જન્મદિને વિરાટની 49મી સદી

newzcafe
6 Min Read

સાઉથ આફ્રિકા સામે ભારતની શાનદાર જીત


સાઉથ આફ્રિકા સામે ભારતની શાનદાર જીત


જન્મદિને વિરાટની 49મી  સદી


49મી સદીના સચિનના મહાવિક્રમની બરોબરી


કોલકાતા, તા. 5 : રનમશીન વિરાટ કોહલીના 3પમા જન્મદિવસનો જશ્ન યાદગાર બની રહ્યો હતો. કોહલીએ આજે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પરિપક્વ સદી ફટકારીને પોતાના રોલ મોડેલ એવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના વન-ડેમાં સૌથી વધુ 49 સદીના મહાવિક્રમની બરોબરી કરી લીધી હતી, તો ટીમ ઈન્ડિયાનો વિજયરથ જારી રહ્યો હતો અને દ. આફ્રિકા પર પણ 243 રને ધાક જમાવતી જીત મેળવી હતી. આ સાથે વિશ્વકપમાં સળંગ આઠમા વિજય સાથે ભારતીય ખેલાડીઓએ રમતપ્રેમીઓને ખુશખુશાલ કરી દીધા છે. 277મી ઈનિંગ્સ રમતા કોહલીના 121 દડામાં 101 રન (અણનમ) અને શ્રેયસ ઐયરના ઝમકદાર 77 રનના સહારે ટીમ ઈન્ડિયાએ 326 રનનો મજબૂત સ્કોર ખડો કર્યા બાદ રવીન્દ્ર જાડેજા (33 રનમાં પાંચ વિ.)ના નેતૃત્વ હેઠળ ભારતીય બોલરોએ આફ્રિકાનો 27.1 ઓવરમાં માત્ર 83 રનમાં કડૂસલો બોલાવી દીધો હતો. આ સાથે ભારત આઠ મેચમાં 16 પોઈન્ટ સાથે ટોચના સ્થાને ઓર મજબૂત બન્યું છે. વિરાટની સદી અને ભારતની વધુ એક ભવ્ય જીતને લીધે ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્રિકેટપ્રેમીઓએ જશ્ન મનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે 12મીએ નેધરલેન્ડ સામે પોતાની અંતિમ મેચ રમશે. દક્ષિણ આફ્રિકા પણ મજબૂત છે અને વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરી રહ્યું છે ત્યારે આજે મેચ જામશે તેવી શક્યતા હતી પણ બળૂકી ટીમ ઈન્ડિયાએ તમામ મોરચે તેને મહાત આપી હતી. તેંડુલકરે 49મી સદી બદલ વિરાટને અભિનંદન પાઠવ્યા હતા. વર્તમાન વિશ્વકપમાં 8 સદી કરનાર પ્રોટિસ ટીમના એક પણ બેટર ભારતના દમદાર બોલરનો સમાનો કરી શકયા ન હતા. 327 રનના મજબૂત વિજય લક્ષ્યાંકનો પીછો કરતાં દ. આફ્રિકાની ટીમ ધારણાથી તદ્દન વિપરીત દેખાવ કરીને ભારતની ચુસ્ત બોલિંગ સામે ઘૂંટણિયે પડી ગઇ હતી. તેના ટોચના તમામ બેટધર નિષ્ફળ રહ્યા હતા. વિશ્વકપમાં 4 સદી કરનાર ડિ’કોક પ, કેપ્ટન બાવુમા 11, ડુસેન 13, માર્કરમ 9, કલાસેન 1 અને મિલર 11 રને આઉટ થયા હતા. આફ્રિકાની અડધી ટીમ 40 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. આફ્રિકાના પૂંછડિયા ખેલાડીઓએ પણ પેવેલિયનમાં પાછા ફરવાની લાઇન લગાવી હતી. આથી પૂરી આફ્રિકી ટીમ 27.1 ઓવરમાં 83 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી રવીન્દ્રએ પાંચ, શમીએ 18માં બે, કુલદીપે 7માં બે વિકેટ લીધી હતી. સિરાજને 1 વિકેટ મળી હતી. આ પહેલાં બર્થ-ડે બોય વિરાટ કોહલીની વિક્રમી 49મી સદીની મદદથી ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ભારતે દ. આફ્રિકાના બોલરોનો મક્કમતાથી સામનો કરીને પ0 ઓવરમાં પ વિકેટે 326 રનનો સંગીન સ્કોર બનાવ્યો હતો. કોહલીએ તેના 3પમા જન્મદિને દિગ્ગજ સચિન તેંડુલકરના વન-ડે ક્રિકેટમાં 49 સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. ખાસ વાત એ રહી હતી કે માસ્ટર બ્લાસ્ટર સચિનને 49મી સદી માટે 4પ1 ઇનિંગ્સ રમવી પડી હતી જ્યારે ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ 49મી સદી ફકત 277 દાવમાં બનાવી છે. વર્તમાન વિશ્વકપમાં વિરાટ કોહલીની આ બીજી સદી છે અને તે સૌથી વધુ રન કરનારા બેટધરોની સૂચિમાં પ42 રન સાથે બીજા ક્રમે આવી ગયો છે. કોહલીએ તેની 49મી સદી 49મી ઓવરમાં પૂરી કરી હતી. તે 121 દડામાં 10 ચોગ્ગાથી 101 રને અણનમ રહ્યો હતો. તેના અને શ્રેયસ અય્યર વચ્ચે ત્રીજી વિકેટમાં 1પ8 દડામાં 134 રનની મહત્ત્વની ભાગીદારી થઈ હતી. અય્યરે 87 દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગાથી 77 રનની આક્રમક બેટિંગ કરી હતી. ભારતની શરૂઆત તોફાની રહી હતી. કપ્તાન રોહિત અને શુભમન વચ્ચે પહેલી વિકેટમાં ફકત 3પ દડામાં 62 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. પ્રારંભથી જ ત્રીજા ગીયરમાં બેટિંગ કરી રહેલ રોહિત 24 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગાથી વિસ્ફોટક 40 રને રબાડાનો શિકાર બન્યો હતો. તો ગિલને કેશવ મહારાજે 23 રને બોલ્ડ કર્યો હતો. આ પછી કોહલી-શ્રેયસે ભારતની ઇનિંગ્સ આગળ વધારી હતી. કેએલ રાહુલ (8)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. તો સૂર્યકુમાર યાદવ 14 દડામાં પ ચોગ્ગાથી કેમિયો ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. અંતમાં રવીન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાની રન રફતાર વધારીને કોહલીના સાથમાં છઠ્ઠી વિકેટની અતૂટ ભાગીદારીમાં 24 દડામાં 41 રનનો મહત્ત્વનો ઉમેરો કર્યો હતો. જાડેજા 1પ દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 29 રને કોહલી (101) સાથે નોટઆઉટ રહ્યો હતો. આજે આફ્રિકાના મહારાજ અને રબાડા સિવાયના બાકીના બોલર લાઇન-લેન્થ ભુલ્યા હતા. મિ. એકસ્ટ્રાના રન 26 રહ્યા હતા. જેમાં વાઇડના 22 રન અને 2 નો-બોલ હતા. આમ આફ્રિકાએ પૂરી 4 ઓવર વધારાની ફેંકી હતી.  યાનસન સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો. તેણે 94 રન લૂંટાવ્યા હતા. સ્કોર બોર્ડ: ભારત: રોહિત કો. બાવુમા બો. રબાડા 40, શુભમન બોલ્ડ કેશવ 23, વિરાટ નોટઆઉટ 101, શ્રેયસ કો. માર્કરમ બો. એન્ગિડી 77, રાહુલ કો. ડુસેન બો. યાનસન 8, સૂર્યકુમાર કો. ડિ’કોક બો. શમ્સી 22, રવીન્દ્ર નોટઆઉટ 29, વધારાના 26, કુલ પ0 ઓવરમાં પ વિકેટે 326 રન વિકેટ ક્રમ: 62, 93, 227, 249, 28પ બોલિંગ: એન્ગિડી: 8.2-0-63-1, યાનસન: 9.4-0-94-1, રબાડા: 10-1-48-1, કેશવ : 10-1-30-1, શમ્સી: 10-1-72-1, માર્કરમ: 2-0-17-0. દ.આફ્રિકા ડિ’કોક બોલ્ડ સિરાજ 5, બાવુમા બોલ્ડ જાડેજા 11, ડુસેન એલબીડબલ્યુ શમી 13, માર્કરમ કો.રાહુલ બો.શમી 9, ક્લાસેન એલબીડબલ્યુ જાડેજા 1, મિલર બોલ્ડ જાડેજા 11, યાનસન કો.જાડેજા બો. કુલદીપ 14, કેશવ બોલ્ડ જાડેજા 7, રબાડા કો.એન્ડ બો. જાડેજા 6, એન્ડિંગી બોલ્ડ કુલદીપ 0, શમ્સી નોટઆઉટ 4, વધારાના 2, કુલ27.1 ઓવર 83 રન વિકેટ ક્રમ: 6, 22, 35, 40, 40, 59, 67, 79, 79, 83 બોલિંગ: બુમરાહ: 5-0-14-0, સિરાજ: 4-1-11-1, જાડેજા: 9-1-33-5, શમી: 4-0-18-2, કુલદીપ: 5.1-1-7-2

Share This Article