યોર્ક, તા. પ : ટી-20 વિશ્વકપમાં ભારતે વિજયી પ્રારંભ કર્યો છે. પહેલા ઝડપી બોલરોની ઘાતક બોલિંગ અને બાદમાં કેપ્ટન રોહિત શર્માની આતશી અર્ધસદીની મદદથી ટીમ ઇન્ડિયાનો આયર્લેન્ડ વિરુદ્ધ 8 વિકેટે જબરદસ્ત વિજય થયો હતો. ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમની ખતરનાક પીચ પર ટીમ ઇન્ડિયાના પેસ એટેક સામે આયર્લેન્ડ ટીમ 16 ઓવરમાં 96 રનમાં ઢેર થઇ ગઇ હતી.

હાર્દિક પંડયાને સૌથી વધુ 3 વિકેટ મળી હતી. બુમરાહ-અર્શદીપને 2-2 વિકેટ મળી હતી. આ પછી 97 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગમાં આવ્યા હતા. જો કે, કોહલી 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે શર્માએ બાવન રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. તે રિટાયર્ડ હર્ટ થયો હતો. રોહિત અને ઋષભ પંત વચ્ચે બીજી વિકેટમાં 44 દડામાં પ4 રનની ભાગીદારી થઇ હતી. પંત 26 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 36 રને નોટઆઉટ રહ્યો હતો. ભારતે 12.2 ઓવરમાં 2 વિકેટે 97 રન કરી 8 વિકેટે જીત સાથે ગ્રુપ એની મેચમાં મહત્ત્વના બે પોઇન્ટ કબજે કર્યા હતા. સૂર્યકુમાર યાદવ 2 રને આઉટ થયો હતો. 6 રનમાં 2 વિકેટ લેનાર બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

