રમાં યોજાનારા મિની ઓક્શનમાં ભાગ લઈ શકતો નથી. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું, કારણ કે ઘણા વિદેશી ખેલાડીઓ માત્ર મિની ઓક્શનમાં જ પોતાનાં નામ આપતા હતા. તેમાં મોટી કિંમત મળવાની શક્યતા વધુ રહેતી હોય છે. 2025માં યોજાયેલા મેગા ઓક્શનમાં બેન સ્ટોક્સે પોતાનું નામ આપ્યું નહોતું. આ જ કારણ છે કે IPL 2027ની ઓક્શન યાદીમાં બેન સ્ટોક્સનું નામ હોવું આશ્ચર્યજનક છે.

- Advertisement -

શું બેન સ્ટોક્સને છૂટ આપવામાં આવી છે?

એવું માનવામાં આવી રહ્યું છે કે BCCI તરફથી બેન સ્ટોક્સને છૂટ આપવામાં આવી છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, ‘BCCIના નિયમો મુજબ, જે ખેલાડીઓ મેગા ઓક્શનમાં સામેલ થતા નથી, તેમને પછી યોજાનારા મિની ઓક્શન માટે નામ નોંધાવવાની મંજૂરી હોતી નથી. પરંતુ એવું લાગે છે કે સ્ટોક્સને અધિકારીઓ તરફથી ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી મળી ગઈ છે.’

IPLમાં બેન સ્ટોક્સનો રેકોર્ડ

35 વર્ષના બેન સ્ટોક્સે 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી IPLમાં પદાર્પણ કર્યું હતું. તેઓ રાજસ્થાન અને CSK માટે પણ રમી ચૂક્યા છે. છેલ્લી વખત સ્ટોક્સે 2023માં IPLમાં ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં 45 મેચમાં તેઓ બે સદીની મદદથી 935 રન બનાવી ચૂક્યા છે. આ ઉપરાંત બોલિંગમાં તેમણે 28 બેટ્સમેનોને આઉટ કર્યા છે.

- Advertisement -
Share This Article