Kane Williamson joins LSG as strategic consultant: કેન વિલિયમસન IPL 2026માં ખેલાડી નહીં પરંતુ LSGના વ્યૂહાત્મક સલાહકાર તરીકે જોડાશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Kane Williamson joins LSG as strategic consultant: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની મીની હરાજી પહેલા જ ટીમોએ આગામી સિઝન માટે પોતાની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ એક મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને વિશ્વના શ્રેષ્ઠ બેટરોમાંના એક કેન વિલિયમસન હવે IPL 2026માં ખેલાડી તરીકે નહીં, પરંતુ વ્યૂહાત્મક સલાહકાર (Strategic Consultant) તરીકે LSG સાથે જોડાશે. નોંધનીય છે કે, વિલિયમસનની આ નિમણૂક ઝહીર ખાને ટીમના માર્ગદર્શક પદેથી રાજીનામું આપ્યા બાદ કરવામાં આવી છે.

વિલિયમસનનો અનુભવ LSG માટે નિર્ણાયક

- Advertisement -

35 વર્ષીય કેન વિલિયમસન તેની ઉત્કૃષ્ટ ક્રિકેટ કુશળતા અને શાંત નેતૃત્વ કૌશલ્ય માટે જાણીતો છે. તેણે 105 ટેસ્ટ, 173 ODI અને 93 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્ત્વ કર્યું છે. IPLમાં તે અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઈટન્સ (GT) વતી રમી ચૂક્યો છે.

કેન વિલિયમસન હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો નથી. જો કે, ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં સક્રિય રહેવા માટે તેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) સાથેના કરારનો ઈનકાર કર્યો હતો.

LSGના માલિકે વ્યક્તિગત રસ લીધો

અહેવાલો અનુસાર, કેન વિલિયમસનને ટીમમાં લાવવાનો નિર્ણય RPSG ગ્રુપના ચેરમેન અને LSGના માલિક સંજીવ ગોયનકાએ વ્યક્તિગત રીતે લીધો હતો. સંજીવ ગોયનકાએ લંડનમાં વિલિયમસન સાથે મુલાકાત કરીને આ વ્યૂહાત્મક ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. વિલિયમસનને L&G ટીમમાં સામેલ કરવાની પ્રક્રિયા લગભગ ત્રણ મહિના પહેલા શરૂ થઈ હતી અને ટીમના માલિકો, કોચ, કેપ્ટન અને મેનેજમેન્ટ વચ્ચે ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાયો હતો.

કોચિંગ સ્ટાફમાં અન્ય બદલાવ

LSGના મુખ્ય કોચ તરીકે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જસ્ટિન લેંગર યથાવત રહેશે. આ સાથે જ ઈંગ્લેન્ડના કાર્લ ક્રોને LSGના સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમણે અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે આ ભૂમિકા નિભાવી હતી.

મીની ઓક્શનની વિગતો

IPL 2026 માટેની મીની ઓક્શન આ વર્ષની 13મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે થવાની ધારણા છે. તમામ ટીમોએ 15 નવેમ્બર સુધીમાં જાળવી રાખેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી સબમિટ કરવાની રહેશે. વિલિયમસનનો વ્યૂહાત્મક અનુભવ LSGને હરાજીની રણનીતિ ઘડવામાં અને મેદાન પરના નિર્ણયો લેવામાં મદદરૂપ થઈ શકે છે.

Share This Article