ભારતે શાનદાર ફોર્મ જારી રાખીને વિશ્વકપમાં સળંગ પાંચમી જીત હાંસિલ કરી હતી.

newzcafe
6 Min Read

ભારતે 20 વર્ષ બાદ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.


ભારતે 20 વર્ષ બાદ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. 


ધર્મશાલા, તા. 22 : ભારતે શાનદાર ફોર્મ જારી રાખીને વિશ્વકપમાં સળંગ પાંચમી જીત હાંસિલ કરી હતી. ચાર મેચ બાદ વર્લ્ડકપ માટેની ટીમમાં સમાવાયેલા મોહમ્મદ શમીની પાંચ વિકેટ અને `ચેઝ માસ્ટર’ વિરાટ કોહલીના અફલાતૂન 95 રનના સહારે 20 વર્ષ બાદ વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના વન ડે ક્રિકેટના 49 સદીના વિક્રમની બરાબરી કરવામાં સહેજમાં રહી ગયો હતો. કિવિઝ સામેના શાનદાર વિજયથી ભારત પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગયું છે.  કિવીઝે ડેરિલ મિશેલની સદી (130 રન)ના સહારે 273 રન બનાવ્યા બાદ ભારતે 48 ઓવરમાં 6 વિકેટે 274 રન કરીને મહત્વનો વિજય હાંસલ કર્યો હતો. આ ઉપરાંત 2019ના વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલ હારનો પણ ટીમ ઇન્ડિયાએ હિસાબ ચૂકતે કર્યો છે. ભારતને જીત નજીક પહોંચાડીને વિરાટ કોહલી 104 દડામાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાથી 9પ રને આઉટ થયો હતો. તે સદી પૂરી કરવાની સાથોસાથ વિનિંગ સિકસ ફટકારવાના ચકકરમાં બાઉન્ડ્રી લાઇન પર કેચ આઉટ થયો હતો. પાંચ વિકેટ લેનાર મોહમ્મદ શમી પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. 191 રનમાં ભારતની પાંચમી વિકેટ સૂર્યકુમારના રૂપમાં પડી હતી. આ પછી દબાણની સ્થિતિમાં કોહલી અને જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટમાં 83 દડામાં 78 રનની નિર્ણાયક ભાગીદારી થઇ હતી. જાડેજા 44 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 39 રને નોટઆઉટ રહ્યો હતો.  274 રનના પડકારરૂપ વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત સારી રહી હતી અને પહેલી વિકેટમાં કપ્તાન રોહિત શર્મા અને યુવા શુભમન ગિલ વચ્ચે 67 દડામાં 71 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જો કે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી રહેલ કપ્તાન શર્મા 46 રન બોલ્ડ થયો હતો. તેણે 40 દડાની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા-4 છગ્ગા ફટકાર્યાં હતા. આ પછી ગિલ પણ ખરાબ ફટકો મારીને 26 રને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડને આ બન્ને સફળતા લોકી ફરગ્યૂસને અપાવી હતી. 76 રનમાં બે વિકેટ પડી ગયા બાદ ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ ભારતનો બેટિંગ મોરચો બખૂબી સંભાળી લીધો હતો. તેણે ત્રીજી વિકેટમાં શ્રેયસ અય્યર (30) સાથે 49 દડામાં પ2 રનની અને ચોથી વિકેટમાં કેએલ રાહુલ (27) સાથે મળીને પાંચમી વિકેટની ભાગીદારીમાં 64 દડામાં પ4 રનનો ઉમેરો કરીને કિવિઝ ટીમ પર દબાણ વધાર્યું હતું. જો કે વિશ્વકપની પદાર્પણ મેચમાં સૂર્યકુમાર યાદવ (2) કમનસીબે રનઆઉટ થયો હતો. કિવિઝ તરફથી ફરગ્યૂસને બે વિકેટ લીધી હતી. અગાઉ અંતિમ ઓવરમાં આઉટ થતાં પહેલા મીડલ ઓર્ડર બેટર ડેરિલ મિચેલની 130 રનની લડાયક સદીની મદદથી ન્યૂઝીલેન્ડના પ0 ઓવરમાં 273 રન થયા હતા. ભારત તરફથી અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ પ4 રનમાં પ વિકેટ ઝડપીને શાનદાર વાપસી કરી હતી. ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. કપ્તાન રોહિતનો આ નિર્ણય પ્રારંભે સફળ સાબિત થયો હતો. બન્ને કિવિ ઓપનર ડવેન કોન્વે (0) અને વિલ યંગ (17) સિરાઝ અને શમીનો શિકાર બની સસ્તામાં આઉટ થયા હતા. 19 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ રચિન રવીન્દ્ર અને ડેરિલ મિચેલે ભારતીય બોલરોને હંફાવીને ત્રીજી વિકેટમાં 1પ2 દડામાં 1પ9 રનની સંગીન ભાગીદારી કરીને કિવિઝ ટીમને દબાણમાંથી બહાર કાઢી હતી.  આ દરમિયાન શમીની બોલિંગમાં ચુસ્ત ફિલ્ડર રવીન્દ્ર જાડેજાએ રચિનનો એક આસાન કેચ પડતો મૂક્યો હતો. શાનદાર ફોર્મમાં રમી રહેલા રચિન રવીન્દ્ર 87 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાથી 7પ રને આઉટ થયો હતો. બાદમાં રન રફતાર વધારવાના ચક્કરમાં ઇન્ચાર્જ કેપ્ટન લાથમ (પ), ગ્લેન ફિલિપ (23), માર્ક ચેપમેન (1), મિચેલ સેંટનર (1), મેટ હેનરી (0), લોકી ફરગ્યુસન (1) જલ્દી જલ્દી આઉટ થયા હતા જ્યારે ડેરિલ મિચેલ આખરી ઓવરના પાંચમા દડે 130 રને કોહલીના હાથે શમીની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. તેણે 127 દડાની ઇનિંગમાં 9 ચોગ્ગા-પ છગ્ગા ફટકાર્યા હતા. પ0મી ઓવરના આખરી દડે ફરગ્યુસન રન આઉટ થયો હતો. આથી ન્યૂઝીલેન્ડની ટીમ 273 રને ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી શમીને પ અને કુલદીપને 2 વિકેટ મળી હતી. બુમરાહ-સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી. – સ્કોરબોર્ડ : ન્યૂઝીલેન્ડ : કોન્વે કો. શ્રેયસ બો. સિરાજ 0, યંગ બો. શમી 17, રચિન કો. ગિલ બો. શમી 75, મિચેલ કો. કોહલી બો. શમી 130, લેથમ એલબીડબલ્યુ બો. કુલદીપ 5, ફિલિપ્સ કો. રોહિત બો. કુલદીપ 23, ચેપમેન કો. કોહલી બો. બુમરાહ 6, સેંટનર બો. શમી 1, હેન્રી બો. શમી 0, ફર્ગ્યુસન રનઆઉટ 1, બોલ્ટ અણનમ 0, (વધારાના 16, કુલ 50 ઓવરમાં 273 ઓલઆઉટ) વિકેટ પતન : 9/1, 19/2, 178/3, 205/4, 243/5, 257/6, 260/7, 260/8, 273/9, 273/10. બોલિંગ : બુમરાહ 10-1-45-1, સિરાજ 10-1-45- 1, શમી 10-0-54-5, રવીન્દ્ર જાડેજા 10-0-48-0, કુલદીપ 10-0-73-2. ભારત : રોહિત શર્મા બો. ફર્ગ્યુસન 46, ગિલ કો. મિચેલ બો. ફર્ગ્યુસન 26, કોહલી કો. ફિલિપ્સ બો. હેન્રી 95, ઐયર કો. કોન્વે બો. બોલ્ટ 33, કે. એલ. રાહુલ એલબીડબલ્યુ બો. સેન્ટનર 27, સૂર્યકુમાર રનઆઉટ 2, રવીન્દ્ર જાડેજા (અણનમ) 39, શમી (અણનમ) 1, (વધારાના 5, કુલ્લ 48 ઓવરમાં 6 વિકેટે 274) વિકેટ પતન : 71/1. 76/2, 128/3, 182/4, 191/5, 269/6. બોલિંગ : બોલ્ટ 10-0-60-1, હેન્રી 9-0-55-1, સેન્ટનર 10-0-37-1, ફર્ગ્યુસન 8-0-63-2, રચિન 9-0-46-0. ફિલિપ્સ 2-0-12-0.

Share This Article