Ind vs Eng 3rd Test 2025: ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ અને ઋષભ પંતે શરૂઆતના સત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંતે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે રન આઉટ થયા બાદ પેવેલિયન પાછો ફર્યો હતો. ભારતે આજે ત્રણ વિકેટે ૧૪૫ રનથી રમવાનું શરૂ કર્યું હતું. પંત અને રાહુલ સારી લયમાં દેખાતા હતા અને તેમની મદદથી ભારતે લંચ બ્રેક સુધી પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટે ૨૪૮ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડથી ૧૩૯ રન પાછળ છે.
પંત ઝડપથી રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો હતો. પંત ૧૧૨ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૪ રન બનાવીને આઉટ થયો હતો. પંત અને કેએલ રાહુલ વચ્ચે ચોથી વિકેટ માટે ૧૪૧ રનની ભાગીદારી થઈ હતી. પંતના આઉટ થતાં જ લંચ બ્રેક જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે પહેલા સત્રમાં ૧૦૩ રન બનાવ્યા હતા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી. ભારતે શરૂઆતના સત્રમાં ૪.૫૮ના રન રેટથી બેટિંગ કરી હતી. 98 રન બનાવ્યા બાદ કેએલ રાહુલ ક્રીઝ પર હાજર છે અને સદી ફટકારવાની નજીક છે.