Shubman Gill captaincy: શુભમન ગિલની કેપ્ટનશિપ: ફૉલો-ઑન અને યુવા ખેલાડીઓને તક આપવાની વિચારશીલ નેતૃત્વની છાપ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Shubman Gill captaincy: IPL 2025 પછી ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચમાં કેપ્ટનની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી હતી. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલના નેતૃત્ત્વમાં ભારતે વેસ્ટ-ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ 2-0 થી ક્લીન સ્વીપ મેળવતા શુભમન ગિલના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

હવે આ ભૂમિકાની આદત પાડી રહ્યો છું: શુભમન ગિલ 

- Advertisement -

ક્રિકેટર શુભમન ગિલે તેની કેપ્ટનશિપ વિશે વાત કરતા કહ્યું કે, ‘હવે હું આ ભૂમિકાની આદત પાડી રહ્યો છું. બધા ખેલાડીઓને સંભાળવા અને ટીમનું નેતૃત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. કેપ્ટન તરીકે સૌથી મહત્ત્વનું એ છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો. દરેક મેચની પરિસ્થિતિ અલગ હોય છે, અને તે પ્રમાણે નિર્ણય લેવો પડે છે. ક્યારેક હિંમતભર્યા નિર્ણયો પણ લેવા જરૂરી બની જાય છે, એ તેની પર આધારિત રખાય છે કે કયા ક્ષણે કયો ખેલાડી તમને રન કે વિકેટ અપાવી શકે છે.’

ફૉલોઑનના નિર્ણય અંગે ગિલનું નિવેદન

વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ફૉલો-ઑન લાગુ કર્યું. આ નિર્ણય વિશે ગિલે કહ્યું કે, ‘અમે લગભગ 270 રનથી આગળ હતા. જો અમે 500 રન બનાવીને તેમને ફરી બેટિંગ આપી હોત, તો પાંચમા દિવસે 6–7 વિકેટ લેવી મુશ્કેલ થઈ શકે. તેથી જ અમે ફૉલો-ઑન આપવાનો નિર્ણય લીધો.’

નીતિશ રેડ્ડીને મળેલા તક અંગે શું કહ્યું 

વેસ્ટ-ઈન્ડિઝ સામેની બંને મેચમાં યુવા ખેલાડી નીતીશ રેડ્ડીને રમવાની તક અપાઈ હતી. અમદાવાદ ટેસ્ટમાં તેને બેટિંગ કરવાની તક નહોતી મળી, પણ ચાર ઓવરની બોલિંગ કરી. ત્યારે દિલ્હી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે બેટિંગ કરવાનો મોકો મળતા 43 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. આ મુદ્દે ગિલે કહ્યું કે, ‘અમે ઈચ્છતા નથી કે ખેલાડીઓને માત્ર વિદેશી ટૂર્સ પર જ રમવાની તક મળે. એથી તેમના પર વધારે પ્રેશર બને છે. અમે એવા ખેલાડીઓ તૈયાર કરી રહ્યા છીએ જે વિદેશમાં જઈને જીત અપાવી શકે કારણ કે એ હંમેશા અમારા માટે પડકાર રહ્યો છે.’

ગિલનું બેટિંગ પર ફોકસ

કેપ્ટન ગિલે સીરિઝમાં 50, નોટઆઉટ 129 અને 13 રનની ઈનિંગ્સ રમી. પોતાના પ્રદર્શન વિશે તેણે કહ્યું, ‘જ્યારે હું બેટિંગ કરવા ઉતરું છું, ત્યારે મારું એક જ તરફ ધ્યાન રહે છે, તે છે ટીમને જીત અપાવવી. હું કેપ્ટન હોઉં કે ન હોઉં, મેદાનમાં મારું ફોકસ હંમેશા એ જ રહે છે કે મારી બેટિંગથી ટીમને જીત મળે.’ આ સીરિઝ પછી શુભમન ગિલ માત્ર વિશ્વસનીય બેટર તરીકે નહીં, પણ સમજદાર અને શાંત સ્વભાવના કેપ્ટન તરીકે પણ ઉભર્યો છે, જેણે ટીમ ઇન્ડિયા માટે ભવિષ્યની દિશા મજબૂત બનાવી છે.

Share This Article