Cristiano Ronaldo Tribute: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શા માટે પહેરી ૨૧ નંબરની જર્સી? ક્રોએશિયાને હરાવ્યા બાદ પોર્ટુગલની ટીમ થઈ ગઈ ભાવુક

Arati Parmar
3 Min Read

Cristiano Ronaldo Tribute: ટોરોન્ટોમાં ક્રોએશિયા સામે મળેલી ૨-૧ની રોમાંચક અને ઐતિહાસિક જીત બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને સમગ્ર પોર્ટુગલની ટીમ ખૂબ જ ભાવુક જોવા મળી હતી. મેચ પૂરી થયાના તરત બાદ રોનાલ્ડોએ તેના સાથી ખેલાડી ડિઓગો જોટાની નંબર ૨૧ની પોર્ટુગલ જર્સી પહેરી હતી અને આંખોમાં આંસુ સાથે આકાશ તરફ ઈશારો કર્યો હતો. આખી ટીમ મેદાનની વચ્ચે જોટાને યાદ કરતા ભાવુક થઈ ગઈ હતી. વાસ્તવમાં, શુક્રવારે ડિઓગો જોટા અને તેમના ભાઈ આન્દ્રે સિલ્વાના પશ્ચિમી સ્પેનમાં એક કાર અકસ્માતમાં થયેલા મૃત્યુને પૂરો એક વર્ષ થશે. જોટાએ પોર્ટુગલ માટે ૪૯ મેચ રમ્યા હતા અને ૧૪ ગોલ કર્યા હતા.

રોનાલ્ડોએ શું કહ્યું

- Advertisement -

મેચ પછી ફોક્સ સાથેની વાતચીતમાં રોનાલ્ડોએ કહ્યું, ‘અમે મેચ પહેલા જ જાણતા હતા કે આ ક્ષણ અમારા માટે કેટલી ખાસ હોવાની છે. આજે અમારી ટીમ જીવનના આ અતુલ્ય સંયોગ વિશે વાત કરી રહી હતી. આજની સ્થિતિ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે, માત્ર એટલા માટે જ નહીં કે અમે મેચ જીત્યા, પણ જે રીતે અમે જીત્યા તે અદભૂત હતું. અમે જાણીએ છીએ કે જોટા અમારી સાથે હાજર છે અને તેમને શ્રેષ્ઠ રીતે સન્માન આપવા માટે આજે જીતવું જ એકમાત્ર સાચો વિકલ્પ હતો.’

૪૧ વર્ષની ઉંમરે ગોલ કરીને રોનાલ્ડોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

- Advertisement -

મેચમાં ક્રોએશિયાના ઈવાન પેરિસિચના ગોલ બાદ, પોર્ટુગલ ૧-૦થી પાછળ હતું. પરંતુ ૬૮મી મિનિટે પોર્ટુગલને પેનલ્ટી મળી, જેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કોઈપણ ભૂલ વગર ગોલમાં ફેરવી દીધી. આ ગોલ સાથે જ રોનાલ્ડોએ ઈતિહાસ રચી દીધો છે, રોનાલ્ડોની કારકિર્દીનો ફિફા વર્લ્ડ કપ નોકઆઉટ સ્ટેજમાં આ પહેલો ગોલ છે. ૪૧ વર્ષ અને ૧૪૭ દિવસની ઉંમરે ગોલ કરીને રોનાલ્ડો મેન્સ વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સ્કોર કરનાર ઈતિહાસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. ત્યારબાદ, મેચના ઈન્જરી ટાઈમમાં ગોન્સાલો રામોસે પોર્ટુગલ માટે વિનિંગ ગોલ માર્યો હતો. રામોસે મેચ પછી કહ્યું, ‘અમે દરરોજ જોટા વિશે વાત કરીએ છીએ. તેઓ અમને તાકાત આપે છે અને આજે જીતીને ટુર્નામેન્ટના આ મહત્વપૂર્ણ તબક્કે પહોંચવું ખૂબ જ ખાસ છે.’

વિવાદો વચ્ચે પોર્ટુગલને મળી જીત, હવે સ્પેન સાથે મહામુકાબલો

- Advertisement -

મેચનો અંત ભારે વિવાદ અને ડ્રામા સાથે થયો હતો. અંતિમ સેકન્ડોમાં ક્રોએશિયાના મારિયો પાસાલિચે ગોલ કરીને સ્કોર ૨-૨ કર્યો હતો, પરંતુ VAR રિવ્યુ પછી પાસાલિચને ઓફસાઈડ જાહેર કરવામાં આવ્યો હતો, જેનાથી ક્રોએશિયાનો ગોલ રદ થયો હતો અને પોર્ટુગલને ૨-૧થી જીત મળી હતી. પોર્ટુગલના ફોરવર્ડ રાફેલ લિયાઓએ પણ પોતાની જીત જોટાને અર્પણ કરતા કહ્યું, ‘લાગણીઓની વાત કરીએ તો અમને શરૂઆતથી જ પોતાની જાત પર વિશ્વાસ હતો. પરંતુ અમારી પાસે એક વધારાનું, સૌથી મહત્વનું ફેક્ટર હતું, ડિઓગો જોટા, જે હંમેશા અમારી સાથે છે અને તેમણે જ આજે અમને મદદ કરી.’ રાઉન્ડ ઓફ ૩૨ની આ પરીક્ષા પાસ કર્યા પછી, હવે પોર્ટુગલનો સામનો સોમવારે આર્લિંગ્ટન, ટેક્સાસમાં યોજાનારા હાઈ-વોલ્ટેજ રાઉન્ડ ઓફ ૧૬ના મુકાબલામાં સ્પેન સામે થશે.

Share This Article