Ravi Shastri: ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ને વિનંતી કરી છે કે તેઓ વધુ ભારતીય ખેલાડીઓને વિદેશી T20 લીગમાં રમવાની મંજૂરી આપે. તેમનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ ભારતીય ખેલાડીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને તેમની રમતમાં પરિપક્વતા આવશે.
શાસ્ત્રીએ કહ્યું કે, જેમ IPL ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે, તેમ વિદેશી લીગમાં રમવાથી ખેલાડીઓને નવી વિચારસરણી, નવી તકનીકો અને એક અલગ માહોલમાં શીખવાની તક મળશે.
BCCI નીતિ પર સવાલ
હાલમાં BCCI તેના એક્ટિવ ભારતીય ખેલાડીઓને કોઈપણ વિદેશી T20 લીગમાં રમવા માટે મંજૂરી આપતું નથી. ખેલાડીઓ માત્ર ત્યારે જ વિદેશી લીગમાં ભાગ લઈ શકે છે, જો તેઓ બધા ફોર્મેટ (ટેસ્ટ, ODI, T20) માંથી નિવૃત્તિ લેતા હોય અને બોર્ડ પાસેથી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવેલ હોય.
શાસ્ત્રીએ આ નીતિ બદલવા પર ભાર મુકતા કહ્યું કે, જ્યારે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી, ત્યારે દરેકને રાષ્ટ્રીય ટીમ અથવા IPLમાં સ્થાન મળતું નથી. આવી સ્થિતિમાં ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની સ્વતંત્રતા આપવી એ ઘણા યુવા ખેલાડીઓના કરિયરને વેગ આપતું પગલું હોઈ શકે છે.
BBL સાથે નવી શરૂઆત કરી અશ્વિને ઇતિહાસ રચ્યો
હાલમાં જ ભારતના અનુભવી ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇતિહાસ રચ્યો છે. તે બિગ બેશ લીગ (BBL) માં સામેલ થનાર પ્રથમ ટોચના ભારતીય ક્રિકેટર બન્યો છે. તેણે આગામી સીઝન માટે સિડની થંડર ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે.
શાસ્ત્રીએ આ પગલાની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘આવા ઉદાહરણો અન્ય ખેલાડીઓને પ્રેરણા આપશે. જો કોઈ ખેલાડી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકતો નથી અથવા તેની પાસે BCCI દ્વારા A કે B કરાર નથી, તો તેને બિગ બેશ અથવા અન્ય લીગમાં રમવાથી કેમ રોકવામાં આવે?’