હૉંગકૉંગ સામે 10-11ના રોમાંચક મુકાબલામાં ભારતીય જોડીનો પરાજય, જોશના ચિનપ્પાએ એશિયન ગેમ્સમાં છઠ્ઠો મેડલ જીત્યો
India Squash Bronze Medal: જાપાનના નાગોયા કિંજો ફુટો એરિનામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026ની સ્ક્વૈશ ઇવેન્ટમાં ભારતે મેડલ પોતાના નામે કર્યો છે. ભારતની અનુભવી ખેલાડી જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારની જોડીને મિક્સ્ડ ડબલ્સની અત્યંત રોમાંચક સેમિફાઇનલ મેચમાં હૉંગકૉંગની તાંગ મિંગ હૉંગ અને લી કા યીની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ ભારતીય જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. જોકે, તેમણે અહીં સુધીની જે સફર કરી છે તે ગર્વની વાત છે.
10-11 પર અટકી ગયો શ્વાસ રોકી દેનારો મુકાબલો
ત્રણ ગેમ સુધી ચાલેલી આ હાઇ-વૉલ્ટેજ સેમિફાઇનલ મેચમાં હૉંગકૉંગની જોડીએ 2-1 (11-10, 2-11, 11-10)થી જીત નોંધાવી. પ્રથમ ગેમ હૉંગકૉંગની જોડીએ અત્યંત નજીકની ટક્કરમાં 11-10થી પોતાના નામે કરી. બીજી ગેમમાં જોશના અને સેન્થિલકુમારે ધમાકેદાર વાપસી કરતાં વિરોધી જોડીને 11-2થી કરારી હાર આપી અને મેચ 1-1ની બરાબરી પર લાવી. ત્રીજી અને અંતિમ ગેમમાં બંને જોડીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી. 10-10ની બરાબરી બાદ અંતિમ ક્ષણોમાં જોશના તરફથી થયેલી નાની ભૂલનો લાભ ઉઠાવીને હૉંગકૉંગે 11-10થી બાજી મારી અને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું.
જોશના ચિનપ્પાના નામે નોંધાયો છઠ્ઠો એશિયન ગેમ્સ મેડલ
40 વર્ષીય સ્ટાર સ્ક્વૈશ ખેલાડી જોશના ચિનપ્પાનો એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ છઠ્ઠો મેડલ છે. આ પહેલાં તેઓ એશિયન ગેમ્સમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી ચૂક્યાં હતાં. આ બ્રોન્ઝ મેડલ સાથે તેમણે એશિયન મંચ પર પોતાની મહાનતાને ફરી એકવાર સાબિત કરી છે. ભારતીય જોડીએ શુક્રવારે ફિલિપાઇન્સના ડેવિડ પેલિનો અને જેમિકા અરિબાડોને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું અને દેશ માટે મેડલ નિશ્ચિત કર્યો હતો.

