Indian Cricket Team In ICC Finals: દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ રવિવારે (9 માર્ચ) ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ અંગે ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ 14મી વખત ICC ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં સ્થાન બનાવ્યું છે. અગાઉ 2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામ કરી હતી. આવો જાણીએ, ટીમ ઈન્ડિયાએ કેટલી વખત ICC ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.
ભારતે છ આઈસીસી ખિતાબ જીત્યા
ભારતે અત્યારસુધી કુલ 13 આઈસીસી ફાઈનલ રમી છે. જેમાંથી છ વખત આઈસીસી ખિતાબ જીતવામાં સફળ રહી છે. તેમાં વનડે વર્લ્ડ કપ 1983, 2011, ચેમ્પિયન્સ ટ્રોફી 2002, 2013, ટી20 વર્લ્ડ કપ 2007 અને 2024 સામેલ છે.
કપિલ દેવની કેપ્ટનશીપમાં જીતી પ્રથમ ICC ટ્રોફી
ભારતે પ્રથમ વખત ICC ટ્રોફી 1983માં જીતી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલ દેવ હતાં. આ ખિતાબ સાથે ભારતે પ્રથમ વખત 1983માં ICC વર્લ્ડ કપ જીત્યો હતો. છેલ્લા 12 વર્ષોમાં ભારતે એક જ ICC ખિતાબ જીત્યો છે. પરંતુ અનેક વખત નોકઆઉટ સ્ટેજ સુધી રમ્યું છે.
ગાંગુલીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2000 અને 2002ના ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બાદમાં 2003માં પણ વનડે વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો રમ્યો હતો. ગાંગુલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારે ફાઈનલ મેચમાં વરસાદના કારણે ઈનિંગ રદ થતાં ભારત અને શ્રીલંકાને ચેમ્પિયન્સ ટ્રોફી 2002 માટે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ધોનીના નેતૃત્વમાં ત્રણ ICC ટ્રોફી
મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2007, ટી20 વર્લ્ડકપ 2014, વનડે વર્લ્ડ કપ 2013 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઈનલ મેચ રમી હતી. ધોનીના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ત્રણ વખત ICC ટ્રોફી જીતી હતી.
રોહિતની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ 2024
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023, વનડે વર્લ્ડ કપ 2023, ટી20 વર્લ્ડ કપ 2024 સહિત ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ રમી છે. અને આગામી રવિવારે ચોથી આઈસીસી ફાઈનલ મેચ રમશે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. ત્યારે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી હતી.

