Ajinkya Rahane on BCCI: ભારતીય ક્રિકેટમાં સિલેક્શન સિસ્ટમ અંગે મોટી ચર્ચા જગાવતા, ટીમ ઈન્ડિયાના અનુભવી બેટર અજિંક્ય રહાણેનું માનવું છે કે ખાસ કરીને ડોમેસ્ટિક સ્તરે સિલેક્ટર્સની નિમણૂકમાં મૂળભૂત સુધારા કરવા જરૂરી છે.
આધુનિક ક્રિકેટ માટે તાજેતરના નિવૃત્ત ખેલાડીઓ જ યોગ્ય સિલેક્ટર: રહાણે
અજિંક્ય રહાણેના મતે, ટીમ પસંદ કરવાની જવાબદારી તાજેતરમાં નિવૃત્ત થયેલા ફર્સ્ટ-ક્લાસ ખેલાડીઓને જ મળવી જોઈએ, કારણ કે તેઓ આધુનિક ક્રિકેટની જરૂરિયાતો અને ખેલાડીઓની ક્ષમતાને વધુ સારી રીતે સમજે છે. નોંધનીય છે કે રહાણેએ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી નથી, પરંતુ તેમણે આ વર્ષની શરૂઆતમાં મુંબઈ ટીમના સુકાની પદેથી રાજીનામું આપ્યું હતું.
વર્તમાન સિલેક્ટર્સનો ડર અને રહાણેનો BCCI પર સીધો પ્રહાર
રહાણેના આ નિવેદન દ્વારા એવું પણ સૂચન મળે છે કે વર્તમાન સિલેક્ટર્સના ડરને કારણે ઘણા ખેલાડીઓ ખુલીને પ્રદર્શન કરી શકતા નથી, તેથી સિસ્ટમમાં ફેરફાર અત્યંત આવશ્યક છે. પોતે લાંબા સમયથી ટીમની બહાર હોવાથી, રહાણેનું આ નિવેદન BCCI સિલેક્ટર્સ પર સીધો પ્રહાર માનવામાં આવે છે.
સિલેક્ટર્સનો ડર ન હોવો જોઈએ
તેમના ભૂતપૂર્વ સાથી ખેલાડી ચેતેશ્વર પૂજારા સાથેની YouTube ચેનલ પરની વાતચીતમાં, રહાણેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ખેલાડીઓએ સિલેક્ટર્સથી ડરવું ન જોઈએ, ખાસ કરીને ઘરેલુ ક્રિકેટના સિલેક્ટર્સની વાત કરું તો. આપણી પાસે એવા સિલેક્ટર્સ હોવા જોઈએ જેઓ તાજેતરમાં, એટલે કે પાંચ-છ કે સાત-આઠ વર્ષ પહેલાં જ, ટોપ-લેવલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હોય.’
આધુનિક ક્રિકેટ સાથે તાલ મિલાવવા માટે સિલેક્ટર્સની વિચારસરણીમાં પરિવર્તન જરૂરી
રહાણેએ વધુમાં સમજાવ્યું કે, ‘ક્રિકેટના સતત થતા વિકાસને ધ્યાનમાં રાખીને, એ ખૂબ જ જરૂરી છે કે સિલેક્ટર્સની માનસિકતા અને વિચારસરણી પણ આ બદલાવને અનુરૂપ હોય અને તેની સાથે કદમ મિલાવે. રમત સતત પરિવર્તન પામી રહી છે. આપણે એવા નિર્ણયો લેવા ટાળવા જોઈએ જે 20-30 વર્ષ પહેલાની ક્રિકેટની પદ્ધતિ પર આધારિત હોય. T20 અને IPL જેવા ફોર્મેટ્સ આવ્યા પછી, આધુનિક ક્રિકેટ ખેલાડીઓની રમતની શૈલી સમજવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
રહાણેની માંગ: સિલેક્ટરની યોગ્યતાના નિયમોમાં તાત્કાલિક ફેરફાર
વર્તમાન નિયમ મુજબ, કોઈપણ ખેલાડી જે 10 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યો હોય અને નિવૃત્તિને ઓછામાં ઓછા 5 વર્ષ થયા હોય, તે ડોમેસ્ટિક સ્તરના સિલેક્ટર પદ માટે અરજી કરી શકે છે. પરંતુ રહાણેનું માનવું છે કે, આ મોડેલ જૂનું અને બિન-પ્રાસંગિક બની ગયું છે. તેણે ભારપૂર્વક કહ્યું કે, ‘ટીમ પસંદગીની જવાબદારી માત્ર તાજેતરમાં નિવૃત્ત થયેલા ફર્સ્ટ-ક્લાસ ખેલાડીઓને જ આપવી જોઈએ.’
પૂજારાનો સંતુલિત દૃષ્ટિકોણ: સિલેક્ટર માટે અનુભવનું મહત્ત્વ
ઓગસ્ટમાં 103 ટેસ્ટ મેચની કારકિર્દી બાદ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ચેતેશ્વર પૂજારાએ રહાણેના વિચારો સાથે આંશિક સહમતી વ્યક્ત કરી. પૂજારાએ કહ્યું કે, ‘જ્યાં વિકલ્પો વધુ હોય તેવા મોટા રાજ્યોમાં આ (નવા નિવૃત્ત ખેલાડીઓને સિલેક્ટર બનાવવાનું) લાગુ કરી શકાય છે. જોકે, તેનો અર્થ એવો નથી કે સારો રેકોર્ડ ધરાવતા અને સિલેક્ટર બનવા ઈચ્છતા કોઈપણ ભૂતપૂર્વ ક્રિકેટરને માત્ર એટલા માટે તક ન મળે કે તે ઘણા લાંબા સમય પહેલા નિવૃત્ત થયો છે.’