ICC ODI Super League Return: ટી20 ક્રિકેટના રોમાંચ વચ્ચે ધીમે ધીમે લોકો માનવા લાગ્યા છે કે, વનડે ક્રિકેટ લાંબુ અને થકાવનારું ફોર્મેટ છે. એવામાં 50 ઓવરના આ ફોર્મેટની પ્રાસંગિકતાને જાળવી રાખવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વનડે સુપર લીગ ફરી ચાલુ કરવાનો વિચાર કરી રહી છે.
વન-ડે સુપર લીગ એટલે શું?
આ ટુર્નામેન્ટ 2019 વનડે વર્લ્ડ કપ પછી માત્ર એક વાર રમાઈ હતી અને તે 2023 વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર તરીકે રમાઈ હતી. 13 ટીમની આ લીગની શરૂઆત 2020માં થઈ હતી. 13 ટીમમાં 12 પૂર્ણ સભ્યો અને નેધરલેન્ડની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમને 12માંથી 8 વિરોધીઓ સામે રમવાનું હતું, જેમાં દરેક ટીમને આઠ સિરીઝ રમવાની હતી. જેમાંથી ચાર ઘરેલુ હતી અને ચાર વિદેશી ધરતી પર રમવાની હતી. દરેક સિરીઝમાં ત્રણ વનડે મેચ હતી. લીગની ટોપ સાત ટીમો સીધી 2023 વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી ગઈ, જ્યારે નીચેની પાંચ ટીમોને ક્વોલિફાયર મેચ રમવી પડી હતી.
2023 વનડે વર્લ્ડ કપ પછી વનડે સુપર લીગને હટાવી દેવામાં આવી હતી. આઈસીસી મીટિંગમાં તેની વાપસીના સંકેત મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, 2027 વનડે વર્લ્ડ કપ બાદ ફરી વાર શરૂ કરી શકાય છે. ક્રિકેટના વ્યસ્ત કેલેન્ડરના કારણે હટાવી દેવામાં આવેલી સુપર લીગની વાપસીથી દ્વિપક્ષીય સિરીઝનું મહત્ત્વ વધી જશે. જો કે તેમાં કેટલી ટીમો ભાગ લેશે, તેને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આઈસીસીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી સીઝનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કુલ 12 ટીમો ભાગ લેશે કેમ કે, ટુ ટિયર પ્લાનનો ઘણાં દેશોએ વિરોધ કર્યો છે. હજુ તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

