Commonwealth Kabaddi Championship 2026 માં ભારતનો બેવડો ખિતાબ, પુરુષ અને મહિલા બંને ટીમ ચેમ્પિયન

Arati Parmar
2 Min Read

Commonwealth Kabaddi Championship 2026: કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં ભારતીય પુરુષ ટીમે શ્રીલંકાને 54-20થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. આ પહેલાં ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં યૂગાન્ડાને 35-15થી હરાવી હતી. આ રીતે ભારતે આ ટૂર્નામેન્ટમાં બેવડી ખિતાબી જીત મેળવી હતી. આદિત્ય શિંદેએ ભારત માટે સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા હતા. તેમણે 14 રેડમાં 10 રેડ પોઈન્ટ મેળવ્યા હતા, જેમાં ચાર બોનસ પોઈન્ટનો પણ સમાવેશ થાય છે. ભરત હુડ્ડાએ આઠ રેડ પોઈન્ટ ઉમેર્યા હતા, જે બીજા હાફમાં મેળવ્યા હતા. તેમણે સાત રેડ કરી હતી અને એક પણ વખત ટૅકલ થયા નહોતા.

ભારતે શ્રીલંકાને કોઈ તક જ આપી નહીં

પંકજ મોહિતેએ છ પોઈન્ટનું યોગદાન આપ્યું હતું, જ્યારે ઉપકપ્તાન નવીન કુમારે પાંચ પોઈન્ટ ઉમેર્યા હતા. યોગેશ દહિયાએ ડિફેન્સની જવાબદારી સંભાળી હતી અને ‘હાઈ ફાઈવ’ મેળવ્યો હતો. તેમણે પ્રથમ હાફમાં જ પાંચ સફળ ટૅકલ કર્યા હતા. શ્રીલંકાના રેડરો આખી મેચ દરમિયાન સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ હાફમાં 10 મિનિટની રમત બાકી હતી ત્યારે ભારત 15-8થી આગળ હતું અને ત્યાં સુધીમાં શ્રીલંકાને એક વખત ‘ઓલઆઉટ’ પણ કરી ચૂક્યું હતું. ત્યારબાદ ભારતે શ્રીલંકા સામે 15-2ના અંતરથી પોઈન્ટ મેળવ્યા હતા અને હાફ ટાઈમ સુધીમાં 30-10ની સરસાઈ મેળવી હતી. હાફની છેલ્લી પાંચ મિનિટમાં ભારતે શ્રીલંકાને બીજી વખત ઓલઆઉટ કર્યું હતું.

- Advertisement -

ભારતીય પુરુષ ટીમે તમામ આઠ મુકાબલા જીતીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેમણે ગ્રુપ-Aમાં છ જીત મેળવી હતી, જેમાં ઇંગ્લેન્ડને 46-26, યૂગાન્ડાને 44-30, મલેશિયાને 37-23, નાઇજીરિયાને 50-23, તાન્ઝાનિયાને 48-20 અને શ્રીલંકાને 45-24થી હરાવ્યું હતું. ત્યારબાદ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 56-27થી અને ફાઇનલમાં શ્રીલંકાને 54-20થી કારમી હાર આપી હતી.

સાક્ષીએ સૌથી વધુ રેડ પોઈન્ટ મેળવ્યા

બીજી તરફ, મહિલા મુકાબલામાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે યૂગાન્ડા સામે 35-15થી જીત મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમ પણ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ફાઇનલ મુકાબલામાં સાક્ષી ભારતની સૌથી સફળ રેડર રહી હતી. તેમણે 10 રેડમાં કુલ નવ પોઈન્ટ મેળવ્યા હતા, જેમાં બે બોનસ પોઈન્ટનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article