British Chess Championship: ભારતીય મૂળના બોધના સિવાનંદન અને શ્રેયસ રોયલ બન્યા બ્રિટિશ ચેસ ચેમ્પિયન

Arati Parmar
3 Min Read

British Chess Championship: 11 વર્ષની બોધના અને 17 વર્ષના શ્રેયસે બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ જીતી રચ્યો ઇતિહાસ

British Chess Championship: ભારતીય મૂળની 11 વર્ષની ચેસ પ્રતિભા બોધના સિવાનંદન અને 17 વર્ષના શ્રેયસ રોયલે સપ્તાહાંત દરમિયાન 2026 બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો. કોવેન્ટ્રીમાં રવિવારે પૂર્ણ થયેલી સ્પર્ધામાં બોધના બ્રિટનની અત્યાર સુધીની સૌથી ઓછી ઉંમરની મહિલા ચેસ ચેમ્પિયન બની. મુકાબલા દરમિયાન દર્શકો તેમને પ્રેમથી ગોધના કહીને ઉત્સાહિત કરી રહ્યા હતા. તેમણે આયર્લેન્ડની 14 વર્ષની ઉભરતી ખેલાડી ત્રિશા કન્યમારાલાને રોમાંચક રેપિડ ચેસ પ્લેઑફમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો.

બોધનાએ કર્યો કમાલ

ઇંગ્લિશ ચેસ ફેડરેશન માટે કોમેન્ટ્રી કરી રહેલા ગ્રાન્ડમાસ્ટર ડેની ગોર્માલીએ કહ્યું, ‘અવિશ્વસનીય! બોધના જીતી ગઈ છે. તે કમાલની ખેલાડી છે, એવી પ્રતિભા જેને એક પેઢીમાં માત્ર એક જ વાર જોવા મળે છે.’ બોધનાએ કોવિડ-19 મહામારી દરમિયાન લાગેલા લોકડાઉનમાં પ્રથમ વખત ચેસ રમવાનું શરૂ કર્યું હતું, જ્યારે તેમના પિતાના એક મિત્ર ભારત પરત ફરી રહ્યા હતા અને જતા સમયે કેટલાક બેગ મૂકી ગયા હતા, જેમાં એક ચેસ બોર્ડ પણ હતું.

- Advertisement -

તે સમયે બોધનાએ કહ્યું હતું, ‘મને ચેસના મહોરા ખૂબ આકર્ષક લાગ્યા, તેથી મેં રમત શરૂ કરી દીધી.’ ત્યારથી ઉત્તર-પશ્ચિમ લંડનની આ વિદ્યાર્થિનીએ સતત અનેક રેકોર્ડ તોડ્યા છે અને સૌથી ઓછી ઉંમરની સફળ ખેલાડીઓમાં પોતાની ઓળખ બનાવી છે.

ચેસના ઝડપી ફોર્મેટમાં તે પહેલેથી જ ‘યુકે ઓપન મહિલા બ્લિટ્ઝ’ ચેમ્પિયન અને સંયુક્ત બ્રિટિશ મહિલા રેપિડ ચેમ્પિયન બની ચૂકી છે. હવે ક્લાસિકલ ફોર્મેટની આ જીત સાથે 11 વર્ષની બોધનાએ શાનદાર હેટ્રિક પૂર્ણ કરી છે. આ ચેમ્પિયનશિપમાં તેમની એકમાત્ર હાર છઠ્ઠા રાઉન્ડમાં શ્રેયસ રોયલ સામે થઈ હતી.

- Advertisement -

જ્યારે શ્રેયસ રોયલે નવ રાઉન્ડ બાદ કોષ્ટકમાં ટોચનું સ્થાન મેળવી કુલ અંકના આધારે બ્રિટિશ ખિતાબ પોતાના નામે કર્યો. તેમણે ઇંગ્લેન્ડના અનુભવી ગ્રાન્ડમાસ્ટરોને અડધા અંકથી પાછળ રાખ્યા. પોતાના પ્રથમ બ્રિટિશ ખિતાબ સાથે તેમણે વિશ્વસ્તરીય ઉભરતી ચેસ પ્રતિભા તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે.

ઇંગ્લેન્ડના સૌથી ઓછી ઉંમરના ગ્રાન્ડમાસ્ટર બન્યા બાદ શ્રેયસે કહ્યું હતું, ‘પરિસ્થિતિ કેટલીય મુશ્કેલ કેમ ન હોય, સતત પ્રયત્ન કરતા રહો.’ દક્ષિણ-પૂર્વ લંડનના આ કિશોર ખેલાડીએ આગળ જઈને બ્રિટનના અગ્રણી યુવા ચેસ ખેલાડીઓમાં પોતાનું સ્થાન બનાવ્યું.

- Advertisement -

122 વર્ષમાં સૌથી મોટું આયોજન

બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપના 122 વર્ષના ઇતિહાસમાં 2026માં યોજાયેલી આ સ્પર્ધાને સૌથી મોટું આયોજન ગણાવવામાં આવ્યું, કારણ કે તેમાં 1,750થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઓપન ચેમ્પિયનશિપ માટે રેકોર્ડ 34000 પાઉન્ડની ઇનામી રકમ જાહેર કરવામાં આવી હતી.

Share This Article