Gautam Gambhir press conference: ગૌતમ ગંભીરે રોહિત-કોહલીના ભવિષ્ય અને યુવા ખેલાડીઓના ટ્રોલિંગ પર વ્યક્ત કર્યા ભાવનાત્મક મંતવ્યો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Gautam Gambhir press conference: વેસ્ટ ઇન્ડિઝ સામે 2-0થી ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વરિષ્ઠ ખેલાડીઓનું ભવિષ્ય, યુવા કૅપ્ટનશિપ અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ સહિત ઘણાં મહત્ત્વના મુદ્દાઓ પર પોતાના મંતવ્યો સ્પષ્ટ કર્યા હતા.

રોહિત-કોહલીનું ભવિષ્ય

- Advertisement -

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીના 2027 ODI વર્લ્ડ કપમાં રમવા અંગેના સવાલો પર ધ્યાન દોરતા કહ્યું કે, ’50 ઓવરનો વર્લ્ડ કપ હજુ લગભગ અઢી વર્ષ દૂર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને શાનદાર ખેલાડીઓ છે. મને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે, પરંતુ હાલ માટે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વપૂર્ણ છે.’

જો કે, તેમણે ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવા અંગે ભાવનાત્મક અભિગમ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘કોઈ ખેલાડીને ટીમમાંથી બહાર રાખવો એ મારા માટે ખૂબ જ ભાવનાત્મક નિર્ણય છે. નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓને પણ તક મળવી જોઈએ.’

શુભમન ગિલની કૅપ્ટનશીપ અંગે શું કહ્યું?

કૅપ્ટન તરીકે પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહેલા શુભમન ગિલને ગંભીરે સંપૂર્ણ સમર્થન આપ્યું. તેમણે કહ્યું, ‘તે કૅપ્ટન તરીકેના દરેક ધોરણને પૂર્ણ કરે છે. કોઈએ તેને કૅપ્ટન બનાવીને તેના પર ઉપકાર નથી કર્યો, તે સંપૂર્ણ હકદાર છે. તેણે તેના કાર્યો અને શબ્દો દ્વારા બધાનું સન્માન મેળવ્યું છે.’

યુવા ખેલાડીઓને ટ્રોલિંગથી બચાવો

ગૌતમ ગંભીરે યુવા ખેલાડીઓ અને ખાસ કરીને હર્ષિત રાણાને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવાની ઘટનાઓ પર ઊંડો રંજ વ્યક્ત કર્યો. તેમણે ટ્રોલર્સ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘આ શરમજનક છે કે લોકો 23 વર્ષીય ખેલાડી(હર્ષિત રાણા)ને ફક્ત તેની યુટ્યુબ ચેનલ ચલાવવા માટે નિશાન બનાવી રહ્યા છે. તે 33 વર્ષનો ખેલાડી નથી જે ટ્રોલ્સનો સામનો કરી શકે.’

ભાવુક થઈને ગૌતમ ગંભીરે કહ્યું, ‘મને નિશાન બનાવો, હું ઠીક છું, પરંતુ આ બાળકોને છોડી દો. આ ફક્ત તેના વિશે નથી, તે દરેક યુવા ખેલાડી વિશે છે. પ્રદર્શન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેમને આ રીતે નિશાન બનાવી શકાય નહીં. આને રોકવાની આપણી નૈતિક જવાબદારી છે.’

કોચની ભૂમિકા અંગે સ્પષ્ટતા

પોતાના કોચિંગના કાર્યકાળ વિશે ગંભીરે સ્પષ્ટતા કરી કે, ‘જો ટીમ સારું પ્રદર્શન કરશે તો જ મને સારો કોચ ગણવામાં આવશે. કોચની ક્ષમતા તેની ટીમના પરિણામો દ્વારા નક્કી થાય છે.’

Share This Article