Australia ODI Squad Change: ભારત સામેની વન-ડે સીરિઝ પહેલા ઑસ્ટ્રેલિયાનો મોટો ફેરફાર, કેમેરોન ગ્રીન બહાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Australia ODI Squad Change: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાવા જઈ રહી છે. આ સીરિઝ પહેલા ઑસ્ટ્રેલિયન ટીમે પોતાની ટીમમાં એક મોટો ફેરબદલ કર્યો છે. આ ફેરફાર ઑસ્ટ્રેલિયન ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઑસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન ભારત સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેને સાઈડમાં નાની ઈજા પહોંચી છે. હવે તેના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ નિર્ણય સાવચેતીના ભગરૂપે લીધો છે, કારણ કે ગ્રીન ઑસ્ટ્રેલિયાની એશિઝ યોજનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગ્રીનને આરામ આપવો જરૂરી

- Advertisement -

કેમેરોન ગ્રીન 19, 23 અને 25 ઓક્ટોબરના રોજ યોજાનારી વન-ડે મેચોમાં નહીં રમશે. જોકે, આશા છે કે,  તે 28 ઓક્ટોબરથી શરૂ થનારી પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની આગામી શેફિલ્ડ શીલ્ડ મેચમાં રમશે. ગત વર્ષે પીઠની સર્જરી બાદ બોલર તરીકે આ તેની પહેલી મેચ હતી, જ્યાં તેણે ચાર ઓવરમાં એક વિકેટ લીધી હતી. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે આ ઈજા ગત ઓક્ટોબરમાં થયેલી સર્જરી સાથે સંબંધિત નથી.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં કહ્યું કે, ગ્રીન થોડા સમય માટે રિહેબિલિટેશન કરશે અને એશિઝની તૈયારી ચાલુ રાખવા માટે શેફિલ્ડ શીલ્ડના ત્રીજા રાઉન્ડમાં વાપસીની રાહ પર છે. લાબુશેન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે પોતાના ઘરેલુ ક્લબ ક્વીન્સલેન્ડ માટે ચાર સદી ફટકારી છે, જેમાંથી બે 50-ઓવરના ફોર્મેટમાં આવી હતી. ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ વન-ડે સીરિઝમાં માત્ર બે રન બનાવવાના કારણે તેને પહેલા ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો.

આ ફેરબદલ સાથે ઑસ્ટ્રેલિયાને ભારત સામેની સીરિઝની પહેલી મેચ માટે ત્રણ ફેરફાર કરવા પડ્યા છે. જોશ ફિલિપને જોશ ઈંગ્લિસના સ્થાને લેવામાં આવ્યો છે, જે હજુ પણ પગની પિંડીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. એડમ ઝામ્પા ફેમિલી કારણોસર પર્થમાં યોજાનારી પ્રથમ મેચમાંથી બહાર રહેશે. ઝામ્પા, કેરી અને ઈંગ્લિસ બીજી મેચથી ટીમમાં સામેલ થઈ જશે.

ઑસ્ટ્રેલિયાની ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, મિશેલ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક.

બીજી વન-ડેથી ટીમમાં સામેલ થનારા ખેલાડી: એડમ ઝામ્પા, એલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ

Share This Article