Ibrahim Zadran ICC code of conduct fine: અબુ ધાબીમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડે દરમિયાન ICC આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાનને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઘટના 14 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાનની ઇનિંગની 37મી ઓવરમાં બની હતી. 95 રન બનાવીને આઉટ થયા બાદ ઝાદરાન સદી ચૂકી જતાં રોષે ભરાયો હતો. ગુસ્સામાં તેણે ડ્રેસિંગ રૂમના સાધનો પર બેટ માર્યું હતું. તેનું આ વલણ મોંઘું સાબિત થયુ હતું.
ઝાદરાનને ICC તરફથી કડક સજા
આ સતત બીજી વખત હતું જ્યારે ઝાદરાન માત્ર પાંચ રનથી સદી ચૂકી ગયો હતો. પાછલી ODIમાં પણ 95 રન બનાવીને આઉટ થયો હતો. સદીની નજીક પહોંચવા છતાં નિરાશા હાથ લાગતાં તે સહન કરી શક્યો નહીં. અને આવેશમાં આવી બેટ વડે ડ્રેસિંગ રૂમમાં પડેલા સાધનો પર પ્રહાર કર્યો હતો. આ ભૂલ માટે ICC દ્વારા તેને સજા કરવામાં આવી હતી. આ ઉલ્લંઘન ICC આચારસંહિતાની કલમ 2.2 હેઠળ આવે છે, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ક્રિકેટ સાધનો, કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિક્સરને નુકસાન પહોંચાડવા અથવા દુર્વ્યવહાર કરવા સંબંધિત છે. મેચ રેફરી ગ્રીમ લેબ્રૂયે આ નિયમ હેઠળ ઝદરાન પર દંડ ફટકાર્યો હતો.
ઝાદરાને ભૂલ સ્વીકારી
ઇબ્રાહિમ ઝાદરાને પોતાની ભૂલ સ્વીકારતાં કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી. છેલ્લા 24 મહિનામાં આ તેનો પહેલો ગુનો છે. નિયમો અનુસાર, જો કોઈ ખેલાડીને બે વર્ષમાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મળે, તો તે સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત થાય છે. બે સસ્પેન્શન પોઈન્ટનો અર્થ એક ટેસ્ટ અથવા બે મર્યાદિત ઓવરની મેચોમાંથી પ્રતિબંધ છે.
અફઘાનિસ્તાને 3-0થી સીરિઝ જીતી
અફઘાનિસ્તાને (AFG vs BAN 3જી ODI) ત્રણ મેચની ODI સીરિઝ 3-0થી જીતી હતી. ત્રીજી ODIમાં, અફઘાનિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 293 રન બનાવ્યા હતાં. તેના જવાબમાં, બાંગ્લાદેશ 93 રનમાં ઓલઆઉટ થયું હતું. અફઘાનિસ્તાને અંતિમ ODI 200 રનના મોટા માર્જિનથી જીતી હતી. અગાઉ, તેણે બીજી ODIમાં બાંગ્લાદેશને 81 રનથી હરાવ્યું હતું અને પ્રથમ મેચ પાંચ વિકેટથી જીતી હતી.