દ. આફ્રિકાની ઇંગ્લેન્ડ સામે મોટી જીત
દ. આફ્રિકાની ઇંગ્લેન્ડ સામે મોટી જીત
નવી દિલ્હી, તા. 21 : વિશ્વકપ 2023નો રોચક મુકાબલો દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયો હતો, જેમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા આફ્રિકી ટીમે સાત વિકેટ ગુમાવીને 399 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. આ જંગમાં દક્ષિણ આફ્રિકાએ વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડને 229 રનના અંતરે ખરાબ રીતે હરાવ્યું હતું અને વિશ્વકપ 2023માં રનના હિસાબે સૌથી મોટી જીત મેળવી હતી. વન-ડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડની આ ઈતિહાસની સૌથી મોટી હાર છે. આફ્રિકાએ ક્લાસેનની સદી અને જાનસેન, ડસન અને હેનડ્રીક્સની તોફાની અર્ધસદીની મદદથી 399 રન ખડકયા બાદ દક્ષિણ આફ્રિકાની બોલિંગે ઇંગ્લેન્ડની કમર તોડી નાખી હતી અને ઇંગ્લિશ ટીમનો ધબડકો થયો હતો. ઇંગ્લેન્ડે 100 રનમાં જ આઠ વિકેટ ગુમાવી દીધી હતી અને 170 રનમાં ટીમ ઓલઆઉટ થઈ હતી. આ હાર સાથે ઇંગ્લેન્ડની ટીમ પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી છે. 400 રનના પડકાર સામે મેદાનમાં ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમનો રકાસ થયો હતો. 67 રનના કુલ સ્કોરે અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. જેમાં બેયરસ્ટો 10 રને, ડેવિડ મલાન 6 રને, જો રૂટ 2 રને, બેન સ્ટોક્સ 5 રને અને બટલર 15 રન કરીને આઉટ થયા હતા. તે પછી પણ વિકેટોનું પતન યથાવત્ રહ્યું હતું અને 100 રનમાં આઠ ખેલાડી આઉટ થઈ ચૂક્યા હતા. ગસ એટિકસન અને માર્ક વૂડે મહેનત કરી હતી. બન્ને વચ્ચે લાંબી ભાગીદારી થઈ હતી. માર્ક વૂડે 17 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 43 રન કર્યા હતા, જ્યારે એટિકસને 21 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 35 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોટઝેએ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે લુંગી એનગીડી અને જાનસેનને બે બે વિકેટ મળી હતી. આ અગાઉ ટોસ હારીને દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલાં બેટિંગ કરવા ઊતરી હતી, જેમાં નેધરલેન્ડ સામે મોટા ઊલટફેરમાં હાર મળ્યા બાદ ઇંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકાએ ધુંઆધાર બેટિંગ કરી હતી. ક્લાસેનના 67 બોલમાં 109 અને મેક્રો જાનસેનના 42 બોલમાં 75 રનની મદદથી દ. આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટનાં નુકસાને 399 રન ખડકી દીધા હતા. આફ્રિકાએ પહેલી વિકેટ પહેલી ઓવરના બીજા જ બોલે ગુમાવી દીધી હતી. ડીકોક ચાર રન કરીને આઉટ થયો હતો. જો કે, બાદમાં રીઝા હેનરીક અને વાન ડેર ડસન વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. હેનડ્રીકે 75 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 85 રન કર્યા હતા, જ્યારે ડસને 61 બોલમાં 60 રન કર્યા હતા. આ ઉપરાંત માર્કરમે 44 બોલમાં 42 રન કર્યા હતા. તે પછી ક્લાસેન અને જાનસેન વચ્ચે 150 રનની ભાગીદારી થઈ હતી. ક્લાસેને 67 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 109 રન કર્યા હતા, જ્યારે જાનસેન 42 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 75 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ટોપલીએ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે એટિનસન અને રાશિદને બે બે વિકેટ મળી હતી.
