પાકિસ્તાન 20 વર્ષ બાદ ત્રિકોણી શ્રેણીની યજમાની કરશે
ઈસ્લામાબાદ, તા. 16 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અંદાજિત બે દશક બાદ વન-ડે ટ્રાઈ શ્રેણીનું આયોજન કરશે. પાકિસ્તાને ફેબ્રુઆરી 2025માં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે ત્રિકોણીય શ્રેણીની ઘોષણા કરી છે. ત્રણેય ટીમ શ્રેણી મારફતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાને તૈયાર કરશે. જે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાવાની છે. પાકિસ્તાન પાસે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની મેજબાનીનો અધિકાર છે. જે 2017 બાદ પહેલી વખત ક્રિકેટ કેલેન્ડરમાં પરત લાવવામાં આવ્યો હતો. મોહસીન નકવી દ્વારા ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષ લોસન નાયડૂ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ રોજર ટુસે સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ પીસીબીએ ત્રિકોણી શ્રેણીનું એલાન કર્યું છે. પાકિસ્તાને અંતિમ વખત 2008મા બંગલાદેશમાં ટ્રાઇ શ્રેણી રમી હતી. આ શ્રેણીમાં ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશની ટીમ હતી. અંતિમ વખત પાકિસ્તાનમાં ઓક્ટોબર 2004માં ત્રિકોણીય શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીમાં અન્ય ટીમ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા હતી. પીસીબી પ્રમુખ મોહસીન નકવીએ કહ્યું હતું કે, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણી રોમાંચક બની રહેશે. લાંબા સમય બાદ પાકિસ્તાન આવી ટૂર્નામેન્ટની મેજબાની કરવા જઈ રહ્યું છે. તેઓ શ્રેણીમાં સામેલ થવા બાદ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના બોર્ડનો આભાર માને છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની માટે પણ રોમાંચિત છે.
