કંડલા મહાબંદરનો આધુનિક રીતે મોટો વિકાસ

Reena Brahmbhatt
5 Min Read
xr:d:DAFZzVgmoDE:47,j:47327617672,t:23022014

ગાંધીધામ, તા. 7 : દરિયાઈ માર્ગે વ્યાપારમાં આજે પણ કચ્છમાં મુંદરા અને માંડવીમાં વારસા સમાન દેશી વહાણનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અત્યાર સુધી મુંદરા અને માંડવીના જૂના બંદરે દેશી વાહણોથી માલની હેરફેર થતી હતી, હવે સતત 16 વર્ષ સુધી દેશના તમામ મહાબંદરોમાં પ્રથમ સ્થાને રહેલા દીનદયાળ મહાબંદર પ્રશાસન દ્વારા કંડલા ખાતે દેશી વહાણના હેન્ડલિંગ માટે મંજૂરી આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ અંગે ગાંધીધામ ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને સફળતા મળી છે. ચેમ્બર પ્રમુખ મહેશ પુજે ડીપીએ ચેરમને સુશિલકુમાર સિંઘ, ટ્રાફિક મેનેજર બી. રત્નશેખર રાવ અને અન્ય ટ્રાફિક વિભાગના અધિકારીઓના આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ લેખાવ્યો હતો.

Port of Kandla

- Advertisement -

આ નિર્ણય વેપારી સમુદાય પ્રત્યેના સક્રિય અને મૈત્રીપૂર્ણ અભિગમ હેઠળ જરૂરી સુવિધા પ્રાપ્ત થતા આ ઐતિહાસિક પહેલની પ્રસંશા કરીએ છીએ તેવું કહી આ પહેલ કન્ટ્રી ક્રાફટ ઉદ્યોગને દેશના અગ્રણી પોર્ટ દ્વારા તેમના વ્યવસાયના વિસ્તરણની સુવિધા આપી છે. જેનાથી પોર્ટની આયાત-નિકાસ વોલ્યુમ અને પોર્ટની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ કહ્યું હતું કે, ચેમ્બરના ખજાનચી અને શિપિંગ વ્યવસાયકાર નરેન્દ્ર રામાણીના સક્રિય પ્રયાસથી ગાંધીધામ ચેમ્બર બંદરના વ્યાપક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવા હંમેશાં કટિબદ્ધ છે. આ નિર્ણયથી આ ઉદ્યોગના વિસ્તરણને અવકાશ મળવા સાથે નાના વેપારીઓને લાભ અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને નવી રોજગારીનું સર્જન થશે, તેવું તેમણે જણાવ્યું હતું. પોર્ટ અને શિપિંગ વ્યાપાર સાથે સંકળાયેલા ચેમ્બરના ખજાનચી નરેન્દ્ર રામાણીએ ડી.પી.એ.ના નિર્ણયને વધાવ્યો હતો. તેમણે આ નિર્ણયને સીમાચિહ્નરૂપ ગણાવી નવા વ્યાપારીક માર્ગો અને બજારો ખૂલવા સાથે ભારતના વૈશ્વિક વ્યાપારના પ્રભાવમાં વધારો થશે તેવું જણાવ્યું હતું.

ડીપીએના આ નિર્ણયને વધાવવા અંગે યોજાયેલી બેઠકમાં પ્રમુખ મહેશ પુજ, ઉપપ્રમુખ દીપક પારેખ, મંત્રી મહેશ તીર્થાણી, સહમંત્રી જતીન અગ્રવાલ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, ચેમ્બર રચીત પોર્ટ અને કસ્ટમ્સ પેટા સમિતિના કન્વીનર મનોજ મનસુખાણી, સહ કન્વીનરો શરદ શેટ્ટી, હેમચંદ્ર યાદવ, સુરોજિત ચક્રવર્તી અને પોર્ટ, શિપિંગ વ્યવસાય સાથે સંકળયેલા સભ્યોએ હાજર રહીને આભારની લાગણી વ્યકત કરી હતી. – કાર્ગો જેટી નંબર-1ની બાજુમાં ઝીરો પોઈન્ટ પાસે કરાશે હેન્ડલિંગ : કંડલા ખાતે દીનદયાલ પોર્ટ દ્વારા પોર્ટની સૌથી જૂની જેટી કે જે ઝીરો પોઈન્ટના નામે ઓળખાય છે. આ ઝીરો પોઈન્ટ કાર્ગો જેટી નંબર એકની બાજુમાં આવેલી છે, ત્યાં પોર્ટ દ્વારા સમયાંતરે બાર્જનું હેન્ડલિંગ કરવામાં આવે છે.

- Advertisement -

આ સ્થળે દેશી જહાજનું હેન્ડલિંગ કરવામાં આવશે. પોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશી જહાજોનું ત્યાં હેન્ડલિંગ સારી રીતે થઈ શકશે. હાલ મંજૂરી આપવામાં આવી છે, સમયાંતરે વિવિધ સુવિધા વિકસાવવામાં આવશે. – દેશી જહાજો મહાકાય જહાજો સામે સ્પર્ધા કરી શકશે : પરિવહન ચાર્જ પ્રતિ ટન રૂા. 500થી ઘટીને 175 થશે : ડીપીએ દ્વારા દેશી જહાજોને મંજૂરી આપવાના નિર્ણયથી દેશી જહાજો હવે મહાકાય જહાજો સાથેની સ્પર્ધામાં ઉતરી શકશે અને આ વર્ષો જૂના ઉદ્યોગના વિકાસના નવા દ્વાર ખૂલશે, તેવું દેશી જહાજના વ્યવસાય સાથે સંકળાયેલા દામજી ઘીરાઉ સન્સ અને આશાપુરા શિપિંગ એજેન્સીના અશોક ભાનુશાળીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશી જહાજને કંડલામાં મંજૂરી મળે તે માટે ચેમ્બરને રજૂઆત કરી હતી અને ચેમ્બરે આ અંગે સક્રિય ભૂમિકા ભજવી હોવાનું કહ્યું હતું. મુંદરા જૂના બંદરમાં જગ્યા ન હોવાના કારણે તેમજ એક જ બંદર હોવાના કારણે અનેક જહાજો આવી શકતા ન હતા અને તેના કારણે કેટલાક જહાજોને પોરબંદર લઈ જવા પડતા હતા. હવે કંડલામાં આ મંજૂરી મળતાં 250થી વધુ દેશી જહાજોનું આવાગમન સરળ બનશે.

માલ ગાંધીધામમાં સંગ્રહીત થતો હોવાના કારણે પ્રતિ ટન મુંદરા સુધીનો પરિવહન ખર્ચ રૂા. 500 થતો હતો, જે કંડલામાં હવે માત્ર 175 જેટલો થશે તેવું તેમણે ઉમેર્યું હતું. – કચ્છમિત્ર દ્વારા આયોજિત કોન્કલેવમાં દેશી વહાણ ઉદ્યોગ અંગે થયું’તું મંથન : દીનદયાલ પોર્ટ દ્વારા આજે ગાંધીધામ ચેમ્બરની રજૂઆત સંદર્ભે દેશી વહાણના હેન્ડલિંગ માટે મંજૂરી આપી છે, ત્યારે ગત વર્ષે ગાંધીધામમાં યોજાયેલા કોન્કલેવમાં આ ઉદ્યોગ સંદર્ભે યોજાયેલા પોર્ટ ક્ષેત્રના સત્રમાં દેશી વહાણવટાના ભાવિ વિકાસ અંગે ચર્ચા થઈ હતી. ડીપીએના પૂર્વ ચેરમેન એસ.કે. મેહતા, મેરીટાઈમ બોર્ડના જનરલ મેનેજર અને અદાણી પોર્ટના શ્રી ત્રિપાઠીએ આ અંગે ચર્ચા કરી દેશી વહાણને પ્રોત્સાહન આપવા મંતવ્ય આપ્યા હતા. ડીપીએ દ્વારા બંદર બેસીનમાં દેશી વહાણના હેન્ડલિંગ માટે વ્યવસ્થા કરાતી હોવાની માહિતી આપી હતી. કચ્છના સર્વાંગી વિકાસની ચર્ચા માટેના આ કોન્કલેવમાં થયેલી દેશી વહાણ ઉદ્યોગ અંગેના મંથનની આજે પરિણામલક્ષી કામગીરી થઈ છે.

- Advertisement -
Share This Article