ભારતીય સ્પિનરો ઓસ્ટ્રેલિયાને ભારે પડયા
ભારતીય સ્પિનરો ઓસ્ટ્રેલિયાને ભારે પડયા
નવી દિલ્હી, તા. 2: સૂર્યકુમાર યાદવને પહેલી વખત આંતરરાષ્ટ્રીય સ્તરે કેપ્ટનશીપ આપવામાં આવી છે અને તેણે ટી20 શ્રેણી જીતીને સાબિત કરી દીધું છે કે તે નંબર 1 ટી20 બેટ્સમેન જ નહીં પણ તક મળે તો શાનદાર કેપ્ટન પણ છે, કારણ કે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને રાયપુરમાં પહેલી ડિસેમ્બરના રોજ રમાયેલા મેચમાં 20 રને હરાવીને શ્રેણી પોતાનાં નામે કરી લીધી છે.
આ મેચ માટે ટીમ ઇન્ડિયાએ ચાર બદલાવ કર્યા હતા. મુકેશ કુમાર, શ્રેયસ અય્યર, જીતેશ શર્મા અને દીપક ચાહરને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી હતી જ્યારે ઈશાન કિશન, અર્શદીપ સિંહ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમથી બહાર કરવામાં આવ્યા હતા. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે છ ઓવરમાં 50 રન જોડયા હતા. યશસ્વીએ આઉટ થતા પહેલા 28 બોલમાં 37 રન કર્યા હતા. યશસ્વી આઉટ થયા બાદ ભારતે શ્રેયસ અય્યર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. 63 રને ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઋતુરાજ ગાયકવડા અને રિંકુ સિંહ વચ્ચે 48 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઋતુરાજે ત્રણ ચોક્કા અને એક છગ્ગાની મદદથી 28 બોલમાં 32 રન કર્યા હતા. બાદમાં રિંકુ સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી.
રિંકુ સિંહ અને જીતેશ શર્માએ ભારતને નવ વિકેટે 174રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. રિંકુએ 28 બોલમાં સૌથી વધારે 46 રન કર્યા હતા. તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા જ્યારે જિતેશે 19 બોલમા 35 રન કર્યા હતા. મેચમાં સ્પિનર્સનો પણ રોલ મહત્ત્વનો હતો. અક્ષર પટેલે કમાલની બેટિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. જેનાં કારણે તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. બિશ્નોઇએ રન ઓછા આપ્યા હતા. તેણે ચાર ઓવરમાં 17 રન જ આપ્યા હતા.
