Dhoni IPL retirement: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના આઈકોન 44 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મુકાઈ ગયો છે. તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં, તેમની ફ્રેન્ચાઈઝી CSKના CEOએ પુષ્ટિ કરી છે કે ધોની IPLમાંથી નિવૃત્તિ લેવાનો નથી.
CSK CEO કાશી વિશ્વનાથને શું કહ્યું?
IPLની દરેક સીઝન પહેલાં ધોની રમશે કે નિવૃત્તિ લેશે તેવા ઊઠતા સવાલો વચ્ચે, ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને એક કાર્યક્રમમાં આ અંગે સ્પષ્ટતા કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘શું ધોની નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે?’ ત્યારે કાશી વિશ્વનાથને સ્પષ્ટ જવાબ આપ્યો કે, ‘ના, ધોની નિવૃત્તિ લેવાનો નથી.’
જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘ધોની ક્યારે નિવૃત્તિ લેશે?’ ત્યારે તેણે હળવાશમાં જવાબ આપ્યો કે, ‘હું તેમને પૂછીશ અને તમને જણાવીશ.’ આ ટિપ્પણીએ સ્પષ્ટ કર્યું કે ધોનીની નિવૃત્તિનો નિર્ણય સંપૂર્ણપણે તેમના પોતાના પર નિર્ભર છે અને ફ્રેન્ચાઈઝી તેમને રમતા જોવા માંગે છે.
છેલ્લી સિઝનમાં CSKનો ખરાબ દેખાવ
છેલ્લી IPL સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર CSKનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઈજાને કારણે નિયુક્ત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ટુર્નામેન્ટની વચ્ચેથી બહાર થઈ ગયા હતા, જેના પગલે ધોનીને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. જો કે, છેલ્લી સિઝન CSK માટે નિરાશાજનક રહી હતી. ટીમે 14માંથી ફક્ત ચાર મેચ જીતી હતી અને IPL ઈતિહાસમાં પ્રથમ વખત પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.
ધોનીની IPL કરિયર
મહેન્દ્ર સિંહ ધોની અને CSK એકબીજાના પર્યાય બની ગયા છે. તે વર્ષ 2016 અને 2017 સિવાય દરેક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યા છે. વર્ષ 2016 અને 2017માં તેમણે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટને IPLમાં અત્યાર સુધીમાં 278 મેચ રમી છે અને 5,439 રન બનાવ્યા છે. વર્ષ 2026ની સિઝન માટે પણ ધોનીની હાજરી CSKના ચાહકો માટે એક મોટો ઉત્સાહનો સ્ત્રોત બની રહેશે.

